- ભરૂચ અને અંકલેશ્વર, વાલિયા ખાતે પણ કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી
- મહેસુલી કર્મચારીઓનું શુક્રવારે માસ સી.એલ. પર ઉતરવાનું એલાન
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વર્તનના વિરોધમાં રાજ્ય સાથે ભરૂચ જીલ્લાની વિવિધ મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. સાંસદે ઝનોરના 3 લોકોના અકસ્માતમાં મોત થયા બાદ બીજા દિવસે ઘટના સ્થળે મામલતદાર, સર્કલ ઓફિસરને અપશબ્દો બોલવાનો વિવાદ હવે ઘેરો બની રહ્યો છે જેના પડઘા ગુજરાતભરમાં પડી રહ્યાં છે.
કરજણ તાલુકાના માલોદ ગામ નજીક પાલેજ-નારેશ્વર રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ભરૂચના 3 વ્યક્તિઓના મૃત્યુ થવાની ઘટનામાં સ્થળ મુલાકાતે પહોચેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર તેમજ મહેસુલ વિભાગના અધિકારીને ખખડાવ્યા હતા. અને તેઓને ગાળો ભાંડી હતી.
જો કે આ અંગે સાંસદે ખુલાસો આપી જણાવ્યું હતું કે, કોઈના મૃત્યુ પર આ અધિકારીઓ હસી રહ્યા હતા. જેથી તેઓનો પિત્તો ગયો હતો. સાંસદના આ વર્તન સામે મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુરૂવારે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળના નેજા હેઠળ રાજ્યભરના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત સાથે ભરૂચ જીલ્લામાં ભરૂચ , અંકલેશ્વર, વાલિયા સહિતના વિસ્તારમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી. મહેસુલી કર્મચારીઓ શુક્રવારના રોજ માસ સી.એલ પર ઉતરશે. સાંસદ મનસુખ વસાવા માફી માંગેની માંગ સાથે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભાજપ અને MP મનસુખ વસાવાનું મિત્ર મંડળ તેઓના સમર્થનમાં આગળ આવ્યું છે. તેઓ દ્વારા હાલમાં જ કલેકટરને આવેદન પત્ર પાઠવી MP ના શબ્દો નહિ પણ તેંનો ભાવાર્થ પકડવા અને સમજવા રજુઆત કરાઈ હતી.