The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 205

ભરૂચના ભીડભંજન હનુમાન મંદિરે માગશર મહિ‌નાના દર ગુરુવારે ભરાતો અનોખો મેળો

ભરૂચ શહેરના ભીડભંજન હનુમાન મંદિરે ૪૮૪ વર્ષથી માગશર મહિ‌નાના દર ગુરુવારે ભરાતા કોઠા પાપડીનો મેળો ગત વર્ષે કોરોનાના કારણે બંધ રહ્યાં બાદ આ વર્ષે પેહલા જ ગુરૂવારથી લોકો મેળામાં ઉમટી પડ્યા હતા.

કોમી એકતાના પ્રતિક સમા ભીડભંજન હનુમાનના મંદિર અને તેની સામે વલી સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહના પગલે મેળાનું મહત્વ અનેકગણુ વધી જાય છે.શહેરના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગશર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન બનેલા આ મેળામાં બન્નેવ ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવાઅને બાધા પુરી કરવા પણ આવે છે.

અહીં શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફુલ ચઢાવે છે. ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા. જે આજે પણ આ સ્થળે હાજરા હજૂર છે. મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે.મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે.

મેળામાં માત્ર કોઠા, પાપડી અને ફૂલની લારીઓ સહિત ખાણીપીણીની લારીઓ ઉભી રહે છે.આ કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિ‌ત એકબીજા સાથે કોઠા લડાવે છે જેનુ કોઠુ તુટે તે પોતાનું કોઠુ બીજાને આપી દે છે.અહીં કોઠા આરોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડી ખાવાનું ચુકતા નથી.કહેવાય છે કે અહીં શ્રદ્ધાથી રખાયેલ બાધા અવશ્ય પૂર્ણ થાય છે.

ભીડભંજન હનુમાનના મંદિરની સામે સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે. જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં 1058 માં થયાનું દર્શાવાયું છે. કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે. શહેર અને જિલ્લાની હિંદુ-મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સંસ્કતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પુરુ પાડી રહ્યાં છે.

નેત્રંગ તાલુકામાં સરપંચોની ચુંટણીઓથી ગ્રામજનોની એકતામાં પડી તિરાડ

•નેત્રંગ તાલુકામાં ભાજપના ૨૦,કોંગ્રેસ ૮ અને બીટીપીના ૭ સરપંચો ચુંટાયા

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતોની ચુંટણીમાં સરપંચ-સભ્યોના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો.ગ્રા.પંચાયતની ૮૦.૮૪ ટકાના વિક્રમી મતદાન બાદ સત્તાનું સુકાન કોણ સંભાળશે તે કહેવું શક્ય નહતું.ભારે ઉત્તેજના અને આશાઓ સાથે નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલના સાંસ્કૃતિક ભવનમાં મતગણતરી હાથ ધરાઇ હતી.સરપંચ-સભ્યોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આવી એક પ્રકારનું શક્તિપ્રદર્શન કર્યુ હતું.

પરિણામ જાહેર થયા બાદ સરપંચ-સભ્યોના ઉમેદવારો અને ત્રણેય રાજકીય પક્ષોના નેતાઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.કેટલાક ગામોમાં સરપંચની ચુંટણીઓ પુર્ણ થયા બાદ ભાઇ-ભાઇ,પરીવારના સભ્યો,ગ્રામજનો અને ત્રણેવ રાજકીય પક્ષોના કાર્યકરોની ચુંટણીઓથી ગ્રામજનોની એકતામાં તિરાડ પડી છે.

જેમાં ભાજપ,કોંગ્રેસ અને બીટીપીના મોટા નેતાઓએ પણ ચુંટણીઓમાં હારનો સ્વાદ ચાખ્યો છે.જીલ્લા-તાલુકાકક્ષાના પક્ષના જ કાર્યકરો ચુંટણીઓ હારી જતાં ભારે રાજકીય ગરમાટો પ્રસરી જવા માંડ્યો હતો.એક સર્વે મુજબ નેત્રંગ તાલુકામાં ભાજપના ૨૦,કોંગ્રેસ ૮ અને બીટીપીના ૭ સરપંચો ચુંટાયાના અહેવાલ મળ્યા છે.ઝઘડીયા વિધાનસભા કબ્જે કરવા ત્રણેય રાજકીય પક્ષોએ સરપંચો ઉપર દાવ લગાવ્યો હતો.એકંદર કોણ સફળ રહેશે તે આવનાર સમયમાં વિધાનસભાના ચુંટણીના પરીણામ બાદ ખબર પડશે.

•દિવ્યાંગ મિસ્ત્રી,ન્યુઝલાઇન, નેત્રંગ

પેપર લીક કૌભાંડ પ્રકરણમાં ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન

ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવા મામલે રાજ્યમાં અત્યારે વિરોધ ચાલી રહ્યો છે. જેનાં સંદર્ભે પેપર લીકેજ કૌભાંડ પ્રકરણના વિરોધમાં ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના ધરણા પ્રદર્શન અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્ર્સિંહ રાજ સહીતના આગેવાનો કાર્યકરોએ પેપર લીક પ્રકરણનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આપના જણાવ્યા અનુસાર ફાર્મ હાઉસમાં સાબરકાંઠાના ૧૬ ઉમેદવારોની પાસેથી વ્યક્તિ દીઠ ૧૨ લાખ રૂપિયા લઇ રાત્રે નવ વાગ્યે પેપર હાથમાં આપ્યાં હતાં. તે સાથે કેટલાંક સોલ્યુશનના પુસ્તકો આપી તેમાંથી જવાબ પણ શોધી લેવાયાં હતાં. પરંતુ ૨૦૦ માંથી અમુક પ્રશ્નોના જવાબ ન મળતાં કેટલાંક ભરતી પરીક્ષાના ટ્રેઇનરોને બોલાવીને તેમના થકી બાકીના પ્રશ્નો સોલ્વ કરાયાં હતાં.પેપર લીક કાંડ બાદ ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની પણ આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી.

ભરૂચ ખાતે આવેદન આપ્યા બાદ કલેકટરાલય બહાર આમ આદમી પાર્ટીએ આ મામલે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને અસિત વોરાને હટાવવાની માંગ કરી હતી. બાદમાં એ ડિવિઝન પોલીસે તમામને અટકાયતમાં લીધા હતા.

રાજપારડી ગામે ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યું

• વિજેતા ટીમે રાજપારડીના મતદારોએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે બુધવારે ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજયી થયેલ યુવા પ્રગતિ પેનલના સરપંચ કાલિદાસભાઇ વસાવાનુ વિજય સરઘસ નિકળ્યુ હતુ. રાજપારડીના મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાજઅલી બાપુ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ સમર્થિત પેનલના સરપંચ પદના ઉમેદવાર કાલિદાસભાઇ વસાવા મતગણતરી બાદ મળસ્કે વિજેતા જાહેર થયા હતા.

આયોજીત વિજય સરઘસનુ ગામમાં યુવા પ્રગતિ પેનલના અગ્રણીઓ,કાર્યકરોએ ઠેરઠેર સ્વાગત કર્યુ હતુ અને એકબીજાને મિઠાઇ ખવડાવી જીતની ખુશી વ્યકત કરી હતી આ વિજય સરઘસમાં નવ નિયુક્ત સરપંચ કાલિદાસભાઇ વસાવા,રાજપારડીના મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાજઅલી બાપુ, પ્રકાશભાઇ દેસાઇ, રિતેશભાઇ વસાવા,અગ્રણી ભુપેન્દ્રસિંહ રાઠોડ, તેમજ ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજેતા સદસ્ય નિલેશભાઇ ચૌહાણ,તૌફીકભાઇ પટેલ, સહિત અન્ય વિજેતા સભ્યો તેમજ અગ્રણીઓ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. વિજેતા યુવા પ્રગતિ પેનલની ટીમે રાજપારડીના મતદારોએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ જનતાના આ વિશ્વાસને સાર્થક કરવા કટિબદ્ધ બનશે એમ જણાવ્યુ હતું. વિજય સરઘસ દરમિયાન બંદોબસ્ત માટે પી.એસ.આઇ.જે.બી.જાદવ સહિતના પોલીસ જવાનો હાજર રહ્યા હતા અને ટ્રાફિકનુ સંચાલન કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે કાલિદાસભાઇ વસાવા આ પહેલા પણ રાજપારડીના સરપંચ પદે રહી ચુક્યાછે અને સરપંચ પદે રહી ગામલોકોની ચાહનાઓ મેળવી હતી.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

નેત્રંગ: ચુંટણીની અદાવતે ધોલેખામ ગામે ઝિંકાયા કુહાડીના ઘા

•ઉમલ્લા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી

ભરૂચ જિલ્લામાં ૪૧૩ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી અને મંગળવારે સવારથી જ મત ગણતરી કરવામાં આવતા કેટલાય ઉમેદવારો જીતનો જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે નેત્રંગના ધોલેખામ ગામે બુધવારે જીતેલા સરપંચે હારેલ સરપંચના ટેકેદારને ઘેરીને કુહાડી ના ઘા ઝિંકવાનો બનાવ સામે આવ્યો છે.

નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામે બુધવારના રોજ સવારે ૭ કલાકે મંદિર ફળીયામાં રહેતા ૨૮ વર્ષીય મુન્ના ગોમાન વસાવા પોતના ખેતરે જવા બાઇક લઈ નીકળ્યો હતો તેની સાથે બાઇક ઉપર ગામના જ વસંતીબેન કમલેશ પણ જતા હતા દરમિયાન તેની બાઇક નવી વસાહત પાસેથી પસાર થતી હતી ત્યારે હાલ જીતેલા સરપંચ પ્રિયંકા પ્રકાશ વસાવા અને તેના મળતીયાઓએ અચાનક ધસી આવી બાઇકને રોકી તું સંગીતા અશ્વિન વસાવા જે સરપંચની ઉમેદવારી કરી હારી ગયા તેના પતિ અશ્વિનને ચુંટણીમાં કેમ મદદ કરી હતીની રીશે ૧૫ થી ૨૦ જેટલા માણસોએ ભેગા મળી લાક્ડી અને કુહાડી વડે હૂમલો કરતા આ હૂમલામાં મુન્ના વસાવાને હાથે પગે લાક્ડીના સપાટા તેમજ માથે કુહાડીનો ઘા વાગતા ઘાયલ અવસ્થામાં વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયો હતો.

આ સમગ્ર મામલે ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ઘટનાની વધુ તપાસ હાથધરી છે.

વેલેન્ટાઈનના દિવસે મંદિરમાં લગ્ન કરી શરીરસુખ માણી પત્નીને ન સ્વીકારનાર પતિ સામે નોંધાઇ બળાત્કારની ફરીયાદ

•કોરોના ના કારણે મંદિરમાં કર્યા હતા લગ્ન

પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડેના દિવસે મંદિરમાં લગ્ન કરી બે દિવસ પછી તરત જ યુવકે આ જીવન પત્ની તરીકે સ્વીકારવા નું વચન આપી દુષ્કર્મ આચર્યું અને હવે યુવક યુવતીને આજીવન પત્ની તરીકે રાખવા તૈયાર ન હોવાના આક્ષેપ સાથે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં યુવક સામે બળાત્કારનો ગુનો નોંધાયો છે.

જેમાં યુવકે યુવતી સાથે મંદિરમાં લગ્ન કરી એક વર્ષ સુધી તેણી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેણીને પત્ની તરીકે રાખવા તૈયાર ન હોવાના કારણે તેમજ અન્ય યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવનાર યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ થયો છે.

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર પીડિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે ભરૂચના મેડિકલમાં નોકરી કરતા અલ્પેશકુમાર શૈલેષભાઈ પટેલ કે જેવો આલી નવા ફળીયા બીએસએનએલ ઓફિસની પાછળ એમજી રોડ ભરૂચનાઓ સાથે પ્રેમ સંબંધ થયા હતા અને અલ્પેશકુમાર પટેલે મને આજીવન પત્ની તરીકે સ્વીકારવાનું વચન આપી કોરોનાના કારણે બંન્નેવે ગત તારીખ ૧૪/૨/૨૦૨૦ના રોજ આમોદ તાલુકાના બળીયાદેવ મંદિરે બન્નેવની મરજી અને રાજીખુશીથી હિન્દુ રિવાજ મુજબ હિન્દુ શાસ્ત્રો વિધિ મુજબ મહારાજે કાયદેસરના લગ્ન કરાવ્યા હતા.

જે લગ્ન બાદ બંનેવ આજીવન પતિ- પત્ની તરીકેના વચને બંધાયા હતા. તારીખ ૧૭/૨/૨૦૨૦ ના રોજ પતિ અલ્પેશકુમાર પટેલ તેઓના ઘરે પટાવી ફોસલાવી મારી ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી સૌ પ્રથમ શરીર સંબંધ બાંધ્યા હતા અને મને કહેલ કે હવે આપણાં લગ્ન થઇ ગયેલ છે અને હું તને જ આ જીવન પત્ની તરીકે રાખવાનો છું. તું મારી ઉપર વિશ્વાસ અને ભરોસો રાખ.

ત્યારબાદ અલ્પેશ પટેલે તેના જન્મદિવસના બીજા દિવસ એટલે ૨૭/૬/૨૦૨૦ ના રોજ આલી વિસ્તારમાં તેના ઘરે શરીર સંબંધ બાંધ્યા હતા અને ત્યાર પછી અલ્પેશે જાન્યુઆરી ૨૦૨૧માં ચાવજ ગામે આવેલ માંગલ્ય રેસીડેન્સીમાં પોતાનું મકાન લીધું હતું અને તેઓએ ત્યાં રહેવા ગયા હતા અને ત્યાં ઘરે પણ લઈ જઈ અલગ અલગ રીતે આશરે ચારથી પાંચ વખત શરીરસુખ માણ્યું હતું અને ત્યારબાદ પીડિતાને કહ્યું હતું કે કોરોનાની મહામારી પતી જાય પછી હું તને ધામ ધુમથી લગ્ન કરી મારા ઘરે લઈ જઈશ.

કોરોના મહામારીના કારણે અમારા લગ્ન ડિસેમ્બર ૨૦૨૧માં લગ્ન કરવાનું નક્કી કરેલ હતું. પરંતુ આ દરમિયાન અલ્પેશે ઓગસ્ટ ૨૦૨૧થી મારી સાથે ધામધૂમથી મને લગ્ન કરી તેડી જવાની આનાકાની કરી ખોટા ઝઘડા કરવા લાગેલ અને મને સામાજિક રીતે ધામધૂમથી લગ્ન કરી તેડી જવાની સ્પષ્ટ ના પાડી દીધેલી જેથી મારો પતિ અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો હોવાના કારણે પીડિતાને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર ન હોવાના ઇરાદો દેખાયો હતો. આ ફરિયાદમાં પીડિતાએ તેણીનું મંગળસૂત્ર તથા સોનાની બુટ્ટી તથા તેના મકાનનો માસિક હપ્તો રૂપિયા ૮૦૦૦ પણ પીડિતાએ તેના પગારમાંથી આપ્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે.

આખરે પીડિતાએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પતિ અલ્પેશકુમાર શૈલેષભાઈ પટેલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરાવ્યો હતો. ભરૂચ સી-ડિવિઝન પોલીસે પત્નીનો અસ્વીકાર કરનાર પતિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

ભરૂચનાં ઓચ્છણ પેટા કેન્દ્ર ખાતે ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું સંમેલન યોજાયું

•નવાં ચુટાયેલા સરપંચનું સન્માન કરાયું

ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં નિયામક ઝયનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ ગત છ માસમાં તાલીમ પૂર્ણ કરેલ તાલિમાર્થિઓને પ્રમાણપત્ર વિતરણ તથા રોજગારલક્ષી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમની સાથે નહેરૂ યુવા કેંદ્ર ભરૂચ દ્વારા કલીન વિલેજ ગ્રીન વિલેજ અંગે વિશેષ વ્યાખ્યાન રજુ કરાયુ હતું. તેમજ ગામના તજજ્ઞ મીનાબેન પુરોહિત દ્વારા નવાં ચૂટાયેલા સરપંચ રેણુકાબા ધર્મેન્દ્રસિંહ રણાનું સન્માન કરાયું હતું.

જે એસ એસના ફિલ્ડ અને લાઈવલી હુડ કોઓર્ડિનેટર શિતલબેન ભરૂચા દ્વારા સૌનું સ્વાગત કરી જે એસ એસની ભારત સરકારની ગાઈડ લાઈન્સ મુજબની તાલીમ અને વિવિધ કાર્યક્રમો અંગે માહિતિ આપી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવો તરીકે નવા સરપંચ, સરકારી પ્રાથમીક શાળાના આચાર્ય મિનાક્ષીબેન ચૌહાણ તથા નહેરૂ યુવા કેંદ્રના દિવ્યજીતસિંહ ઝાલા અને રોટરી ક્લબ ઓફ વાગરાનાં સમીરભાઈ ચૌહાણ, ગ્રામ પંચાયતના સભ્ય શીતલબેન કે પટેલ, નહેરૂ યુવા કેન્દ્રના મોહમ્મદ ભોયા ખાસ ઉપસ્થીત રહયા હતા.

આ કાર્યક્રમમાં બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ તાલીમાર્થી બહેનોને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમમાં તાલીમાર્થી બહેનો દ્વારા તૈયાર થયેલુ નમૂનાઓનું પ્રદર્શનક્મ સેલનું પણ આયોજન કરાયું હતું જેની આમંત્રિત મહેમાનો તથા મુલાકાતીઓ દ્વારા ભારોભાર પ્રસંશા કરી હતી અને તજજ્ઞ મીનાબેન પુરોહિતને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે આ તાલીમ પ્રાપ્ત કરનાર બહેનો પૈકી ચાર બહેનો રાઠોડ વનીતાબેન વેચાણભાઈ, વસાવા ચંદ્રિકાબેન જયંતિભાઈ, પટેલ મુસ્કાન મુસાભાઈ, ભટી સોહાના હુશેનભાઈએ પોતાની સ્વરોજગારી શરૂ કરી દીધી છે. તેઓએ પોતાના સ્વરોજગાર શરૂ કરી પરીવારને મદદરૂપ થઈ રહયા છે.

આ તમામને જે એસ એસના નિયામક ઝયનુલ સૈયદે પોતાના શુભેચ્છા સંદેશમાં હાર્દિક અભીનંદન પાઠવ્યા અને અન્ય બહેનોને પણ એમની પાસેથી પ્રેરણા મેળવી આત્મનિર્ભર થવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કરવા આનુરોધ કર્યો હતો.

ભરૂચ: બક્ષીપંચ મોરચા દ્વારા પ્લેકાર્ડ સાથે કેરાલાના મુખ્યમંત્રીના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

ભરૂચ ખાતે કેરાલા ના ઓબીસીના પ્રદેશ મહામંત્રી એડવોકેટ રંજીત શ્રીનીવાસનની એસ.ડી.પી.આઈ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે.તેના વિરોધમાં બક્ષીપંચ મોરચા દ્વારા આજરોજ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.આ વિરોધ પ્રદર્શનમાં કેરાલા ના સી.એમની હાય હાય બોલાવવા સાથે હત્યારાઓની અટકાયતની માંગ પણ કરાઇ હતી.

આ પ્રસંગે ભરૂચ ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, બક્ષીપંચ મોરચના જિલ્લા મહામંત્રી ફતેસીંગ ગોહિલ, બક્ષી પંચ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ઉપાધ્યક્ષ દિનેશ દાસ, શહેર મહમંત્રી દિપક મિસ્ત્રી, જતીન શાહ સાથે બક્ષીપંચ મહામંત્રી પરેશ લાડ સહિત બક્ષી પંચ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.

ભરૂચ: ચાવજમાં ગાડી હટાવવા મુદ્દે ધીંગાણું, ૩ ઘાયલ

•ખેતરમાં ધાસચારો લેવા ગયેલ સગીરને ઢિકાપાટુનો માર મરાયો
•૧૫ જેટલા લોકોએ કુહાડી તથા લાકડી વડે કર્યો હૂમલો

ભરૂચના ચાવજ ગામે ખેતરમાં ઘાસચારો લેવા ગયેલા સગીરને ગાડી હટાવવા મુદ્દે બોલાચાલી થતાં આ ધટનાએ મારામારીનું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં ૧૫ જેટલા લોકોએ કુહાડી અને લાકડી વડે હિંસક હૂમલો કરતા એક સગીર સહિત કુલ ૩ ને ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયા હતા.

ભરૂચના ચાવજ ગામે ખોડીયાર નગરમાં રહેતો અર્જુન પેઠા ભરવાડ ઉ. ૧૭ આજે ખેતરે ઘાસચારો લેવા ગયો હતો. દરમિયાન વહનનો એકજ ચીલો હોય અને વાહન વચ્ચે હોય બોલાચાલી કરી ઘેલા ઘુધા ભરવાડે સગીરને તમાચા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી અર્જુન પોતાના ઘરે દોડી ગયો હતો. જ્યાં તેના મોટાબાપા સહિતનાઓને આ વાતની જાણ થતાં બંન્નેવ પક્ષે બોલાચાલી ઉગ્ર બની હતી અને આ બોલાચાલીએ હિંસક રૂપ લેતાં ઘેલા ઘુધા ભરવાડ સહિત ૧૫ જેટલા લોકોએ ચુંટનીની જુની રીષ તથા ખેતરની બોલાચાલીના પગલે કુહાડી અને લાક્ડીઓ વડે ખોડીયાર નજીકમાં જ મારામારી કરતા ગભા પોપટ ભરવાડ ઉ.55 રહે.ચાવજ ખોડિયાર નગર,મુન્નાભાઈ પોપટ ભરવાડ ઉ.50 રહે.ચાવજ તથા અર્જુન પેઠા ભરવાડ ઉ. ૧૭ને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયા હતા.

બનાવ અંગે સી ડિવિઝન પોલીસ મથકે અરજી આપતા પોલીસે ઘાયલોના જવાબો લઈ ફરીયાદ નોંધવા કવાયત હાથધરી છે.

ભરૂચના કાંકરિયા ગામે ધર્માંતરણ મામલે ફરિયાદ કરનારને જાનથી મારી નાખવાની ધમકી

આમોદ તાલુકામાં આવેલાં કાંકરિયા ગામે ચૂંટણી ટાણે ધર્માંતરણનો મામલો પુન: ગરમાયો હતો. ધર્માંતરણને લઈને ફરિયાદ કરનારા શખસના ઘરે બે ઈસમોએ લાકડી-છરા સાથે પહોંચી તેમને જાનની મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેના પગલે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આમોદના કાંકરિયા ગામે 150 હિંદુઓનું ધર્માતરણ કરવામાં આવ્યું હતું. જે મામલે કોઠી ફળિયામાં રહેતાં પ્રવિણ વસંત વસાવાએ ધર્માંતરણના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન ગઇકાલે મંગળવારે સાંજે તેઓ પોતાના ઘરે હતાં તે વેળાં ગામના જ પ્રવિણ પ્રહલાદ ઠાકોર તેમજ કમલેશ કાલીદાસ વસાવાએ લાકડી તેમજ છરા લઇને તેના ઘરે પહોંચ્યા હતા. જ્યા તેઓએ જોર-જોરથી બુમો પાડી હતી અને તેને તથા તેના પરિવારને આજે પતાવી દેવાના છે તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાનમાં આસપાસના લોકોનું 25થી 30 જણાનું ટોળું એકત્ર થઈ ગયું હતું.

ત્યારે હૂમલાખોરોએ કહ્યુ કે, આમના લીધે આપણે બધા હેરાન થઈએ છીએ જેથી આજે આને પતાવી દેવાના છે. તેમ કહી ટોળાને પણ ઉશ્કેર્યુ હતું. જોકે, તેના ઘરે ફરજ પર હાજર જીઆરડી જવાનોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. જોકે, ધમકી આપવા આવેલા શખસો નાસી છુટ્યાં હતાં. આ બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!