The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 242

અંકલેશ્વર : સિડ્સ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટમાં રૂપિયા 1.11 લાખથી વધુના મુદ્દામાલની થઈ ચોરી

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સિડ્સ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટમાં રૂપિયા ૧.૧૧ લાખથી વધુના પાઇપ,પ્લેટ સહિતની ચોરી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સિડ્સ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટને તસ્કરો નિશાન બનાવી એસ.એસના પાઇપ, પ્લેટ સહિતનો સામાન મળી કુલ રૂપિયા 1.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. મૂળ કેરળના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી વૈકુંઠ રેસિડેન્સીમાં રહેતા વિનોદ બાલક્રિષ્ના નાયર જીઆઈડીસીના પ્લોટ નંબર 5154 પર સિડ્સ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટ ચલાવે છે. જેમની કંપનીને ગત તારીખ 27મી ઓક્ટોબરના રોજ રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીની દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો અને કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી યુનિટના પતરાંના શેડ નીચે મૂકી એસ.એસ.ની પાઇપ નંગ-6, પ્લેટ નંગ-8 અને એમ.એસ.ની પ્લેટ નંગ-2 મળી કુલ રૂપિયા 1.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારનું વર્કઆઉટ દરમિયાન હાર્ટ-અટેકથી અવસાન

કન્નડ ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન આજે, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ કરતાં કરતાં પડી ગયો હતો.

આજે સવારે 11.30એ જ્યારે પુનિત રાજકુમારને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી જ નાજુક હતી. હોસ્પિટલની બહાર ચાહકોની ભીડ ઊમટી પડી છે. ચાહકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
પુનિત રાજકુમારની સારવાર કરનાર ડૉક્ટર રંગનાથ નાયકે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું, ‘પુનિત રાજકુમારને શુક્રવાર સવારે 11.30 વાગે છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી જ ખરાબ હતી.’
પુનીતના પિતા રાજ કુમાર સાઉથ ઇન્ડિયન સિનેમાના આઇકોન હતા. તેઓ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા સ્ટાર હતા, જેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરાવમાં આવ્યા હતા. જુલાઈ, 2000માં ચંદન ચોર વીરપ્પને રાજકુમારનું અપહરણ કર્યું હતું. ​

પુનિત રાજકુમાર લોકપ્રિય સુપરસ્ટાર રાજકુમારનો દીકરો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1985માં ફિલ્મ ‘બેટ્ટાડા હોવુ’થી કરી હતી. આ ફિલ્મ માટે પુનિતને ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો.

પોલીસ ગ્રેડ પે મુદ્દે કમિટી રચાઇ, પોલીસ પરિજનોનું આંદોલન મોકુફ

ગુજરાતભરમાં પોલીસ સંવર્ગના વિવિધ સ્તરના કર્મચારીઓને પગાર અને ભથ્થાંને સમાવતાં ગ્રેડ પેના મુદ્દે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આઇજીપી (વહીવટ) બ્રિજેશ ઝાના વડપણ હેઠળની કમિટી કર્મચારીઓના સંવર્ગ, પરિવારજનોની જે કોઇ પણ રજૂઆતો હશે એ સાંભળીને હાલની વિસંગતતાઓ સંદર્ભે અભ્યાસ કરી બે માસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર નિર્ણય કરશે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચોવીસ કલાક કાર્યરત રહેતા ડિસિપ્લિન્ડ ફોર્સ એવા પોલીસદળના હથિયારી, બિન હથિયારી, ફિલ્ડ અને પોલીસ સ્ટેશન, એસઆરપી જેવા સંવર્ગના વિવિધ કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં લાંબા સમયથી વિસંગતતાને લઇને અવારનવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ અલગ અલગ રીતે થતી રજૂઆતોનું પરિણામ આવતું ન હતું. બીજી તરફ લાંબા સમયથી અસહ્ય મોંઘવારી અને ભાવ વધારાને પગલે પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારની માગને સંતોષી શકતા ન હોવા પોતાની લાગણીઓને સોશીયલ મીડિયા મારફતે વહેતી મુકી હતી. આ લાગણીઓનો પડઘો પાડવા પોલીસ કર્મીઓના પરિવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ભેગા થઇ ગયા હતા. એમના સમર્થનમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરો, નગરોમાં પણ પરિવારના સભ્યો સાથે સાદા ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ પણ દેખાવોમાં જોડાતા મામલો વધારે પેચિદો બની ગયો હતો.

જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલા જ દિવસથી પોલીસ ગ્રેડ પેના મામલે સરકારનું વલણ હકારાત્મક છે એમ જાહેર કરવા સાથે આંદોલન કરતાં પરિવારના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસ પૂર્વે અને આજે પણ બેઠક યોજી હતી. સંઘવીએ સમગ્ર રજૂઆતને ગંભીરતાથી લઇ તેનો યોગ્ય ઉકેલ લાવી પોલીસ તંત્રમાં ગ્રેડ પેના મામલે પ્રવર્તતો અસંતોષ દૂર કરવા કમિટી રચવા સૂચના આપી હતી. આ સૂચનાને પગલે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે પોલીસ પરિવાર પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજ્યા પછી કમિટીની રચના જાહેર કરી હતી. આ સાથે હવે આંદોલન પણ પૂરું થયાનું દેખાવો કરતાં પરિવારજનોએ જાહેર કર્યું હતું.

હવે આંદોલનના કે પોલીસને ઉશ્કેરવાના મેસેજ કરનારનું આવી બનશે !
પોલીસ વડાએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, પોલીસ કર્મચારીઓ અને પરિવારજનોની માગણીઓને લઇ કમિટી બનાવવામાં આવી છે ત્યારે હવે એમના પ્રશ્નોને લઇ ચાલતા દેખાવો, ધરણાં આંદોલન પૂરું થાય છે. હવે કોઇ તત્વો દ્વારા આ મુદ્દાને લઇ પોલીસ કર્મચારીઓમાં અસંતોષ ફેલાવવા કે આંદોલન કરવાની કે પછી સોશિયલ મીડિયામાં વિરોધ કરવાની બાબત ધ્યાને આવશે તો તેવા લોકો સામે ‘ધી પોલીસ (એન્સાઇન્ટમેન્ટ ટુ ડિસઅફેક્શન) એક્ટ, ૧૯૯૨’ અને ‘ધી પોલીસ ફોર્સિસ (રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, ૧૯૬૬’ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. જો કોઇ પોલીસ કર્મચારી પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો એની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરાશે.

સરકારે દેશભરમાં કન્ટેઈનમેન્ટના પગલાં 30 નવેમ્બર સુધી લંબાવ્યા

કેન્દ્ર સરકારે ગુરુવારે દેશભરમાં કોવિડ-૧૯ કન્ટેનમેન્ટના પગલાં ૩૦ નવેમ્બર સુધી લંબાવ્યા છે. ઘણા રાજ્યોમાં હજુ કોરોના સંક્રમણનું પ્રમાણ નોંધપાત્ર છે અને વાઇરસ સમગ્ર દેશના જાહેર આરોગ્ય માટે મોટો પડકાર છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથેની વાતચીતમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા હાલના પ્રોટોકોલ્સ ૩૦ નવેમ્બર સુધી જારી રહેશે. તેમણે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે, “કોવિડ સામે સાવચેતીના પગલાંનું લોકો ચુસ્તપણે પાલન નહીં કરે એવી શક્યતા છે. ખાસ કરીને તહેવારોમાં આવું થવાની શક્યતા ઘણી વધુ છે. એટલે માર્ગરેખાનો અમલ જરૂરી છે. જેથી સાવચેતી અને સુરક્ષા સાથે તહેવારોની ઉજવણી કરી શકાય.”

ભલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, “દેશમાં કોવિડના દૈનિક કેસ અને દર્દીઓની કુલ સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પણ કેટલાક રાજ્યોમાં હજુ નોંધપાત્ર સંક્રમણ છે અને કોવિડ-૧૯ હજુ જાહેર આરોગ્ય માટે મોટો પડકાર છે.”ગૃહ સચિવે જણાવ્યું હતું કે, “રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ નિયમિત ધોરણે કેસ પોઝિટિવિટી દર, હોસ્પિટલ, દરેક જિલ્લામાં આઇસીયુ બેડની ઓક્યુપન્સી સહિતની બાબતો પર ચાંપતી નજર રાખવી જરૂરી છે.” તેમણે કહ્યું હતું કે, “પાંચ પગલાંની વ્યૂહરચના ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, વેક્સિનેશન અને કોવિડ સામે સાવચેતી માટે જરૂરી વર્તણૂક સતત ચાલુ રાખવી જરૂરી છે. આવું કરવાથી તહેવારો સુરક્ષિત રીતે પસાર કરી શકાશે અને કોવિડ-૧૯ના કેસમાં ઉછાળાની શક્યતા ટાળી શકાશે.” તેમણે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ વેક્સિનેશનની ઝડપ વધારવી જોઇએ અને બીજા ડોઝને પ્રાધાન્ય આપવું જોઇએ.”

બે મહિના પછી બોલીવૂડ અભિનેત્રીનું સોશિયલ મીડિયા પર કમબેક નવગુજરાત સમય 28-10-2021 05:10 PM

બિગબોસ થી ફેમસ થયેલી સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલની આ જોડી સિઝન 13મા વિનર રહી હતી. આ જોડી ધણા સમયથી ચર્ચામાં રહી હતી અને બન્ને સારા મિત્ર હતા. બીજી સપ્ટેમ્બરના રોજ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું આકસ્મિક નિધન થયો હતો. એકટર સિદ્ધાર્થના નિધનથી સમ્રગ ટેલીવૂડ જગતમાં શોકનો માહોલ છવાયો હતો.

એકટર સિદ્ધાર્થના નિઘનથી શહેનાઝ ગિલ પૂરે પૂરી તૂટી ગઈ હતી અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનુ નક્કી કર્યુ હતુ. હવે આ ઘટનાને બે મહિના પૂરા થવા આવ્યા છે. આ બે મહિના દરમિયાન તેણે એકપણ પોસ્ટ શેર કરી નહોતી હવે સોશિયલ મીડિયા પર તે પરત ફરી છે. સિદ્ધાર્થ માટે એક ખાસ પોસ્ટમાં લખ્યુ હતુ, ‘તુ યહી હે’ તેની સાથે બિગબોસનો ફેમસ ડાયલોગને કેપ્શનમાં લખ્યુ હતુ, ‘તુ મેરા હૈ….માલૂમ હૌ’ અને સાથે જ શહેનાઝે બિગબોસ હાઉસમાં માણેલી યાદગાર ક્ષણોના ફોટા શેર કર્યા હતા.

ભારત-પાકિસ્તાન ફાઇનલ માટે સકલીન મુસ્તાક આશાવાદી

ટી20 વર્લ્ડ કપમાં રમી રહેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કોચ અને ભૂતપૂર્વ ઓફ સ્પિનર સકલીન મુસ્તાક માને છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં રમે તે તેના માટે મહાન બાબત બની રહેશે. બંને ટીમ ફાઇનલમાં રમે તે અંગે સકલીન મુસ્તાક આશાવાદી છે. સકલીને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને વર્લ્ડ કપની પ્રારંભિક મેચમાં મિત્રતાનો સંદેશ પ્રસારિત કર્યો હતો. રવિવારે બંને કટ્ટર હરીફ વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનનો દસ વિકેટે વિજય થયો હતો. સકલીન મુસ્તાકે જણાવ્યું હતું કે એ દિવસે બંને ટીમ જે રીતે રમી અને પરિસ્થિતિનો સામનો કર્યો તેનાથી બંને પક્ષે માનવતાનો સંદેશ આપ્યો હતો.

તેઓ ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય તેમ ઇચ્છે છે તેવા પ્રશ્નનો ઉત્તર આપતાં સકલીન મુસ્તાકે જણાવ્યું હતું કે ભારતીય ટીમ ફાઇનલમાં પ્રવેશે તો તે મહાન બાબત હશે અને અમે તેમને હરાવ્યા છે તે માટે નહીં પરંતુ મારું માનવું છે કે ભારત અત્યારે સૌથી મજબૂત ટીમ છે અને લગભગ તમામ લોકો વિરાટ કોહલીની ટીમને ફેવરિટ માને છે. તેણે ઉમેર્યું હતું કે ભારત અને પાકિસ્તાન આવી રીતે બે મેચ રમશે તો સંબંધો વધુ મજબૂત બનશે. અગાઉ રવિવારે રમાયેલી મેચમાં વિરાટ કોહલી, ધોની અને અમારા કેટલાક ખેલાડીએ એકતાનું પ્રદર્શન કર્યું હતું તે માનવતા માટે એક મજબૂત સંદેશ હતો. અમે તમામ લોકો એકબીજાનો આદર કરીએ છીએ અને અમારા માટે આ એક રમત માત્ર છે.

રસી લેનારા લોકો પણ ફેલાવી શકે છે કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ: સ્ટડી

કોરોના વાયરસ અંગે એક વર્ષ સુધી ચાલેલા અભ્યાસ બાદ નવો ખુલાસો સામે આવ્યો છે
એજન્સી, દિલ્હી

કોરોના વાયરસ અંગે એક વર્ષ સુધી ચાલેલા અભ્યાસ બાદ નવો ખુલાસો સામે આવ્યો છે કે, જે લોકોને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે તેઓ પણ પોતાના ઘરોની અંદર તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત કરી શકે છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, બ્રિટનમાં 621 લોકો પર લગભગ એક વર્ષ સુધી ચાલેલા અભ્યાસ બાદ આ ખુલાસો સામે આવ્યો છે. ધ લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસિઝ મેડિકલ જર્નલમાં ગુરુવારે પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, અભ્યાસમાં કોવિડના હળવા લક્ષણો ધરાવતા 621 લોકોનો સામેલ કરાયા હતા. વૈજ્ઞાનિકોએ અભ્યાસ દરમિયાન જાણ્યું કે, રસી લેવા છતાં તેમનામાં સંક્રમણનું જોખમ ટોચ પર હતું. સાથે જ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે રસીકરણ લીધેલા 25% લોકોના સંપર્કમાં આવેલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે રસીકરણ વગરના લોકોના સંપર્કમાં આવેલા લગભગ 38% લોકો સંક્રમિત થયા છે.

અભ્યાસમાં જોવા મળ્યું કે, જેમણે રસી અપાવી હતી તેમનામાં સંક્રમણના હળવા લક્ષણો હતા, જ્યારે રસી ન લીધી હોય તેવા લોકોના સંપર્કમાં આવેલા સ્થિતિ વધુ ખરાબ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર રસીકરણથી જ ડેલ્ટા વેરિયન્ટ સંક્રમણથી બચી શકાય નહીં. જો કે, સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, રસી લીધા પછી સંક્રમણની અસર ઓછી થાય છે અને તે ખતરનાક સ્તરે પહોંચતી નથી.

વાગરા:ચોરીના ૧૩ મોબાઇલ અને એક બાઇક સાથે બે ઝડપાયા

હાલમાં દીવાળીનાં તહેવાર અનુસંધાને ગત તા.૨૭/૧૦/૨૦૨૧ ના રોજ વાગરા પોલીસ સ્ટાફના માણસો પખાજણ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. દરમ્યાન બાતમી મળેલ કે એક કાળા કલરનું હીરો હોન્ડા સ્પેન્ડર પ્લસ બાઇક નંબર UP-85-K-4018 સાથે બે ઇસમો ખોજબલ ગામે થી સડથલા રોડ તરફ આવે છે.
જેથી સડથલા ગામના વળાક પાસે પોલીસ સ્ટાફના માણસોએ વોચ માં રહી બાતમી વાળી બાઇક આવતા તેને રોકી બાઇક બાબતે ઇસમોની પુછપરછ કરતા કોઇ હકીકત જણાવતા ન હોય જેથી જુબેર યુસુફ પઠાણ ઉ.વ.૨૪ અને શાબીર શબ્બીર રાજ ઉ.વ.૨૨ બન્ને રહે,ખોજબલ ,વાટા ફળીયુ તા,વાગરા જી,ભરૂચની અંગ ઝડતી કરતા તેમની પાસેથી ૧૩ જેટલા શંકાસ્પદ મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસે આ બંન્નેવ આરોપીઓ સાથે બાઇક અને ૧૩ મોબાઇલ કબજે કર્યા હતા.
વાગરા પોલીસે ઝડપાયેલ આ બંન્નેવ આરોપીઓ જુબેર યુસુફ પઠાણ ઉ.વ.૨૪ અને શાબીર શબ્બીર રાજ ઉ.વ.૨૨ બન્ને રહે,ખોજબલ ,વાટા ફળીયુ તા,વાગરા જી,ભરૂચની વધુ પુછતાછ કરતા તેમણે આ બાઇક તેમજ ૧૩ મોબાઇલો દહેજ પોલીસ મથક વિસ્તારના વડદલા ગામેથી ચોરી કરેલ હોવાનું કબ્લ્યું હતું. જેથી પોલીસે ૧૩ મોબાઇલ અને બાઇક મળી કુલ રૂપિયા ૬૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021 થયો સમાપ્ત:યોજાયો સમાપન સમારોહ

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021નો ભવ્ય સમાપન સમારોહ 27મી ઓક્ટોબર, 2021 ના રોજ બપોરે 3:30 કલાકે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરિકે દુષ્યંતભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય-ભરૂચ અતિથિ વિશેષ તરીકે મારૂતિસિંહ અટોદરીયા – પ્રમુખ ભાજપ, ભરૂચ જીલ્લા અને બળદેવભાઈ પ્રજાપતિ – પ્રમુખ અખિલ ભારતીય કાર્ય સમિતિ લઘુ ઉદ્યોગ ભારતી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધર્મેશ મિસ્ત્રી, જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અને વિવિધ ઉદ્યોગો, DIA, દહેજ – SEZ સહિત ના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021 નું 25મી ઓક્ટોબર 2021 થી 27મી ઓક્ટોબર 2021 દરમિયાન દહેજ, ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઔદ્યોગિક એક્સ્પો દહેજ ઔદ્યોગિક વિસ્તાર મા આ પ્રકારનો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એકસપો હતો. દેશના વિવિધ ભાગોમાંથી લગભગ 450 સપ્લાયર્સ/વિક્રેતાઓએ આ એક્સ્પોમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિવિલ વિગેરે સેગમેન્ટ ના તેમના ઉત્પાદનો અને સાધનો નુ પ્રદર્શન કર્યુ હતુ. આ ઔદ્યોગિક એક્સ્પોને અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો અને દેશભરમાંથી 15,000 થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓએ આ એક્સ્પોની મુલાકાત લીધી હતી. આ એક્સ્પો દ્વારા વિવિધ સપ્લાયર્સ અને ખરીદદારો એક જ પ્લેટફોર્મ પર આવ્યા હતા અને તમામ હિતધારકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી. આ એક્સ્પોનું આયોજન દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને એડી’સ પેજ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર દહેજ વિસ્તાર મા ફેલાયેલા વિવિધ ઉદ્યોગોની લાંબા સમયથી પડતર માંગણી હતી કે બિઝનેસમાં સરળતા માટે અને તેમના ડિમાન્ડ-સપ્લાય ઑપરેશન્સના લાંબા ગાળાના સોલ્યુશન માટે સપ્લાયર્સ અને ઉદ્યોગો ને એક મંચ પર લાવવા માટે આવા એક્સ્પોનું આયોજન કરવામાં આવે. આ એક્સ્પોની ભવ્ય સફળતાથી દહેજ-ભરૂચ વિસ્તાર ના હાલના તેમજ આવનારા ઉદ્યોગોને લાભ મળશે. આ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન રઘુનંદન ભદોરિયા અને ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.
•જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, ન્યુઝ લાઇન.ડીજીટલ,ભરૂચ

ભરૂચ સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજ તથા નવા સ્મારક રાષ્ટ્રધ્વજનું કરાયું લોકાર્પણ

પશ્ચિમ રેલવ ના વડોદરા વિભાગના ભરૂચ રેલવે સ્ટેશન પર નવ વિસ્તરેલ ફુટ ઓવર બ્રિજ અને નવા સ્મારક રાષ્ટ્રધ્વજ નુ લોકાર્પણ ભરૂચના માનનીય સાંસદ મનસુખ વસાવા દ્વારા માનનીય ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા ડીઆરએમ અમિત ગુપ્તા અને ડીઆરયૂસીસી મેમ્બર જીતેન્દ્રસિંહ રાજપૂત સહિત અન્ય મહાનુભવો, નાગરીકો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ડો. જિનિયા ગુપ્તાએ જણાવ્યુ હતુ કે વડોદરાની બાજુ સ્થિત આ ફુટ ઓવર બ્રિજ પ્લેટફોર્મ એક, બે અને ત્રણ તથા ચાર અને પાંચને પશ્ચિમ વિસ્તારને રેમ્પની સુવિધા સાથે જોડે છે. જેને પરિભ્રમણ સાથે પૂર્વ વિસ્તાર સુધી લંબાવવામાં આવ્યો છે. જેના થી મુસાફરો સ્ટેશનના કોઇપણ પ્લેટફોર્મ પરથી સીધા જ પૂર્વ ઝોનના ફરતા વિસ્તારમાં પહોચી શકે છે.
આ ફુટ ઓવર બ્રિજ પર રેલવે દ્વારા ૧.૭૫ કરોડ રૂપિયાનો ખર્ચ થી વિસ્તારીકરણ કરવામાં આવ્યો છે. તે ૨૮.૬૦ મીટર લાબો અને ૩ મીટર પહોળો છે. માત્ર વરિષ્ઠ નાગરિકો જ નહી પરંતુ વિકલાંગ લોકોને પણ આ સુવિધાનો લાભ મળશે.
ભરૂચ સ્ટેશન ના પશ્ચિમ છેડે અને ફરતા વિસ્તારમાં સ્મારક ધ્વજ (મોન્યુમેન્ટ નેશનલ ફલેગ) સ્થાપિત કરવામાં આવ્યો છે. જે રેલવે સ્ટેશનની સુંદરતામાં વધારો કરશે તેમજ રેલવે મુસાફરોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણીને પ્રોત્સાહન આપશે.
હાલમાં, ભારતીય રેલવે સ્ટેશનો પર અત્યાર સુધીમાં ૧૦૦ સ્મારક રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં તેને વડોદરા વિભાગના ૧૧ સ્ટેશનો પર સ્થાપિત કરવાનું આયોજન છે. જેમાથી વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નડિયાદ, ગોધરા, કેવડિયા, ચાપાનેર રોડ, ડેરોલ, ભરૂચ, ડાકોર તથા અલીરાજપુરમાંથી આ આઠમો સ્મારક રાષ્ટ્રધ્વજ છે જે ભરૂચમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. તે ૧૦૦ ફુટની ઊંચાઇએ છે અને રાષ્ટ્રધ્વજ ૩૦ ફુટ લાંબો અને ૨૦ ફુટ પહોળો હશે. આના પર લગભગ રૂ।. ૧૦ લાખ ખાર્ચ આવ્યો છે.

error: Content is protected !!