The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 204

જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ ખાતે ક્રિકેટ કોચિંગ એકેડમીનો શુભારંભ કરાયો

ભરૂચ રેલ્વે ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ કોચિંગ એકેડમીનો શુભારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ તથા પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મુનાફ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં કરાયો હતો.

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મુનાફ પટેલે ઉપસ્થિત ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે ક્રિકેટર બનવા માટે ડીસીપ્લીન અને શિક્ષિત હોવું ખૂબ જરૂરી છે. સારા ક્રિકેટર બનવા માટે મહેનત ખુબ જરૂરી હોવાનું ઉમેર્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમીને ઉપસ્થિત ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ક્રિકેટરને આગળ લાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને અમારો બસ એક જ લક્ષ્ય છે કે સારો ક્રિકેટર એ મારો અને મારો એ આપણા સૌનો છે. તેમણે ક્રિકેટરોને કોચિંગ એકેડમીના માધ્યમથી ક્રિકેટનું જ્ઞાન પ્રાપ્ત કરી જિલ્લાનું, રાજ્યનું અને દેશનું નામ રોશન થાય એવી ઉપસ્થિત ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

આ તબક્કે ભરૂચ પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે રેલવેને અધિકારી અને એસોસિએશનના મેમ્બર ખેલાડીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

SOU ખાતે લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં કરાયો ફેરફાર

•હવે પ્રવાસીઓ બંને માણી શકશે

•પ્રોજેક્શન મેપિંગ શો સાંજે – 6.45 કલાકે અને નર્મદા આરતી સાંજે 7.30 કલાકે યોજાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓશ્રીના માર્ગદર્શનમાં જ શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા વારાણસી ખાતેની ગંગા આરતીની માફક ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી છે.

નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતી, સ્તવન અને સ્ત્રોતોના મંત્રોચ્ચાર વચ્ચે સાત પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પધ્ધતિથી આરતી કરવામાં આવશે. જેમાં મહા આરતી, નાગ આરતી અને કપૂર આરતીની સમાવેશ થાય છે. મંત્રોચ્ચાર અને શંખધ્વનિ સાથેની આરતીમાં અલૌકિક ધાર્મિક આસ્થાનું વાતાવરણ સર્જાશે. ઘાટ ઉપર સુંદર મનોરમ્ય લાઈટિંગ પણ કરવામાં આવેલ છે.

હાલ બંને આકર્ષણોનો સમય એક હોવાથી પ્રવાસીઓને લાભ મળે તે હેતુસર sou પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તે મુજબ sou પ્રોજેક્શન મેપિંગ શો જે હાલમાં સાંજે 7.00 કલાકે યોજાય છે તેના બદલે સાંજે 6.45 કલાકે યોજવામાં આવશે.નર્મદા મહાઆરતી જેનો હાલનો સાંજે 7.00 કલાકે રાખવામાં આવેલ છે તેના બદલે સાંજે 7.30 કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેથી લેસર શૉ જોયા પછી પ્રવાસીઓ મહા આરતી માં પણ ભાગ લઈ શકશે.

લેસર શો સાંજે 7.15 કલાકે પૂર્ણ થશે અને તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી તેમજ હેલિપેડ ગ્રાઉન્ડ( જંગલ સફારીની સામે ) નર્મદા ઘાટ સુધી જવા બસ સેવા ઉપલબ્ધ થશે.તેમજ મહાઆરતી પૂર્ણ થયેથી વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા ગોરાથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવેલ છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે.

અંકલેશ્વર: આભૂષણ જવેલર્સમાં બાકોરૂં પાડી ૮૭ લાખની ઝવેરાતની થઈ ચોરી

અંકલેશ્વરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા હેમંત સોનીની જી.આઇ.ડી.સી.ના સરદાર પાર્ક-2 શોપિંગ સેન્ટરમાં બીજા માળે આભૂષણ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. જે જ્વેલર્સની દુકાન ને મધરાતે તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો એ જ્વેલર્સની દુકાન પાછળ આવેલા બુટ-ચપ્પલના ગોડાઉનમાં શટર તોડી ગોડાઉન માં પ્રવેશ્યા હતા અને અંદરથી ગેસ કતર વડે બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો જ્વેલર્સની શોપમાં રહેલા સીસીટીવી કેમેરાના કેબલ પણ કાપી નાખી તસ્કરો ચોરી કરી ગયા હતા.

અંકલેશ્વરમાં આભૂષણ જવેલર્સમાં સદીની સૌથી મોટી પોણા કરોડ ઉપરાંતની સોના-ચાંદીના આભૂષણોની તસ્કરીની વારદાત સામે આવતા ઔદ્યોગિક ગઢમાં ખલબલી મચી ગઇ છે.
મૂળ રાજસ્થાનના અને અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા હેમંત જગદીશભાઈ સોનીની સરદાર પાર્ક-2 માં આભૂષણ જવેલર્સની દુકાન આવેલી છે. જવેલર્સના શો રૂમની પાછળ આવેલા પરમ ફૂટવેરના ગોડાઉનનું શટર તોડી તસ્કરો ત્રાટકયા હતા. રેકી અને પ્રિ પ્લાન આવેલા તસ્કરોએ શો-રૂમ તેમજ ગોડાઉનની વચ્ચેની દીવાલમાં બાંકોરું પાડી સદીની સૌથી મોટી સોના-ચાંદીની ચોરીને અંજામ આપ્યો હતો.

તસ્કરો જવેલર્સની શોપમાંથી દોઢ કિલો સોનાના આભૂષણો, 19 કિલો ચાંદીના દાગીના, ₹5.55 લાખના રિયલ ડાયમંડના સેટ સહિત કુલ ₹87.30 લાખની ચોરી કરી જતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ. અને સીસીટીવીની મદદથી આ પોણા કરોડ ઉપરાંતની ગોલ્ડ-સિલ્વરની ચોરીમાં ૪૬ નંગ સોનાની વીંટી,55 જોડી પેન્ડલ બુટ્ટી,૧૧૭ જોડી કાનની બાલી,૧૨૯ પેન્ડલ,૮૩ જોડી ટોપ્સ બુટ્ટી,સોનાનો એક સેટ,૨ સોનાની ચેઇન,૨૯ નાકની જડ,૧૨ જોડી ચિપો,૪૫ જોડી રિયલ ડાયમન્ડ બુટ્ટી પેન્ડલ,૧૯ રિયલ ડાયમંડ પેન્ડટ,૧૩ રિયલ ડાયમંડ,૨૧ પેન્ડટ બુટ્ટી,૫ ડોકિયા ચોરી કરનાર આરોપીઓ સુધી પોહચવા ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

વાલિયા: વટારીયા ખાતે કોંગ્રેસ કાર્યકરોની બેઠકમાં પોલીસ ધસી આવતા સર્જાયો વિવાદ

વાલિયાના વટારીયા ગામે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી માનસિંગ ડોડીયાના ફાર્મહાઉસ ઉપર સંગઠનની બેઠક રાખવામાં આવી હતી. જેમાં ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ હાજરી આપી હોવાની પોલીસને માહિતી મળી હતી.

ગણેશ સુગરના ઉચાપત કૌભાંડમાં સંદીપ માંગરોલાને જિલ્લામાંથી તડીપાર રહેવાના શરતી જમીન મળ્યા હતા. આવા સમયે તેઓની એન્ટ્રીની વિગત મળતા ખાનગી બે ગાડીમાં વાલિયા પોલીસ ફાર્મ હાઉસ ઉપર ત્રાટકી હતી. ફાર્મ હાઉસ અને તેના દરેક રૂમમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે સંદીપ માંગરોલા મળી આવ્યા ન હતા.

વાલિયાના વટારીયા ગામે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીના ફાર્મહાઉસ ઉપર જિલ્લામાંથી તડીપાર કરાયેલા સંદીપ માંગરોલાની હાજરીને લઇ પોલીસે સર્ચ કરતા કોંગી આગેવાનો પોલીસ સામે રસ્તા ઉપર ધરણાં ઉપર બેસી ગયા હતા.

બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, માનસિંગ ડોડીયા, વાલિયા પ્રમુખ ફતેસિંહ, જહાંગીર પઠાણ, રફીક ઝઘડિયાવાલાએ પોલીસની આ વર્તણૂકને પ્રજાની રક્ષક નહિ પણ પક્ષક ગણાવી હતી.પોલીસની આવી કામગીરીના વિરોધમાં જિલ્લા પ્રમુખ સહિત કોંગી આગેવાનો પોલીસ ગાડીની આગળ જ રસ્તા ઉપર ધરણાં ઉપર બેસી જઈ પોલીસ રાજકીય ઈશારે કામગીરી કરી રહી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

ભરૂચ : ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે નિશુલ્ક બ્લડપ્રેશર અને ડાયાબિટીસનો ચેકઅપ કેમ્પ યોજાયો

• અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ભાજપ મેડિકલ સેલે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ

ભારત રત્ન સ્વર્ગીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચમાં ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે ભાજપ મેડિકલ સેલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં નિશુલ્ક બ્લડપ્રેશર અને ડાયાબિટીસનો ચેકઅપ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો વિસ્તારના લોકોએ લાભ લીધો હતો.

નોંધનીય છે કે ભાજપા મેડિકલ સેલ અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા ડીવાયએસપી કચેરી પાસે નિશુલ્ક બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જે કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પમાં ડો. ગૌરાંગ પટેલ, ડો. સંદીપ વાંસદીયા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની આ રીતે જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભરૂચ જીલ્લા ભાજપ તથા મહિલા પાંખ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તથા જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારો તથા મહિલા સંગઠનના સભ્યોની ઉપસ્થિતિમાં સ્વ. વાજપેયીજીની તસ્વીર સમક્ષ ફૂલહાર અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ભરૂચ:પુષ્પાબાગ એકલીંગજી હોલ ખાતે સુંદરકાંડ પાઠ યોજાયો

ભરૂચ બળેલી ખો સ્થીત પુષ્પાબાગ ની બાજુમાં આવેલ એકલીંગજી મહાદેવ મંદિર હોલ ખાતે જાહેર જનતા માટે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં એકલીંગજી મહાદેવ ના ટ્રસ્ટી પંકજભાઇ પંડ્યા અને પ્રણવ ખરાદી ના પ્રયોજન થકી અને સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કણિયાદરા ગામના કમલેશભાઇ દરજી અને તેમના વૃંદના મધુર કંઠે ૧૪૧૩માં સુંદરકાંડનું રસપાન કરાવાયું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

શ્રીરામચરિત માનસ ભગવાન શ્રીરામના ગુણો અને તેમના પુરુષાર્થને દર્શાવે છે, પરંતુ સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે થોડો અલગ છે. આ શ્રીરામના પરમભક્ત હનુમાનજીના વિજયનો અધ્યાય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો તે આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિને વધારનારો કાંડ છે. સુંદરકાંડના પાઠથી વ્યક્તિની માનસિક શક્તિ વધે છે. કોઈપણ કામને પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે.

હનુમાનજી એક વાનર હતા, તેઓ સમુદ્રને ઓળંગીને લંકા પહોંચી ગયા અને જ્યાં માતા સીતાની શોધ કરી, લંકાને બાળી અને સીતાનો સંદેશો લઈને શ્રીરામની પાસે પાછા આવ્યા. એક ભક્તની જીતનો અધ્યાય છે સુંદરકાંડ. જે પોતાની ઈચ્છાશક્તિના બળે જ આટલો મોટો ચમત્કાર કરી શકે છે. સુંદરકાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્ર પણ આપવામાં આવેલા છે. એટલા માટે આખા રામાયણમાં સુંદરકાંડને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિના આત્મવિશ્વાસને વધારે છે. તેના પાઠથી નકારાત્મક વિચારો સમાપ્ત થાય છે અને હકારાત્મકતા વધે છે. તેને લીધે સુંદરકાંડનું વિશેષ પઠન કરવામાં આવે છે.

સુંદરકાંડના પાઠથી ધાર્મિક લાભ મળે છે સાથે હનુમાનજીની પૂજા બધી મનોકામનાને પૂર્ણ કરનારી માનવામાં આવે છે. બજરંગ બલી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થતા દેવતા છે. શાસ્ત્રોમાં તેમની કૃપા પ્રાપ્ત કરવાના અનેક ઉપાયો બતાવ્યા છે, આ ઉપાયોમાંથી એક ઉપાય સુંદરકાંડનો પાઠ કરવાનું છે. સુંદરકાંડના પાઠથી હનુમાનજીની સાથે જ શ્રીરામની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

કોઈપણ પ્રકારની પરેશાની હોય, સુંદરકાંડના પાઠથી દૂર થઈ શકે છે. આ એક શ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપાય છે. તેને લીધે જ ઘણા લોકો સુંદરકાંડનો પાઠ નિયમિત રીતે કરે છે અને ઘણા લોકો જાહેરમાં અનેક લોકો ભાગ લઈ શકે એ રીતે જાહેર સુંદરકાંડના પાઠનું આયોજન કરે છે.

બળાત્કારના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા ફરમાવતી ભરૂચ પોકસો કોર્ટ

કેસની ટૂંકમાં વિગત એવી છે કે વર્ષ ૨૦૧૮માં ભોગબાનનાર ઉમ્મર વર્ષ ૧૬, ૦૨ માસની બપોરના સમયે પોતાના ગામ શાહપુરાના તળાવ પાસે આવેલ ખેતરમાં ચારો કાપવા ગયેલ ત્યારે નાંદ ગામના રહીશો નામે સતિશ શના વસાવા, રાહુલ રણજીત વસાવા તથા શિવમ ઉર્ફે શિવા બુધા વસાવાનાઓએ તેની ની એકલતા નો લાભ લઈ તેની સાથે બળાત્કાર ગુજારેલ અને ધમકી આપેલ કે જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું. જેથી તેણીએ આ બનાવ સંબંધે કોઈને ઘરમાં જાણ કરેલ નહીં અને તેણીને ગર્ભ રહી જતાં બનાવના સાતેક મહિના બાદ તેણીની માતાને ખબર પડતાં માતાએ પૂછતાં આખી ઘટના તેણીએ જણાવેલ.

આ બાબતે ભોગબાનનારના પિતાએ ત્યારબાદ તારીખ ૧૪/૧૧/૨૦૧૮ના રોજ નબીપુર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવેલ જેની તપાસ દરમ્યાન ભોગ્બનનારે બાળકને જન્મ આપેલ. જેથી પોલીસે ભોગબાનનાર, તેણીના બાળક તેમજ આરોપીઓના લોહીના ડી.એન.એ. ટેસ્ટ કરાવડાવેલ જેમાં આરોપીઓ પૈકી આરોપી શિવમ ઉર્ફે શિવા બુધા વસાવાના ડી.એન.એ. મેચ થયા અંગેનો રિપોર્ટ મળેલ. તપાસ પૂર્ણ થઈ આરોપીઓ પૈકી આરોપી સતીશ શના વસાવાની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તેની અલગ ચાર્જશીટ કરેલ અને અન્ય બે આરોપીઓ રાહુલ અને શિવમ વિરૂદ્ધ પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાં કેસ ચાલવા પર આવતા સરકાર તર્ફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અને વધારાના પબ્લિક પ્રોસિક્યુટર આર. જે. દેસાઇએ હાજર થઈ કેસ ચલાવેલ.

જે કેસમાં ગઈ તારીખ ૨૨/૧૨/૨૦૨૧ના રોજ પોકસો અદાલતના જજ એમ. એસ. સોનીએ આરોપી રાહુલ ને શંકાનો લાભ આપી છોડી મુકેલ અને આરોપી શિવમ ઉર્ફે શિવા બુધા વસાવાને તકસીરવાર ઠેરવતો ચુકાદો જાહેર કર્યો છે અને આરોપી શિવમ ઉર્ફે શિવાને ભારતીય દંડ સંહિતા ની કલમ ૩૭૬ અન્વયે ૭ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૫,૦૦૦/- દંડ અને દંડ ન ભારે તો વધુ ૬ માસની કેદ તેમજ પોકસોના કાયદાની કલમ ૬ અન્વયે ૧૦ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૧૦,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદ તેમજ તે જ કાયદાની કલમ ૧૨ અન્વયે ૧ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૧૦૦૦/- દંડ અને દંડ ન ભારે તો વધુ ૧૫ દિવસની કેદની સજા ફરમાવી છે, તેમજ બધી સજા એક સાથે ફરમાવવા હુકમ કર્યો છે. જેથી મહત્તમ સજા ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.

સરપંચના ઉમેદવારોના મતોના રિકાઉંટિંગ માટે ગ્રામજનોની માંગ : ભરૂચ કલેકટરમાં ફરિયાદ

તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રહાડપોર ગ્રામપંચાયતની મત ગણતરીમાં રિકાઉંટિંગની માંગણી રદ કરાતા વિવાદ ઉભો થયા બાદ ગ્રામજનોએ આજ રોજ ગ્રામજનોએ સરપંચના મતોના રિકાઉંટિંગ માટેની માંગ સાથે કલેક્ટરમાં ફરિયાદ કરતા ચૂંટણીનો મુદ્દો વધુ ગરમાયો છે. જે તોફાની બને તેવા એંધાણ પણ ઉભા થયા છે.

રહાડપોરના ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આપેલ ફરિયાદ મુજબ મત ગણતરી દરમ્યાન ચૂંટણી અધિકારીએ સરપંચના ઉમેદવાર મુમતાજબેનને ૬૦ મતોથી વિજેતા જાહેર કર્યા હતા. જોકે ૧૦ મિનિટ બાદ ચૂંટણી અધિકારી મુમતાઝબેનના સ્થાને મુનિરાબેનને ૪૦ મતોથી વિજેતા જાહેર કર્યા હતા. જેના પગલે વિવાદ છેડાયો હતો. મુમતાજ બેન સહિત હારેલા ત્રણ ઉમેદવારોએ રિકાઉંટિંગની માંગણી કરી હતી. જોકે ચૂંટણી અધિકારીએ માંગણી ફગાવી દઈ હારેલા ઉમેદવારોને પોલીસ પાસે ધક્કા મારી બહાર નીકળી જવા મજબુર કર્યા હતા.

જેના કારણે સરપંચના હારેલા ઉમેદવારો સહિત ગ્રામજનોમાં રોષ ઉભો થયો હતો. જેમાં શુક્રવારના રોજ ગરમાયેલા ગ્રામજનોએ જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી સરપંચના ઉમેદવારોના મતોનું રિકાઉંટિંગ કરવાની માંગ ઉઠાવી છે. સાથે પંચાયતના છેલ્લા પાંચ વર્ષોના હિસાબોની તપાસ કરવાની પણ માંગ ઉઠાવી છે. જો રિકાઉંટિંગ ન મળે તો ગ્રામજનો સરપંચ હોદ્દો ગ્રહણ કરે તે દરમ્યાન પ્રચંડ વિરોધ નોંધાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ભરૂચ : એચ.આઇ.વી સાથે જીવતા વિદ્યાર્થીઓને એજ્યુકેશન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો

ભરૂચના રોટરી ક્લબ ખાતે રિલાયન્સ કંપની દહેજ ના સહયોગ થી એજ્યુકેશન કીટ વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં 60 એચ. આઈ. વી પોઝીટીવ બાળકો ને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવ્યું. સૌ પ્રથમ પ્રોગ્રામની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. દીપ પ્રાગટ્ય બાદ બી.ડી.એન.પી+ ના ઉપપ્રમુખ નીમીષાબેન પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. એચઆઇવીની બીમારીથી પીડિત જે લોકો મૃત્યુ પામ્યા તેમના માટે ૨ મિનિટનું મૌન પાળવામાં આવ્યું.

આવનાર મહેમાનો દ્વારા બાળકોને અભ્યાસ પ્રત્યે રુચિ અનુસાર સંબોધવામાં આવ્યા. રિલાયન્સ કંપની દહેજ ના સહયોગ એજ્યુકેશન કીટ માં સ્કૂલ બેગ, નોટ બુક, ચોપડા, કંપાસ, ટીફીન બોક્સ, કલર બોક્સ, પાણી ની બોટલ,પેન બોક્સ,પેન્સિલ બોક્સ 60 પી.એલ.એચ.આઈ.વી. બાળકોને આપવામાં આવી હતી. પ્રોગ્રામના અંતે અલ્પાહાર કરાવી પ્રોગ્રામની સમાપ્તિ કરાઇ હતી.

કાર્યક્રમમાં મેહમાન તરીકે નોડલ ઓફિસર ર્ડો ઉપાધ્યાય, ટીબી વિભાગના ર્ડો વાય એમ માસ્ટર, રોટરી ક્લબ પ્રમુખ ર્ડો વિક્રમ, રોટરી ક્લબ સેક્રેટરી રચનાબેન, રોટરી ક્લબ સભ્ય ર્ડો પલક કાપડિયા,ર્ડો મુનાફ ભટ્ટી, જીગનીશાબેન,રશ્મિબેન, રિલાયન્સ કંપની દહેજના હેમરાજભાઈ,અનીશભાઈ, એ.આર.ટી. સેન્ટરના ડૉ શ્રેયાબેને ઉપસ્થીત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા અંકલેશ્વર-ભરૂચ રેલ્વે વિભાગનું વાર્ષિક નિરીક્ષણ કરાયું

વડોદરા વિભાગના રેલવે સ્ટેશનોનું વાર્ષિક નિરીક્ષણ પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે અંકલેશ્વર, ભરૂચ સ્ટેશન પર પેસેન્જર સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર કંસલે અકલેશ્વર ખાતે વળાંક અને ભરૂચ ખાતે નેરોગજ કમાન બ્રિજ નંબર 500 A નું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અંકલેશ્વર ખાતે બનાવવામાં આવેલ ઓપન એર જીમ અને ગાર્ડન લાઈટિંગ અને હાઈ વોલ્યુમલો સ્પીડ (HVLS) પંખાનું પણ ઇ-ઉદ્ઘાટન કર્યું હતું. અને સ્ટેશન બિલ્ડીંગમાં સ્થાપિત કરેલ લાઈટિંગ ઇ-ઉદ્ઘાટન કર્યું હતું છે.

જનરલ મેનેજર કંસલે ભરૂચ સ્ટેશન પર વિવિધ વિભાગો દ્વારા મુકવામાં આવેલ પ્રદર્શનને રસપ્રદ રીતે નિહાળ્યું અને સોલાર વોટર કુલર, ડીજી સેટ, નેરોગજ બાજુએ બી.જી. કોલોની ખાતે રિનોવેટેડ ચિલ્ડ્રન પાર્ક, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મિયાવાકી ફોરેસ્ટ રિનોવેટેડ રેલ્વે ઇન્સ્ટિટ્યુટ અને વોલીબોલ ગ્રાઉન્ડ, ઇન સિટુ રિપ્લેસમેન્ટ અને એનર્જી કન્ઝમ્પશન એન્ડ રિજનરેશનના વિશ્લેષણ માટે કાર્યક્રમ, TRO ઇ-બુકના વિકાસનું પણ ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કંસલે ભરૂચમાં રેલ્વે કોલોની અને સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું અને કોલોનીના રહેવાસીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી. નિરીક્ષણ દરમિયાન, કંસલે જન પ્રતિનિધિઓ, મહાનુભાવો, પ્રાદેશિક સલાહકાર સમિતિ અને મંડળ સલાહકાર સમિતિના સભ્યો, માન્ય ટ્રેડ યુનિયનો અને સંગઠનોના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી પણ બે કલાક ઉપરાંત રાહ જોવડાવ્યા બાદ પ્રેસ અને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

આ નિરીક્ષણ દરમિયાન, જનરલ મેનેજર કંસલ સાથે, વિવિધ વિભાગોના મુખ્ય વડાઓ અને વડોદરા વિભાગના ડીઆરએમ અમિત ગુપ્તા, વરિષ્ઠ શાખા અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!