મહાશિવરાત્રિના પાવન પર્વથી પ્રારંભાયેલા પરંપરાગત ભાતીગળ મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અન્ય વિસ્તારોમાંથી  ભાવિક ભક્તો-શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા

નર્મદા જિલ્લાના અંતરિયાળ સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વથી આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના  પ્રારંભાયેલા પાંચ દિવસીય પરંપરાગત ભાતીગળ મેળાની ઉજવણી આજે મહાશિવરાત્રિથી શરૂ થઈ છે અને માતાજીના દર્શને આવતા ભાવિક ભક્તો-શ્રધ્ધાળુઓ પોતાની માનતા-મનોકામના માતાજી પૂર્ણ કરે તે માટે માતાજીના ચરણોમાં શિશ નમાવી ધન્યતા અનુભવી હતી.

સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનજીવના પટમાં આવેલા દેવમોગરા ગામે યાહામોગી (દેવમોગરા) માં આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના આ પૌરાણિક ધાર્મિક સ્થળનો વિસ્તાર હેળાધાબ (ઠંડો પ્રદેશ) તરીકે પ્રચલિત છે. આ ભાગીગળ મેળામાં સમગ્ર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અન્ય વિસ્તારોમાંથી પણ આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓ આવીને માતાજીના દર્શન, પુજા અર્ચના અને આરતીમાં ભાગ લઇને પોતાનું નવું અનાજ-ધાન્ય માતાજીના ચરણોમાં ધરીને આ સંસ્કૃતિની સુવાસ ચોમેર પ્રસરાવી રહ્યાં છે.

યાહમોગીના આ ધાર્મિક મેળામાં શ્રધ્ધાળુઓ-ભાવિક ભક્તો પરંપરા મુજબ પગે ચાલતા કે નાના-મોટા વાહનોમાં ભજન કિર્તન, નાચ-ગાન  સાથે આનંદ-ઉમંગથી નાચતા-કુદતા પોતાની માનતા-બાધા છોડવા આવે છે. નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા દેવમોગરામાં પાંડોરી માતાજીના આ મેળાની ઉજવણી દરમિયાન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે જેવા રાજ્યોમાંથી આવતાં શ્રધ્ધાળુઓ ભાવિક ભક્તો સરળતાથી મંદિરના સ્થળે પહોંચી શકે તે માટે  વિશેષ રૂટની બસ સુવિધાઓ ઉપરાંત આરોગ્ય વિષયક સેવાઓ, નિયત કેન્દ્રો ઉપર ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, તબીબોને પેરામેડીકલ સ્ટાફ અને જરૂરી આવશ્યક દવાઓના જથ્થા સાથે તહેનાત કરાયાં છે. આ મેળા દરમિયાન ટ્રાફિક નિયમન સાથે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પૂરતો સુરક્ષા પ્રબંધ કરાયો છે અને CCTV કેમેરાથી બાજ નજર રખાઇ રહી છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here