The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 167

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ નાં પ્રમુખ તરીકે યોગેશભાઈ ભલાણીની પસંદગી

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે યોગેશભાઈ ભલાણી ની પસંદગી કરવામાં આવી છે તેમજ ડેડીયાપાડા લેબર ઓફિસર તરીકે રાજેશભાઈ વસાવા ની પસંદગી કરવામાં આવી છે જેમને આજ રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લાના ચેરમેન સર્જન વસાવા તથા ભરૂચ જિલ્લા પ્રેસિડેન્ટ સુનિલભાઈ પ્રસાદ દ્વારા આઈ કાર્ડ, પ્રમાણપત્ર તેમજ ઓથોરિટી લેટર આપી નિયુક્તિ કરવામાં આવી હતી.

જે સાથે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ નર્મદા જિલ્લા બોર્ડના મીડિયા ઇન્ચાર્જ મનીષભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

  1. સર્જનભાઇ એસ.વસાવા (નર્મદા જિલ્લા ચેરમેન)
  2. જયદીપભાઇ વસાવા (નર્મદા જિલ્લા વાઇસ ચેરમેન)
  3. યોગેશભાઈ ભલાણી (નર્મદા જિલ્લા પ્રમુખ)
  4. મનોજભાઈ તંબોલી (નર્મદા જિલ્લા એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ)
  5. તાહિર મેમાણ (નર્મદા જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ)
  6. મનીષભાઈ પટેલ (નર્મદા જિલ્લા મીડિયા ઇન્ચાર્જ)
  7. ડૉ.પૉલ રજવાડી (નર્મદા જિલ્લા હેલ્થ ઓફિસર)
  8. મીકિતાબેન વસાવા (નર્મદા જિલ્લા મહિલા પ્રમુખ)
  9. ઇશ્વરભાઇ વસાવા (કોર્પોરેટ ડિપાર્ટમેન્ટ ચેરમેન)
  10. જયદીપભાઈ પટેલ (પ્રાયોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન)
  11. જગદીશભાઈ વસાવા (ડેડીયાપાડા તાલુકા પ્રમુખ)
  12. મનહરભાઈ વસાવા (ડેડીયાપાડા તાલુકા એક્ઝિક્યુટીવ પ્રેસિડેન્ટ)
  13. રાજેશભાઈ વસાવા (ડેડીયાપાડા તાલુકા લેબર ઓફિસર)
  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચ : બુલેટ ટ્રેનની સાઇટ પરથી થયેલી સામાન ચોરીના મામલે વધુ એક ઝડપાયો

ભરૂચ તાલુકાના મનુબર ગામથી કંથારીયા ગામ જવાના માર્ગ ઉપર અમદાવાદથી મુંબઈ સુધીના ચાલતા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ પરથી સ્પ્લેન્ડર જેક અને ટી.એમ.ટી સળિયા સહિતના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી એલસીબી પોલીસને તપાસ સોપવામાં આવી હતી. જેમાં અગાઉ બે શખ્સ ઝડપાયા બાદ વધુ એકની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તપાસ દરમિયાન એલસીબી પોલીસે અગાઉ કાર સાથે બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. જેના બાદ પોલીસે ભરૂચના શેરપુરા બસ સ્ટેન્ડ સામે આવેલ ચિસ્તીયા ટાઉનશિપમાંથી સઅદ ઉર્ફે સાદ લૂકમાન પટેલને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે એક મોબાઈલ ફોન મળી રૂ. 2 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ભરૂચ: ફાટાતળાવથી કતોપોર બજારને જોડતો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

  • વ્યવસ્થિત કામગીરીની ખાતરી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની સ્થાનિક નગર સેવકની ચીમકી

ભરૂચના ફાટાતળાવથી કતોપોર બજારને જોડતો માર્ગ બિસ્માર બનતાં સ્થાનિક વેપારીઓ સહિત નગર સેવક દ્વારા ફાંટા તળાવ જવાના રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો.

છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના વોર્ડ નંબર-10માં આવેલ ફાંટા તળાવથી કતોપોર બજારને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. જેને પગલે સ્થાનિક વેપારીઓ અને નગર સેવકો દ્વારા અનેકવાર વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા વિશ્વાસુ કામગીરી કરવામાં નહિ આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉપરાંત વર્ષ 2018-19માં મંજૂર થયેલા વિકાસના કાર્ય હજી સુધી પૂરા કરવામાં આવ્યા નથી.

આ અંગે પણ વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે આજે ગુરૂવારના રોજ વીફરેલા સ્થાનિક વેપારીઓ અને એઆઇએમઆઇના સ્થાનિક નગર સેવકે ફાંટા તળાવ જવાના રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે માર્ગની વ્યવસ્થિત કામગીરી કરવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા સાથે ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ભરૂચ : ટોલટેક્ષ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રાવેલ્સ બસ સાથે ૩ ઝડપાયા

  • રૂ. 35 હજારનો દારૂ અને ગાડી મળી કુલ રૂ. 10.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

અંકલેશ્વર શહેર પોલીસે નેશનલ હાઇવે ઉપર નર્મદા બ્રિજ ટોલટેક્ષ પાસેથી મહારાષ્ટ્રથી રાજસ્થાન લઈ જવાતા વિદેશી દારૂ ભરેલી ટ્રાવેલ્સ બસ સાથે ચાલક, ક્લિનર અને માલિકને રૂપિયા 10.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

મહારાષ્ટ્રના પૂનાથી રાજસ્થાન જતી ટ્રાવેલ્સ બસ નંબર-આર.જે.19.પી.બી.4123માં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી સુરત,અંકલેશ્વર અને અમદાવાદ થઈ રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે નેશનલ હાઇવે ઉપર નર્મદા બ્રિજ ટોલટેક્ષ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી ટ્રાવેલ્સની બસ આવતા પોલીસે તેને અટકાવી પાછળની ડેકીમાં તપાસ કરતાં વિદેશી દારૂની 184 નંગ બોટલ મળી આવી હતી.

પોલીસે રૂ. 35 હજારનો દારૂ અને ત્રણ મોબાઈલ ફોન અને ગાડી મળી રૂ. 10.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ રાજસ્થાનના પાલી જિલ્લાના ખાખરો ગામમાં રહેતો ટ્રાવેલ્સ ચાલક તેજસિંગ ઉર્ફે તેજપાલ નેતસિંગ રાવત, ભેરુ ઉર્ફે ભેરો ગેપરરામ દેવાશી અને ગાડીના માલિક મૂલચંદ રામાકિશન મહેશ્વરીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાંસદ મનસુખ વસાવાના વર્તનની વિરુદ્ધમાં મામલતદાર-મહેસુલી કર્મીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

  • ભરૂચ અને અંકલેશ્વર, વાલિયા ખાતે પણ કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી
  • મહેસુલી કર્મચારીઓનું શુક્રવારે માસ સી.એલ. પર ઉતરવાનું એલાન

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વર્તનના વિરોધમાં રાજ્ય સાથે ભરૂચ જીલ્લાની વિવિધ મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. સાંસદે ઝનોરના 3 લોકોના અકસ્માતમાં મોત થયા બાદ બીજા દિવસે ઘટના સ્થળે મામલતદાર, સર્કલ ઓફિસરને અપશબ્દો બોલવાનો વિવાદ હવે ઘેરો બની રહ્યો છે જેના પડઘા ગુજરાતભરમાં પડી રહ્યાં છે.

કરજણ તાલુકાના માલોદ ગામ નજીક પાલેજ-નારેશ્વર રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ભરૂચના 3 વ્યક્તિઓના મૃત્યુ થવાની ઘટનામાં સ્થળ મુલાકાતે પહોચેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર તેમજ મહેસુલ વિભાગના અધિકારીને ખખડાવ્યા હતા. અને તેઓને ગાળો ભાંડી હતી.

જો કે આ અંગે સાંસદે ખુલાસો આપી જણાવ્યું હતું કે, કોઈના મૃત્યુ પર આ અધિકારીઓ હસી રહ્યા હતા. જેથી તેઓનો પિત્તો ગયો હતો. સાંસદના આ વર્તન સામે મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુરૂવારે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળના નેજા હેઠળ રાજ્યભરના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત સાથે ભરૂચ જીલ્લામાં ભરૂચ , અંકલેશ્વર, વાલિયા સહિતના વિસ્તારમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી. મહેસુલી કર્મચારીઓ શુક્રવારના રોજ માસ સી.એલ પર ઉતરશે. સાંસદ મનસુખ વસાવા માફી માંગેની માંગ સાથે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભાજપ અને MP મનસુખ વસાવાનું મિત્ર મંડળ તેઓના સમર્થનમાં આગળ આવ્યું છે. તેઓ દ્વારા હાલમાં જ કલેકટરને આવેદન પત્ર પાઠવી MP ના શબ્દો નહિ પણ તેંનો ભાવાર્થ પકડવા અને સમજવા રજુઆત કરાઈ હતી.

દેડીયાપાડા:પાટવલી ગામે આગમાં 18 કાચા મકાનો બળીને ખાખ

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી. આદિવાસીઓના કાચા મકાનમાં લાગેલી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લઈ લેતા દોડધામ મચી ગઈ હતી. આગમાં 18 કાચા મકાનો બળીને ખાખ થયા હતા. તેમજ 5 બકરીઓ પણ દાઝી ગઈ હતી. આ ઉપરાંત એક બાઈક પર સળગી ઉઠી હતી.

 

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ગુમાની ફળિયામાં આદિવાસી પરિવારોના કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એક બાદ એક મકાનોને આગે ચપેટમાં લેતા ઘાસ, લાકડા, વાંસ, ધાન્ય અને સરસમાનને લઈ આગ જલ્દીથી ફેલાતા વિકરાળ બની હતી. દેડીયાપાડામાં ફાયર ફાઈટરની સુવિધા ન હોય મદદ માટેનો કોલ રાજપીપળા પાલિકાને કરાયો હતો.

પાલિકાના ફાયર ફાઈટરો 61 કિલોમીટર અંતર કાપી ગામમાં પોહચે તે પેહલા 18 જેટલા મકાનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. તેમજ આગમાં 5 બકરીઓ પણ ચપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. જ્યારે એક બાઇક પણ સળગી ઉઠી હતી. આગથી 18 પરિવારોના ઘર સાથે જ ધન, ધાન્ય, પશુધન અને ઘરવખરી પણ ભસ્મીભૂત થઈ જતા સામી હોળી એ જ પરિવારોને બેઘર બનવાનો વારો આવ્યો છે.

* પાટવલી ગામના મકાનો બળી ગયા તેમની યાદી.

  1. વસાવા માનસિંગભાઈ રામાભાઇ

2.વસાવા સોમાભાઈ રામાભાઇ

3.વસાવા વિનેશભાઈ સોમાભાઈ

4.વસાવા રામાભાઈ છગદાભાઈ

5.વસાવા સુરેશભાઈ સોમાભાઈ

6.વસાવા સામસીંગભાઈ ગીનીયાભાઈ

7.વસાવા દેડકાભાઈ છગદાભાઈ

8.વસાવા ચુનીલાલ દેડકાભાઈ

9.વસાવા ભરતભાઇ નરસિંહભાઈ

10.વસાવા ઉતરીબેન નારસિંહભાઈ

11.વસાવા હરિસિંહભાઈ  દેડકાભાઈ

  1. વસાવા વીરસીંગભાઇ દેડકાભાઈ

13.વસાવા કમલેશભાઇ નારસિંગભાઈ

14.વસાવા રાજેશભાઈ નારસિંગભાઈ

* સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના કરજણ વિવાદને લઈ મિત્ર મંડળ સમર્થનમાં,જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના કરજણ વિવાદને લઈ તેના મિત્ર મંડળ સમર્થનમાં આવ્યાં છે. મિત્ર મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

કરજણનાં માલોદ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા માછી પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. જે અંગેની જાણ ભરુચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને થતાં તેઓ તાત્કાલિક કરજણના ધારાસભ્ય સાથે માલોદ અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા અને મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ હાજર અધિકારીના વર્તનને લઈ મામલતદાર અને સર્કલ ઓફિસ સહિતના અધિકારીઓનો તીખી ભાષામાં ઉગડો લીધો હતો.

આ બાદ અધિકારીઓએ સાંસદના વર્તનના વિરોધમાં આવેદન પત્ર પાઠવી તેઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી, ત્યારે ઝઘડીયા તાલુકા ભાજપ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આગળ આવ્યું છે. જે બાદ આજરોજ ભરુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મનસુખ વસાવાના મિત્ર મંડળે એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર સાંસદના તીખા શબ્દો નહીં પરંતુ ભાવાર્થ સમજવો જોઈએ ચૂંટાયેલા સભ્યો કડક કાયદા ઘડે પરંતુ તેનો અમલ અધિકારી, કર્મચારીઓએ કરવાનો હોય છે તેઓ ગંભીરતાથી ફરજ ન બજાવે તો આવી સમસ્યા ઉદભવતી હોવાના આક્ષેપ કર્યા છે અને સાંસદના શબ્દો પકડી રાખી વાતને આડે પાટે ચઢાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી થઈ

ગુજકોસ્ટ, ગાંધીનગર સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર – DSC, ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નિવાસી અધિક કલેક્ટર જે. ડી.પટેલ, અતિથિવિશેષ વિઠ્ઠલભાઈ પટેલ, નગરપાલિકા ભરૂચ પ્રમુખ અમિતભાઈ ચાવડ, E.I. નિશાંત દવે, દિનેશભાઇ પંડ્યા ઉપસ્થિત રહી પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત વૈજ્ઞાનિક રીતે દીપપ્રાગટ્ય(KMnO4 + ગ્લીસરીન) અને વિજ્ઞાન ચાલીસા દ્વારા થઇ. આ પ્રસંગે ધ કરમાડ સાર્વજનિક હાઇસ્કૂલના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડી ઉસ્માનભાઈ પટેલ રચિત “પરમ ની પરબ, વિજ્ઞાનમય કાવ્યસરિતા” અને સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન, ભરૂચના બી.એડ. ના તાલીમાર્થીઓ દ્વારા સંકલન કરવામાં આવેલ પુસ્તક “અવકાશની સફરે” નું વિમોચન કરવામાં આવ્યું.

સાયન્સ કાર્નિવલમાં વિવિધ સ્પર્ધા જેવી કે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન, ટીએલએમ પ્રદર્શન, જાતે પ્રયોગ કરો સ્પર્ધા, ઓરીગામી વર્કશોપ, સાયન્સ મોડેલ મેકિંગ વર્કશોપ, ચિત્ર સ્પર્ધા, ppt પ્રેઝન્ટેસન સ્પર્ધા વિગેરે મુખ્ય હતા. આ પ્રસંગે ચિત્ર શિક્ષક મહેશભાઇ દ્વારા તૈયાર કરેલ ecosystem આધારિત ચિત્રપ્રદર્શન હતું અને સેલ્ફીઝોન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા હતા.

કાર્નિવલમાં પોપ્યુલર લેકચર સીરિઝ અંતર્ગત UPL university ના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ લોખંડવાલાએ  વ્યાખ્યાન આપી વિજ્ઞાનના વિવિધ પાસાઓની સફર કરાવી હતી.

સમગ્ર કાર્યક્ર્મ માટે માર્ગદર્શન અને પ્રેત્સાહન ચેરમેન કિર્તિબેન જોશીએ પૂરા પાડ્યા હતા. સંચાલન અને આયોજન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો- ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ અને NCSC કો- ઓર્ડિનેટર ડો. નિલેષ ઉપાધ્યાયએ કર્યું હતું.

મુખ્યમંત્રીએ હૃદયપૂર્વક કરી પ્રાર્થના : યુદ્ધની વિભિશિકાથી કોઈને હાનિ ન પહોંચે

  • યુદ્ધની વિભિશિકાથી કોઈને હાનિ ન પહોંચે અને તમામ ભારતવાસીઓને હેમખેમ પરત લાવવાના પ્રધાનમંત્રીના પ્રયત્નો સફળ થાય
  • જીવમાંથી શિવમાં પરિવર્તનના શુભ સંકલ્પ માટેનો આ દિવસ છે – મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ

૨૬ મી શિવ મહા આરતીમાં જોડાયા અને નવમી શિવ પરિવાર યાત્રાને આવકારી વંદના કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાશિવરાત્રીના પાવન પર્વે વડોદરામાં સુરસાગર મધ્યે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની મહા શિવ આરતીમાં જોડાઈ સુવર્ણકાય શિવની ભક્તિભાવ સાથે પૂજા અર્ચના વંદના કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડોદરામાં મહા શિવરાત્રીના પવિત્ર પર્વે વિરાટ સર્વેશ્વર શિવની આરતી અને ભાવ વંદના કરી હતી. તેમણે કરુણામૂર્તિ શિવજીને સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાય અને યુદ્ધની વિભિષિકામાંથી ભારતવાસીઓને હેમખેમ,સલામત લાવવાના પ્રધાનમંત્રીના પ્રયત્નોને સંપૂર્ણ સફળતા મળે એવી નમ્ર પ્રાર્થના કરી હતી.

શિવરાત્રી મહા પર્વના મહિમાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે સમસ્ત બ્રહ્માંડમાં જ્ઞાનના પ્રાગટ્યનો આ દિવસ છે.ભોળા શંભુ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે.

તેમણે આ પર્વે સૌ જીવમાંથી શિવના રૂપાંતરણ નો સંકલ્પ કરે એવો અનુરોધ કરવાની સાથે આ ભવ્ય પરંપરા માટે ધારાસભ્ય યોગેશભાઈ અને સત્યમ શિવમ સુંદરમ્ સમિતિને હૃદયથી અભિનંદન આપવાની સાથે વડોદરા વાસીઓ ની ધર્મમયતાને આદર સાથે બિરદાવી હતી.

સાવલીના વંદનીય સ્વામીજીની પ્રેરણા તેમજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેમજ સંતોના આશીર્વાદથી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સત્યમ શિવમ સુંદરમ્ સમિતિના નેજા હેઠળ લોક સહયોગથી વડોદરાની શાન સમા સુરસાગર સરોવરની મધ્યમમાં અને વડોદરાના હૃદય સ્થાને સર્વેશ્વર શિવની વિરાટ પ્રતિમાની સ્થાપના કરી છે તેમજ દર્શનીય શિવ પરિવાર પ્રતિમાઓની સ્થાપના કરી છે.તે પછી નિર્માણ કાર્યના પ્રારંભથી મહા શિવરાત્રી પર્વે મહા આરતી અને શિવ પરિવારની નગરયાત્રા વડોદરાની ધર્મ પરંપરા બની ગયા છે.આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી મહા આરતીમાં જોડાય એ લગભગ વણ લખ્યો નિયમ બની ગયો છે.હાલમાં આ પ્રતિમાના મુખને સોનાના ઢાળ થી મઢવામાં આવ્યું છે અને ક્રમશ: આખી પ્રતિમા સુવર્ણ આવરણથી મઢવામાં આવી રહી છે.તેનાથી વડોદરાનું પ્રવાસન આકર્ષણ અપરંપાર વધ્યું છે.આજે ૨૬ મી મહાઆરતી અને નવમી શિવજી કી સવારી યોજાઈ હતી.

વડોદરા શિવમય નગરી બનીને આ શિવ પર્વ ઉજવે છે તેનો ઉલ્લેખ કરતાં સત્યમ શિવમ સુંદરમ્ સમિતિના મોભી ધારાસભ્ય યોગેશ પટેલે સૌને આવકારતા જણાવ્યું કે આવતા વર્ષે ૧૧૧ ફૂટની આખી મૂર્તિને સુવર્ણજડિત બનાવવાનો સંકલ્પ પૂરો થઈ જશે.એકતા નગરી કેવડિયામાં સરદાર પ્રતિમાના દર્શને જતા પ્રવાસીઓ અવશ્ય વડોદરા આવીને આ પ્રતિમા ને વંદન કરશે જેના પરિણામે પ્રવાસન અને વ્યાપારનો વિકાસ થશે.

આ પ્રતિમા વડોદરાની ઓળખ,આઈકોન બની ગઈ છે એવી લાગણી વ્યક્ત કરતા મેયરશ્રી કેયુર રોકડિયા જણાવ્યું કે નવનાથની નગરીના દશમા નાથ સર્વેશ્વર બન્યા છે.મહા આરતીએ વડોદરાની ગૌરવ પરંપરા બની ગઈ છે.

આ પાવન અવસરે મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનિષા બેન વકીલ, રાજ્ય મંત્રી વિનુભાઈ મોરડિયા, પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલ, મેયર કેયુરભાઈ રોકડીયા, અગ્રણી ભાર્ગવભાઈ ભટ્ટ,વિજયભાઈ શાહ, ધારાસભ્યો, પદાધિકારીઓ, મહાનુભાવો, નગરસેવકો મહાઆરતીમાં જોડાયાં હતાં.

દેડીયાપાડા : યાહમોગીના ધાર્મિક મેળામાં શ્રધ્ધાળુઓ-ભાવિક ભક્તો દેવમોગરામાં ઉમટ્યા

મહાશિવરાત્રિના પાવન પર્વથી પ્રારંભાયેલા પરંપરાગત ભાતીગળ મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અન્ય વિસ્તારોમાંથી  ભાવિક ભક્તો-શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા

નર્મદા જિલ્લાના અંતરિયાળ સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વથી આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના  પ્રારંભાયેલા પાંચ દિવસીય પરંપરાગત ભાતીગળ મેળાની ઉજવણી આજે મહાશિવરાત્રિથી શરૂ થઈ છે અને માતાજીના દર્શને આવતા ભાવિક ભક્તો-શ્રધ્ધાળુઓ પોતાની માનતા-મનોકામના માતાજી પૂર્ણ કરે તે માટે માતાજીના ચરણોમાં શિશ નમાવી ધન્યતા અનુભવી હતી.

સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનજીવના પટમાં આવેલા દેવમોગરા ગામે યાહામોગી (દેવમોગરા) માં આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના આ પૌરાણિક ધાર્મિક સ્થળનો વિસ્તાર હેળાધાબ (ઠંડો પ્રદેશ) તરીકે પ્રચલિત છે. આ ભાગીગળ મેળામાં સમગ્ર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અન્ય વિસ્તારોમાંથી પણ આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓ આવીને માતાજીના દર્શન, પુજા અર્ચના અને આરતીમાં ભાગ લઇને પોતાનું નવું અનાજ-ધાન્ય માતાજીના ચરણોમાં ધરીને આ સંસ્કૃતિની સુવાસ ચોમેર પ્રસરાવી રહ્યાં છે.

યાહમોગીના આ ધાર્મિક મેળામાં શ્રધ્ધાળુઓ-ભાવિક ભક્તો પરંપરા મુજબ પગે ચાલતા કે નાના-મોટા વાહનોમાં ભજન કિર્તન, નાચ-ગાન  સાથે આનંદ-ઉમંગથી નાચતા-કુદતા પોતાની માનતા-બાધા છોડવા આવે છે. નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા દેવમોગરામાં પાંડોરી માતાજીના આ મેળાની ઉજવણી દરમિયાન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે જેવા રાજ્યોમાંથી આવતાં શ્રધ્ધાળુઓ ભાવિક ભક્તો સરળતાથી મંદિરના સ્થળે પહોંચી શકે તે માટે  વિશેષ રૂટની બસ સુવિધાઓ ઉપરાંત આરોગ્ય વિષયક સેવાઓ, નિયત કેન્દ્રો ઉપર ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, તબીબોને પેરામેડીકલ સ્ટાફ અને જરૂરી આવશ્યક દવાઓના જથ્થા સાથે તહેનાત કરાયાં છે. આ મેળા દરમિયાન ટ્રાફિક નિયમન સાથે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પૂરતો સુરક્ષા પ્રબંધ કરાયો છે અને CCTV કેમેરાથી બાજ નજર રખાઇ રહી છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા
error: Content is protected !!