- વ્યવસ્થિત કામગીરીની ખાતરી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની સ્થાનિક નગર સેવકની ચીમકી
ભરૂચના ફાટાતળાવથી કતોપોર બજારને જોડતો માર્ગ બિસ્માર બનતાં સ્થાનિક વેપારીઓ સહિત નગર સેવક દ્વારા ફાંટા તળાવ જવાના રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો.
છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના વોર્ડ નંબર-10માં આવેલ ફાંટા તળાવથી કતોપોર બજારને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. જેને પગલે સ્થાનિક વેપારીઓ અને નગર સેવકો દ્વારા અનેકવાર વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા વિશ્વાસુ કામગીરી કરવામાં નહિ આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉપરાંત વર્ષ 2018-19માં મંજૂર થયેલા વિકાસના કાર્ય હજી સુધી પૂરા કરવામાં આવ્યા નથી.
આ અંગે પણ વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે આજે ગુરૂવારના રોજ વીફરેલા સ્થાનિક વેપારીઓ અને એઆઇએમઆઇના સ્થાનિક નગર સેવકે ફાંટા તળાવ જવાના રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે માર્ગની વ્યવસ્થિત કામગીરી કરવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા સાથે ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.