ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવા મામલે રાજ્યમાં અત્યારે વિરોધ ચાલી રહ્યો છે. જેનાં સંદર્ભે પેપર લીકેજ કૌભાંડ પ્રકરણના વિરોધમાં ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના ધરણા પ્રદર્શન અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્ર્સિંહ રાજ સહીતના આગેવાનો કાર્યકરોએ પેપર લીક પ્રકરણનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
આપના જણાવ્યા અનુસાર ફાર્મ હાઉસમાં સાબરકાંઠાના ૧૬ ઉમેદવારોની પાસેથી વ્યક્તિ દીઠ ૧૨ લાખ રૂપિયા લઇ રાત્રે નવ વાગ્યે પેપર હાથમાં આપ્યાં હતાં. તે સાથે કેટલાંક સોલ્યુશનના પુસ્તકો આપી તેમાંથી જવાબ પણ શોધી લેવાયાં હતાં. પરંતુ ૨૦૦ માંથી અમુક પ્રશ્નોના જવાબ ન મળતાં કેટલાંક ભરતી પરીક્ષાના ટ્રેઇનરોને બોલાવીને તેમના થકી બાકીના પ્રશ્નો સોલ્વ કરાયાં હતાં.પેપર લીક કાંડ બાદ ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની પણ આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી.
ભરૂચ ખાતે આવેદન આપ્યા બાદ કલેકટરાલય બહાર આમ આદમી પાર્ટીએ આ મામલે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને અસિત વોરાને હટાવવાની માંગ કરી હતી. બાદમાં એ ડિવિઝન પોલીસે તમામને અટકાયતમાં લીધા હતા.