- યુદ્ધની વિભિશિકાથી કોઈને હાનિ ન પહોંચે અને તમામ ભારતવાસીઓને હેમખેમ પરત લાવવાના પ્રધાનમંત્રીના પ્રયત્નો સફળ થાય
- જીવમાંથી શિવમાં પરિવર્તનના શુભ સંકલ્પ માટેનો આ દિવસ છે – મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ
૨૬ મી શિવ મહા આરતીમાં જોડાયા અને નવમી શિવ પરિવાર યાત્રાને આવકારી વંદના કરી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાશિવરાત્રીના પાવન પર્વે વડોદરામાં સુરસાગર મધ્યે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની મહા શિવ આરતીમાં જોડાઈ સુવર્ણકાય શિવની ભક્તિભાવ સાથે પૂજા અર્ચના વંદના કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડોદરામાં મહા શિવરાત્રીના પવિત્ર પર્વે વિરાટ સર્વેશ્વર શિવની આરતી અને ભાવ વંદના કરી હતી. તેમણે કરુણામૂર્તિ શિવજીને સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાય અને યુદ્ધની વિભિષિકામાંથી ભારતવાસીઓને હેમખેમ,સલામત લાવવાના પ્રધાનમંત્રીના પ્રયત્નોને સંપૂર્ણ સફળતા મળે એવી નમ્ર પ્રાર્થના કરી હતી.
શિવરાત્રી મહા પર્વના મહિમાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે સમસ્ત બ્રહ્માંડમાં જ્ઞાનના પ્રાગટ્યનો આ દિવસ છે.ભોળા શંભુ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે.
તેમણે આ પર્વે સૌ જીવમાંથી શિવના રૂપાંતરણ નો સંકલ્પ કરે એવો અનુરોધ કરવાની સાથે આ ભવ્ય પરંપરા માટે ધારાસભ્ય યોગેશભાઈ અને સત્યમ શિવમ સુંદરમ્ સમિતિને હૃદયથી અભિનંદન આપવાની સાથે વડોદરા વાસીઓ ની ધર્મમયતાને આદર સાથે બિરદાવી હતી.
સાવલીના વંદનીય સ્વામીજીની પ્રેરણા તેમજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેમજ સંતોના આશીર્વાદથી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સત્યમ શિવમ સુંદરમ્ સમિતિના નેજા હેઠળ લોક સહયોગથી વડોદરાની શાન સમા સુરસાગર સરોવરની મધ્યમમાં અને વડોદરાના હૃદય સ્થાને સર્વેશ્વર શિવની વિરાટ પ્રતિમાની સ્થાપના કરી છે તેમજ દર્શનીય શિવ પરિવાર પ્રતિમાઓની સ્થાપના કરી છે.તે પછી નિર્માણ કાર્યના પ્રારંભથી મહા શિવરાત્રી પર્વે મહા આરતી અને શિવ પરિવારની નગરયાત્રા વડોદરાની ધર્મ પરંપરા બની ગયા છે.આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી મહા આરતીમાં જોડાય એ લગભગ વણ લખ્યો નિયમ બની ગયો છે.હાલમાં આ પ્રતિમાના મુખને સોનાના ઢાળ થી મઢવામાં આવ્યું છે અને ક્રમશ: આખી પ્રતિમા સુવર્ણ આવરણથી મઢવામાં આવી રહી છે.તેનાથી વડોદરાનું પ્રવાસન આકર્ષણ અપરંપાર વધ્યું છે.આજે ૨૬ મી મહાઆરતી અને નવમી શિવજી કી સવારી યોજાઈ હતી.
વડોદરા શિવમય નગરી બનીને આ શિવ પર્વ ઉજવે છે તેનો ઉલ્લેખ કરતાં સત્યમ શિવમ સુંદરમ્ સમિતિના મોભી ધારાસભ્ય યોગેશ પટેલે સૌને આવકારતા જણાવ્યું કે આવતા વર્ષે ૧૧૧ ફૂટની આખી મૂર્તિને સુવર્ણજડિત બનાવવાનો સંકલ્પ પૂરો થઈ જશે.એકતા નગરી કેવડિયામાં સરદાર પ્રતિમાના દર્શને જતા પ્રવાસીઓ અવશ્ય વડોદરા આવીને આ પ્રતિમા ને વંદન કરશે જેના પરિણામે પ્રવાસન અને વ્યાપારનો વિકાસ થશે.
આ પ્રતિમા વડોદરાની ઓળખ,આઈકોન બની ગઈ છે એવી લાગણી વ્યક્ત કરતા મેયરશ્રી કેયુર રોકડિયા જણાવ્યું કે નવનાથની નગરીના દશમા નાથ સર્વેશ્વર બન્યા છે.મહા આરતીએ વડોદરાની ગૌરવ પરંપરા બની ગઈ છે.
આ પાવન અવસરે મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનિષા બેન વકીલ, રાજ્ય મંત્રી વિનુભાઈ મોરડિયા, પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલ, મેયર કેયુરભાઈ રોકડીયા, અગ્રણી ભાર્ગવભાઈ ભટ્ટ,વિજયભાઈ શાહ, ધારાસભ્યો, પદાધિકારીઓ, મહાનુભાવો, નગરસેવકો મહાઆરતીમાં જોડાયાં હતાં.