The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા હોળી પર્વે પત્રકારો સાથે સ્નેહમિલન યોજાયું

ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી-ધુળેટી પર્વે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

સાંસદ મનસુખ વસાવા દ્વારા દર વર્ષની જેમ હોળી પર્વે પૂજન સામગ્રીનું વિતરણ કરાયું હતું. અને સૌકોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.ગુજરાતના આ વખતના બજેટને અન્ય રાજ્યોની વસ્તી અને વિસ્તારની સરખામણીએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સૌથી વિરાટ ગણાવ્યું હતું. બજેટમાં ભરૂચ જિલ્લાને મહત્વની રકમ તેમજ પ્રોજેક્ટોની ફાળવણી કરાઈ છે.  દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે રૂપિયા 46 કરોડની વધુ ફાળવણી કરાઈ છે. જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક, ભાડભૂત બેરેજ સહિતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટો માટે કરોડોની રકમ ફળવાઈ છે.સાથે જ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના નવીનીકરણ સાથે 800 બેઠકનું સંકુલ બનાવાશે તેમ ધારાસભ્યે અંતમાં ઉમેર્યું હતું.

વિકાસમાન ભરૂચ વિકસિત જિલ્લા તરફ આગળ વધી રહ્યો છે તેમ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહી સૌને હોળી – ધૂળેટો પર્વની શુભકામના પાઠવી હતી. પ્રજા અને પત્રકારોના સૂચનો આવકારી જિલ્લાના વિકાસમાં સહભાગી થવા હાંકલ કરી હતી.સાત ટર્મથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હોળી – ધુળેટીની શુભકામના પાઠવી. ભાજપ મૂલ્ય આધારિત પાર્ટી. રાષ્ટ્ર, સમાજના વિકાસમાં મીડિયા જગતની પણ અહમ ભૂમિકા. તમામને સાથે લઈ આપણે વિકાસની પરંપરાને આગળ વધાવવાની છે તેવી નેમ વ્યક્ત કરી હતી.

વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય મોત, ઘરમાંથી મળી આવ્યા મૃતદેહ

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહમળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડાદરાનો તેમના જ મકાનમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગતરોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજુગતુ લાગ્યું હતું આથી તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ વાલીયા પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોયું હતું તો પતિ અને પત્નીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.


મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. આ અંગેની જાણ થતાની સાથે જ ઝઘડિયા એ.એસ.પી. અજય કુમાર મીણા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે.પોલીસેબન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.મૃતક પતિ પત્નીના શરીર પર તીક્ષણ હથિયારના ઘા જોવા મળ્યા હતા ત્યારે શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર ભરૂચના આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતનમાં લવાયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વીઝા પર કેનેડામાં રહેતા હતા.બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.કેનેડાના બ્રેમ્પટનમાં માર્ગ અકસ્માતમાં ભરૂચના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વીઝા પર કેનેડામાં રહેતા હતા.બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.


ત્યારે આ અંગે પરિવારજનોએ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીને જાણ કરતા તેઓએ યુવાનના મૃતદેહને વતન લાવવા માટે ભરૂચ કલેકટરને રજુઆત કરી હતી ત્યારબાદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા 14 દિવસ બાદ યુવાનનું મૃતદહને પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પરિવારજનો યુવાનનો મૃતદેહ વતન લાવ્યા હતા જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.યુવાનની અંતિમયાત્રામાં ધારાસભ્ય ડી કે સ્વામી સહિતના આગેવાનો તેમજ આમોદના નગરજનો જોડાયા હતા. પરિવારજનોએ અશ્રુભીની આંખે પોતાના વ્હાલસોયાને વિદાય આપી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી બોલેરો પીકઅપમાં કોપરના કેબલ સાથે બે ની અટકાયત

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.જે માહિતીને આધારે એશિયન પેઇન્ટ્સ ચોકડી પર પોલીસે વોચ ગોઠવી અને શંકાસ્પદ બોલેરો પીકઅપ આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા તેની અંદરથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો.


પોલીસે ટેમ્પોમાં બેઠેલ દિપક ઈશ્વરજી ઠાકોર,વિશાલ રમેશભાઈ પટણી પાસે કોપરના જથ્થાનું બિલ સહિતના પુરાવા માંગતા તેઓ પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા. જેથી પોલીસે 2520 કિલો કોપર વાયર કપટથી મેળવ્યા હોવાની શંકાને આધારે બંને ઈસમોની ધરપકડ કરી 15 લાખ ઉપરાંતનો ભંગાર તેમજ બોલેરો પીકઅપ કિંમત રૂપિયા બે લાખ મળી કુલ 17 લાખ 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી છે.

શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025 યોજાયો

ભરૂચ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ નૃત્યકૃતિઓ સહિત સંગીતની સૂરાવલીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર-ભરૂચ દ્વારા આયોજીત 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ-2025નો ગત તા. 12 ફેબ્રુઆરીએ શુભારંભ કરવામાં આવ્યો હતો.


આ ઉત્સવની શરૂઆત ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત અન્ય મહાનુભાવોના વરદ્હસ્તે દિપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. કાર્યક્રમની પ્રથમ સંધ્યાએ ગુજરાતના વિવિધ કલાવૃંદો દ્વારા આદિવાસી લોકનૃત્ય, ગરબા, ભક્તિ સંગીત, થીમ ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

પ્રકૃતિ નિર્માણ અને વિનાશના સમન્વયથી નિરૂપિત ત્વિષા વ્યાસના ગૃપ દ્વારા શિવ તાંડવ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદેશની ધરતી સુઘી પ્રખ્યાત એવા સિદ્દી ધમાલ નૃત્ય, નવરંગ ગરબા ગૃપ દ્વારા પ્રાચીન ગરબો અને ભારતભરમાં અનેરી છાપ છોડનારું આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું રાધિકા આદિવાસી લોકનૃત્ય, કલા મંડળ-ચીંચલી દ્વારા પાવરી નૃત્યએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ગુજરાત સહિત ભરૂચની યશ કલગીમાં મોરપીંછ સમાન ટોલીવુડથી બોલિવુડ સુધી પોતાના સૂરોથી ખ્યાતી પ્રાપ્ત કરનાર પ્લે-બેક સિંગર હિમાલી વ્યાસ અને તેમના કલાવૃંદે લોકસંગીતની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની પ્રતીતિ કરાવી હતી. આ ઉત્સવમાં વિવિધ સખી મંડળ દ્વારા વેચાણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મેડીકલ ચેકઅપ કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે અધિક નિવાસી જિલ્લા કલેકટર એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, શુક્લતીર્થ ગામના સરપંચ સહિત વરિષ્ઠ અધિકારી તથા જિલ્લા અગ્રણીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક અકસ્માતમાં ભરૂચના ત્રાલસા કોઠીના ત્રણ યુવાનોના દર્દનાક મોત

દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના ત્રણ યુવાનોના દર્દનાક મોત નિપજ્યા છે. મૃતક યુવાનોની ઓળખ શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ, આ ત્રણેય યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. આજે સવારે તેઓ પોતાના કામ માટે વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ભયાનક જ્વાળાઓમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રોજગારી અર્થે જાય છે. આ ત્રણેય યુવાનો પણ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. આ અકસ્માતના સમાચાર ગામમાં પહોંચતા જ મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડવા સાથે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે.

દિલ્હી ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત,ભરૂચના કાર્યકરોએ ફટાકડા ફોડી મનાવ્યો વિજયોત્સવ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલા કારમા પરાજયના કારણે ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે, જે રીતે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને નકારી છે, તે જ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ AAPના ધારાસભ્યોને મતદારો નકારશે. દિલ્હીના પરિણામોએ સ્થાનિક નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે, અને આગામી ચૂંટણીઓ માટે પાર્ટીની રણનીતિને વેગ આપ્યો છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે માં નર્મદાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાયા

મહાસુદ સાતમને તારીખ 4 થી ફેબ્રુઆરીએ પાવન સલીલા માં નર્મદાજીના જન્મોત્સવ ની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના ઉપસ્થિત હોદેદારો તેમજ સભ્યોએ શ્રી નર્મદાષ્ટકમ ના ઉચ્ચારણ સાથે માં નર્મદાજી ની પ્રતિમાને ફુલહાર કરી અને પુષ્પો અર્પણ કર્યા હતા.


આ પ્રંસગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઇ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ સહિત સભ્યો સાથે
નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર વિશેષ ઉપપસ્થિત રહ્યા હતા.

દહેજમાં 2 અલગ અલગ સ્થળોએ ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગના બે મોટા રેકેટનો પર્દાફાશ

ભરૂચ એસઓજી પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ગેસ રીફિલિંગના બે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે અલગ-અલગ સ્થળેથી કુલ રૂ. 69,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રથમ કેસમાં, દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના જાગેશ્વર ગામમાં આવેલી ‘શ્રી દેવ સ્ટીલ સેન્ટર’માંથી લહેરૂ ગોરધભાઈ ગુજ્જર અને તેના સાગરીત શાંતિલાલ ઉર્ફે ગોવર્ધન ભુરાલાલ ગુજ્જરની ધરપકડ કરવામાં આવી. આ સ્થળેથી ઈન્ડિયન કંપનીની 19 કિલોની 7 બોટલો, 6 કિલોની 8 બોટલો, વિવિધ પ્રાઈવેટ કંપનીની 5 કિલોની 28 બોટલો, અંબે કંપનીની એક બોટલ સહિત રીફિલિંગ પાઈપ અને ઈલેક્ટ્રિક વજન કાંટો મળી કુલ રૂ. 49,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
બીજા કેસમાં, જોલવા ગામે મિલેનિયમ માર્કેટ પાસે આવેલી આરાધ્ય ગેસ સર્વિસમાંથી શશી જદુ કેવટની ધરપકડ કરવામાં આવી. અહીંથી ઈન્ડેન, ભારત અને રિલાયન્સ કંપનીની વિવિધ ક્ષમતાની ગેસ બોટલો, રીફિલિંગ પાઈપ અને ઈલેક્ટ્રોનિક વજન કાંટો મળી કુલ રૂ. 19,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. બંને કેસમાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી એસઓજી ટીમે એટીએસ ચાર્ટર મુજબ કરી હતી.

ભરૂચ ન.પા. દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરાતા વિરોધ, ચીફ ઓફિસરે ભાગવુ પડ્યું

ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ ઘેરાવો કરતાં ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સ્થળ છોડી ભાગવું પડ્યું હતું
ભરૂચ નગર સેવાસદન માટે ડમ્પિંગ સાઈટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે.થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક બૌડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.

ત્યારે સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ છોડી ભાગી જવું પડ્યું હતું.આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઈટ ખાતે લઈ જવામાં આવશે. રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે ત્યારે તેના પર ડમ્પીંગ સાઈટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી છે.

error: Content is protected !!