ભરૂચ શહેરના ભીડભંજન હનુમાન મંદિરે ૪૮૪ વર્ષથી માગશર મહિનાના દર ગુરુવારે ભરાતા કોઠા પાપડીનો મેળો ગત વર્ષે કોરોનાના કારણે બંધ રહ્યાં બાદ આ વર્ષે પેહલા જ ગુરૂવારથી લોકો મેળામાં ઉમટી પડ્યા હતા.
કોમી એકતાના પ્રતિક સમા ભીડભંજન હનુમાનના મંદિર અને તેની સામે વલી સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહના પગલે મેળાનું મહત્વ અનેકગણુ વધી જાય છે.શહેરના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગશર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન બનેલા આ મેળામાં બન્નેવ ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવાઅને બાધા પુરી કરવા પણ આવે છે.
અહીં શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફુલ ચઢાવે છે. ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા. જે આજે પણ આ સ્થળે હાજરા હજૂર છે. મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે.મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે.
મેળામાં માત્ર કોઠા, પાપડી અને ફૂલની લારીઓ સહિત ખાણીપીણીની લારીઓ ઉભી રહે છે.આ કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે જેનુ કોઠુ તુટે તે પોતાનું કોઠુ બીજાને આપી દે છે.અહીં કોઠા આરોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડી ખાવાનું ચુકતા નથી.કહેવાય છે કે અહીં શ્રદ્ધાથી રખાયેલ બાધા અવશ્ય પૂર્ણ થાય છે.
ભીડભંજન હનુમાનના મંદિરની સામે સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે. જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં 1058 માં થયાનું દર્શાવાયું છે. કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે. શહેર અને જિલ્લાની હિંદુ-મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સંસ્કતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પુરુ પાડી રહ્યાં છે.