The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 164

મોટીભમરી ખાતે સિંચાઇની થતી કામગીરીની સમીક્ષા સાથે જાત નિરીક્ષણ કરતા સાંસદ મનસુખ વસાવા

ભરૂચ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ તથા ખેડૂતોએ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે મુલાકાત કરી તથા સિંચાઈની થઇ રહેલ કામગીરી ની સમીક્ષા કરી હતી.

જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સાથે ભરૂચ જિલ્લા કિસાન મોરચા ના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા તથા હર્ષદભાઈ પંડીયા ,કિશોરસિંહ અટોદરીયા, દિગ્વિજયસિહ છાસટીયા, દેવેન્દ્રસિહ રણા,પ્રદિપભાઈ ભટ્ટ સાંસદ સાથે કરજણ જળાશય યોજના ઝઘડીયા,વાલીયા,નેત્રંગ વિસ્તારના ખેડૂતોને સિંચાઈની પાણી માટે ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે ચર્ચા વિચારણા કરવાની રજુઆત પણ કરી હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ આ કામગીરી માટે ખુબ જ સકિયતા બતાવી અને મોટીભમરી ગામ ખાતે સ્થળ મુલાકાત પણ કરી ખેડૂતો ઝડપથી થઈ રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

અંકલેશ્વરઃ નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીક વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે બે ઝડપાયા

  • પોલીસે ૨૨.૨૪ લાખનો દારૂ અને કન્ટેનર મળી કુલ ૩૨.૨૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

ભરૂચ અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીક વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે બે ઇસમોને ઝડપી પાડી કુલ ૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરવા સાથે બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર પુના ખાતેથી કન્ટેનર નંબર એમ.એચ.-૦૪-કે.યુ- ૩૮૭૨ માં વિદેશી દારૂનો મોટો જથ્થો સુરત વડોદરા તરફ જવાનો છે. જે બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચ અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી ઉભી હતી.

દરમિયાન બાતમી વાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૯૧૨૦ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૨૨.૨૪ લાખનો દારૂ અને કન્ટેનર મળી કુલ ૩૨.૨૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હરિયાણા ખાતે રહેતા ચાલક રમેશકુમાર શ્રીચંદ અમરસિંગ જાટ અને ક્લીનર રાજકુમાર ઉર્ફે મનીષ અશોકકુમારને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.

ગુજરાતમાં પ્રથમવાર ભરૂચમાં યોજાશે પ્રજ્ઞાને સથવારે પૂર્ણતાનો પ્ર્રયાસ કાર્યક્રમ

  • ૨૦ અંધ બહેનો બતાવશે વિવિધ વ્યંજનો બનાવી રસોઇની કરામત
  • નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઇન્ડ સંસ્થા દ્વારા મહિલા દિન અંતર્ગત યોજાશે અનોખો કાર્યક્રમ

” નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડ ” ભરૂચ જિલ્લા શાખા દ્વારા આગામી તારીખ ૧૩-૦૩-૨૦૨૨ ને રવિવારે પ્રજ્ઞા ને સથવારે પૂર્ણતાનો પ્રયાસ ” અંતર્ગત ગુજરાતભર માંથી 20 અંધ બહેનો દ્વારા ભરૂચ ના આંગણે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈની કરામત દેખાડી જનતામાં અંધજનો અને અન્ય દીવ્યાંગો વિશે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમના આયોજન પાછળ અંધજનો અને અન્ય દિવ્યાંગો માટે ના કાર્યોને વેગ આપી અંધકારમાં દીવો પ્રગટાવવાનો આશય છે.આ કાર્યક્રમમાં નિમંત્રીતોને અંધ બહેનો દ્વારા બનેલ વ્યંજનો નો રશાસ્વાદ પણ કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના કલેકટર ભરૂચના અન્ય અધિકારીઓ અગ્રગણ્ય નાગરિકો તેમજ સેવાભાવિ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે છે.

ભરૂચ : સબજેલમાંથી કાચા કામના કેદીના મોઢા, અંડરવેર સહિત ગટરની કુંડીમાંથી 2 મોબાઈલ અને 2 સીમકાર્ડ ઝડપાયા

ભરૂચ સબજેલમાં અમદાવાદ ઝડતી સ્કવોર્ડની ટીમે શનિવારે બપોરે હાથ ધરેલા ચેકીંગમાં એક કાચા કામના કેદીના મોઢા, અંડરવેર અને ગટરની કુંડીમાંથી 2 સીમકાર્ડ અને 2 મોબાઈલ મળી આવ્યા હતા.

અમદાવાદ ઝડતી સ્કવોર્ડ જેલર ગ્રુપ 2 ના દેવશી કરંગીયા તેમના 6 જવાનોની ટીમ સાથે શનિવારે બપોરે ભરૂચ સબજેલમાં જડતી માટે આવી પોહચ્યા હતા. જેલ ઇન્ચાર્જ અધિક્ષક, ડ્યુટી જેલર અને સ્ટાફને સાથે રાખી ભરૂચ જેલમાં 3 કલાકથી વધુ સમય સુધી ચેકીંગ હાથ ધરાયુ હતું.

જેમાં સર્કલ એક બેરેક નંબર 6 માં કાચા કામના કેદી નંદકિશોર રામસુમેર શર્માની ઝડતીમાં તેને મોઢામાં સંતાડેલા 2 સીમકાર્ડ અને પહેરેલી અંડરવેરના પાછળના ગુપ્ત ભાગેથી એક મોબાઈલ મળી આવ્યો હતો.

જ્યારે બેરેક નંબર 7 ની પાછળ આવેલી ગટરની કુંડીમાંથી પણ એક મોબાઈલ મળી આવ્યો હતો. ઝડતી સ્કવોર્ડએ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી આ 2 મોબાઈલ અને 2 સીમકાર્ડ જેલમાં કેવી રીતે કોની મદદથી આવ્યા અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં કેદીઓએ કર્યો છે તે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ગેરકાયદે ખનન મુદ્દે MP મનસુખ વસાવાએ મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર!

  • હું વર્ષોથી નર્મદા નદીમાં થતા ગેરકાયદે ખનનને રોકવા સંઘર્ષ કરી રહ્યો છું

કેટલાક રાજકારણીઓ, ખાણ-ખનિજના અધિકારીઓ ભૂ માફિયા અને રેત માફિયા સાથે મળી મામલતદાર અમે રેવેન્યુ અધિકારીઓના આંદોલનને હવા આપી રાજ્ય સરકાર ઉપર દબાણ લાવી રહ્યાં હોવાનો પત્ર ભરૂચ MP મનસુખ વસાવાએ મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલને લખ્યો છે.

વડોદરા જિલ્લાના નારેશ્વર પાસેની ઘટનાને લઇને ગુજરાતના મામલતદારો તથા તેમના રેવન્યુ કર્મચારીઓ અલગ – અલગ પ્રકારે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન પાછળ ગુજરાતભરના રેત માફિયાઓ તથા જમીન માફિયાઓ તથા કેટલાક ખાણ – ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા આ ધંધા સાથે જોડાયેલા કેટલાક રાજકિય આગેવાનો પડદા પાછળ કામ કરી રહ્યા છે. જે અંગે MP મનસુખ વસાવાએ CM ને લખેલા લેટરમાં ઘટસ્ફોટ કર્યો છે.

નારેશ્વરની ઘટના પછી આપ CM ને સમગ્ર ઘટના થી ભરૂચ MP એ વાકેફ કર્યા હતા. જે બાદ મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતમાં ગેરકાનૂની રેતી , માટી ખનન કરનારાઓની સામે કડક હાથે કામ લીધું જેનાથી આ રેત માફિયાઓ જમીન માફિયાઓમાં ગભરાટ ફેલાયો. આજે આખા ગુજરાતમાં બે નંબરીયાઓ બધા મોટા ભાગે બંધ થઇ ગયા છે.

પરંતુ રેત માફિયા , ભુમાફિયા અને આ ધંધા સાથે જોડાયેલ ઉચ્ચ અધિકારીઓ સરકાર ઉપર દબાણ લાવી રહ્યા છે કે “ મનસુખ વસાવા માફી માંગે ” હકિકતમાં તો નારેશ્વરની ઘટનામાં હું મનસુખ વસાવા પ્રજા સાથે રહ્યો છું. ઘટનાના બીજા દિવસે નારેશ્વર પાસે 50 થી 60 ડમ્પર ભીની રેતી ભરેલા રોયલ્ટી વિનાના ઉભા હતા. પ્રજાની માંગણી હતી કે આ બેનંબરી વહાનોનું પંચનામું કરાવવાની અને તે માટે મે ઉપસ્થિત બધાજ અધિકારીઓને પંચનામું કરવા જણાવ્યું.

જોકે તેમના ઉપર સ્થાનીક રાજકિય આગેવાનો તથા ઉચ્ચ અધિકારી ( ખાણ ખનીજ ) ઓનું દબાણ હતું અને તેનો મને ખ્યાલ આવી જતાં પ્રજાનો આકૌશ શાંત પાડવા મેં ઉપસ્થિત બધાજ અધિકારીઓને ગુસ્સામાં ઉંચા અવાજ થી વાત કરી હતી. તેનો વિડીયો પ્રજામાં છુપાયેલા સંતાયેલા રેત માફિયાના માણસોએ રેકૉંડીંગ કરી વાયરલ કર્યો. મેં ફક્ત મામલતદાર કે તેમના સર્કલ ઓફિસર સાથે ઉગ્ર ભાષામાં વાત નથી કરી. મેં પ્રથમ તો આ વીસ્તારના રાજકિય આગેવાનો, ખાણ ખનીજ અધિકારી, રેત માફિયા મામલતદાર આ બધાની મિલીભગતથી બેરોકટોક ગેરકાનુની રેતીનું ખનન થઇ રહ્યું છે તે અધિકારીઓની બેદરકારીના કારણે આ માછી સમાજના ત્રણ વ્યકિતઓનું મૃત્યુ થયું છે.

આના જવાબદાર તમે લોકો છો. તમે લોકો સરકારને બદનામ કરો છો. તે મુજબ ભારપુર્વક હું બોલ્યો છું. પરંતુ ગુજરાતના મામલતદારો આખી ઘટનાને જાણ્યા વિના ખોટા એક તરફી વિડીયોનો આધાર લઇ રેત માફિયાઓ , જમીન માફિયાઓના કહ્યા મુજબ મને દબાવવા “ મનસુખ વસાવા માફિ માંગે ” તેવું આંદોલન કરી રહ્યા છે.

CM સાહેબ હું વર્ષોથી ગેરકાનુની રીતે નર્મદા નદીમાંથી રેતીનું ખનન થઇ રહ્યું છે. તે રોકવા માટે તથા માં નર્મદાને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. હું વિશ્વાસ સાથે આપ સાહેબને જણાવું છું કે સરકારના પારદર્શક વહિવટનો હું સાચા અર્થમાં અમલ કરી રહ્યો છું. જયારે કેટલાક સજ્જનો આડકતરી રીતે રેત માફિયાઓ , જમીન માફિયાઓને બચાવવા મેદાને પડયા છે. સાહેબ આપતો રાજ્યના વડા છો તેમ કહી MP મનસુખ વસાવાએ CM પાસે ન્યાયની આશા રાખી છે.

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ૨૧ મહિલા સન્નારીઓનું ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે કરાયું સન્માન

તા.૮ માર્ચ-વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત નારી સન્માન સમારોહમાં ૨૧ મહિલા સન્નારીઓનું ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબહેને નવયુવા મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલાશક્તિ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે, ત્યારે નારીઓ તેમને મળેલા અધિકારો પ્રત્યે સજાગ બને તે જરૂરી છે. નારીમાં શક્તિનો અખૂટ ભંડાર રહેલો છે, ત્યારે મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે બજેટમાં રૂ.૪૯૭૬ કરોડ ફાળવણી કરી છે. મહિલાઓ માટે રૂ.૪ હજાર કરોડના ખર્ચે ‘સુપોષિત માતા, સ્વસ્થ બાળ’ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને એક હજાર દિવસ સુધી વિનામૂલ્યે એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા, એક લિટર ખાદ્યતેલ આપવામાં આવશે. આ વર્ષનું બજેટ સર્વજનસ્પર્શી તથા જનહિતલક્ષી બજેટ હોવાનું તેમણે કહ્યું હતું.

આ અવસરે સ્ટાફનર્સ અને મિલ્ક ડોનેશન કરનારા શ્રીમતી નિધિ ગજ્જર, એક જ વર્ષમાં ૪૮૬ પ્રસુતિ કરાવનાર પરિચારિકા ટ્વિન્કલ કટારા, ટી.બી. વિભાગ વડા ડો. પારૂલ વડગામા, રેડિયોથેરાપી કેન્સર વિભાગના ડો. ડિમ્પલ ગધેસરિયા, ગાયનેક વિભાગના ડો. અંજની શ્રીવાસ્તવ, પિડીયાટ્રીક વિભાગના ડો. જિગીષાબેન, ૧૫ વર્ષથી વધુ સમય દરમિયાન ૮૦૦૦થી વધુ પોસ્ટમોર્ટમ કરનારા કેજ્યુલિટી વિભાગના ડો. નિશા ચંદ્રા, કેન્સર વિભાગના ડો. રોશની જરીવાલા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ લીલાબેન ગામીત, મિલ્કદાતા શશિકલાબેન તથા ઉર્મિલાબેન, માઈક્રોબાયોલોજી વિભાગના લેબ. ટેકનિશીયન નીતાબેન ચૌધરી, ડેટા ઓપરેટર કવિતાબેન, સફાઈ કામદાર હેમાબેન, એક્ષ-રે ટેકનિશીયન ભૂમિ પટેલ, યુ.આઈ.આઈ.ડી વિભાગના ડેટા ઓપરેટર શ્રેયા રાઠોડ, હેડનર્સ મીનાબેન પરમાર, વાસંતીબેન નાયર, તારિકાબેન ટંડેલ, સામાજિક વર્કર સિદ્ધેશ્વરી પટેલ તથા સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઈન્દ્રાવતી રાવ સહિતની બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો.ઋતુંભરા મહેતા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.લક્ષ્મણ ઘેલાણી, નર્સિંગ એસો.ના સભ્ય દિનેશ અગ્રવાલ, હેડનર્સ, સ્ટાફનર્સ સહિત લોકલ નર્સિંગ એસો. ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

યુક્રેન થી હેમખેમ પરત આવેલી ભરૂચની યુવતીની મુલાકાત લેતા ફૈઝલ પટેલ

  • ત્યાંની વર્તમાન પરિસ્થિતિના અહેવાલ મેળવી શુભેચ્છાઓ પાઠવી…

યુક્રેનમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે આવા સમયે ભરૂચ જિલ્લાના પણ અનેક યુવક તેમજ યુવતીઓ ત્યાં ફસાયા હતા જે પૈકી ભરૂચની એક યુવતી ક્ષેમકુશળ પરત આવતાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તેમની મુલાકાત લીધી હતી.

ભરૂચની 21 વર્ષીય યુવતી આયેશા ગુલામ મુસ્તુફા શેખ યુક્રેનમાં આવેલા ટર્નોપિલ શહેરની ઈવાન હોર્બાચેવ્સ્કી નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેઓ એમબીબીએસના ચોથા વર્ષમાં છે. યુક્રેન અને રશિયા ના યુદ્ધ વચ્ચે તેઓ બહુ ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને પરિસ્થિતિ બદ થી બદતર થઇ ગઇ હતી તેઓના શહેરમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો અને સમાચાર આવતા હતા કે રશિયન સૈનિકો ભારી માત્રામાં એક્સપ્લોઝિવ સાથે આવી રહ્યા છે. આયેશા જ્યાં રહેતા હતા ત્યાં નજીક જ એક મિસાઈલ ના ધડાકાએ સૌને ધ્રુજાવી દીધા હતા. આયેશાએ પોતાના વીડિયોમાં આ વાત કહી હતી કે તેઓ નજીકના બંકરમાં આશરો લેવા ગયા તો ત્યાં પણ બંકર ફુલ હોવાનું જણાવી તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ બાદ ભારત સરકાર અને સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે આ અંગે સંનિષ્ઠ પ્રયત્નો કરી તેમને પરત લાવવાની વ્યવસ્થા ગોઠવી હતી.આયેશા પરત આવતાં દિલ્હીથી સુરત સુધી મોકલવાની વ્યવસ્થા પણ મુમતાઝ પટેલે કરી હતી.

આયેશા ઘરે હેમખેમ પહોંચતાં પરિવારજનોમાં પણ રાહત અને આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. ફૈઝલ પટેલે સુરતથી રવિવારે આવી પહોંચેલા આયેશાના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે આયેશાની આપવીતી સાંભળી હતી અને પરત આવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી અને પરિવારજનોને પણ સાંત્વના આપી હતી. તેમજ આગામી દિવસોમાં પણ કંઈ પણ જરૂર હોય તો પોતે સાથે હોવાની ખાતરી પણ ઉચ્ચારી હતી.

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2022ની મેચ

  • ભારતે પાકિસ્તાન સામે ટોસ જીતીને બેટિંગ કરવાની કરી જાહેરાત

ન્યુઝીલેન્ડના માઉન્ટ મૌંગાનુઈમાં  આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે  મહિલા વર્લ્ડ કપ 2022ની  મેચ રમાઈ રહી છે. આ વિઝિવ કપમાં ભારત અને પાકિસ્તાનની આ પ્રથમ મેચ છે. આ મેચની શરૂઆતમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતીય કેપ્ટન મિતાલી રાજે કહ્યું કે, “અમે બેટિંગ કરીશું. બેટિંગ કરવા માટે આ સારી વિકેટ છે. અમે લક્ષ્ય નક્કી કરીશું અને તેમના પર દબાણ બનાવીશું. અમે ત્રણ ઝડપી બોલર અને ત્રણ સ્પિનરો રમીશું. અમે ક્લીન સાથે રમીશું.” અમે ટુર્નામેન્ટમાં એકસાથે પ્રવેશવા માંગીએ છીએ, અમે છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું, અમે તેને આગળ લઈ જવા માંગીએ છીએ. વર્લ્ડ કપમાં સારો દેખાવ કરવાની ભૂખે મને આગળ ધપાવી છે.

જેમાં ભારતની ટીમમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, હરમનપ્રીત કૌર, મિતાલી રાજ (સી), રિચા ઘોષ (ડબલ્યુ), સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ જ્યારે પાકિસ્તાનની ટીમમાં જવેરિયા ખાન, સિદ્રા અમીન, બિસ્માહ મારુફ (સી), ઓમાઈમા સોહેલ, નિદા દર, આલિયા રિયાઝ, ફાતિમા સના, સિદ્રા નવાઝ (ડબ્લ્યુ), ડાયના બેગ, નશરા સંધુ, અનમ અમીન પોતાનું કૌવત પ્રદર્શીત કરશે.

ગુજરાતમાં આજથી શરૂ થઇ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ હેલેમટ, સીટ બેલ્ટ ન પહેરનારા ચેતી જજો, વસૂલાશે દંડ

આજથી ગુજરાતમાં 15મી માર્ચ સુધીમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ (Special traffic drive) ચલાવવામાં આવશે. જેમાં હેલમેટ તથા સીટ બેલ્ટ પહેર્યા વગર દેખાશો તો વાહન ચાલકો પાસેથી 500 રુપિયા દંડ લેવામાં આવશે. માર્ગ અકસ્મતમાં મોત તથા ઇજાના બનાવો અટકાવા માટે ગુજરાત રાજ્યમાં પોલીસે તારીખ 6 એટલે આજથી, 15મી માર્ચ સુધી મેગા ડ્રાઇવનું આયોજન કર્યુ છે. જેમાં હેલમેટ તથા સીટ બેલ્ટ નહી પહેરનારા વાહન ચાલકો પાસેથી ટ્રાફિક નિયમ ભંગ બદલ રુપિયા 500 દંડ વસૂલવામાં આવશે.

આ વિશેષ ડ્રાઇવ આખા ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. જેમાં પોલીસને એવી સૂચના આપવામાં આવી છે કે, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમનો ભંગ કરવાના વધુમાં વધુ કેસમાં કરવામાં આવશે. એટલે કે, જો કોઈ વાહન ચાલક હેલ્મટ પહેર્યાં વગર નીકળશે અથવા સીટ બેલ્ટ બાંધ્યા વગર વાહન ચલાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના તરફથી કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો, કેટલા કેસ કરાયા તેની માહિતી બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધી મોકલી આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

આ ડ્રાઇવ ગુજરાત રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરો તથા સમગ્ર જિલ્લાઓમાં આજથી 15મી માર્ચ સુધી ચલાવવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ તથા સીટ બેલ્ટના ટ્રાફિક નિયમ ભંગ બદલ પોલીસ વાહન ચાલક પાસેથી 500 દંડ વસૂલ કરવામાં આવશે.

હેલમેટ પહેર્યા વગર જો કોઈ વાહન ચાલક પહેલી વખત પકડાય તો રૂ.500 દંડ વસૂલ કરાય છે. તેવી જ રીતે સીટ બેલ્ટ પહેર્યા વગર જો કોઈ કાર ચાલક પહેલી વખત પકડાય તો તેની પાસેથી ટ્રાફિક પોલીસ રૂ.500 દંડ વસૂલ કરે છે. જ્યારે બીજી વખત જો કોઈ વાહન ચાલક હેલમેટ કે સીટ બેલ્ટ વગર પકડાય તો પોલીસ તેની પાસેથી રૂ.1000 દંડ વસૂલ કરવાનો નિયમ છે.

આમલી ડેમમાં ડૂબી જનાર પ્રત્યેક મૃતકોના પરિવારને રૂ.૪ લાખની સહાય કરાઇ અર્પણ

સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગીરી ગામના આમલી ડેમમાં તા.૧૧ જાન્યુઆરીના રોજ આદિવાસી ખેડૂત પરિવારના ૭ વ્યક્તિઓના અકસ્માતે ડૂબી જવાથી નિધન થયા હતાં. આ દુર્ઘટનાના પ્રત્યેક મૃતકોના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં આપવામાં મંજૂર કરવામાં આવેલી રૂ.૪ લાખની સહાયના ચેક સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ અને સભ્યોના માનવીય અભિગમ થકી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી પણ પ્રત્યેક પરિવારોને રૂ.૫૦ હજારની સહાય અર્પણ કરવામાં આવી હતી.

દેવગીરી ગામે આયોજિત સહાય અર્પણ કાર્યક્રમ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આમલી ડેમ દુર્ઘટનામાં મૃતક વ્યક્તિઓ પરિવારનું ભરણપોષણ કરનાર મુખ્ય વ્યક્તિઓ હોવાથી તેમના પરિવારને સરકાર તરફથી આર્થિક સહાય મળી રહે તે માટે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપભાઈ દેસાઈની સાથે મળીને અમે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પ્રત્યક્ષ મુલાકાત કરીને આર્થિક સહાય આપવા અંગે અસરકારક રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ હકારાત્મક અને માનવીય અભિગમ અપનાવી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.૪-૪ લાખની સહાય મંજૂર કરી હતી, કુલ રૂ.૨૮ લાખની સહાય તેમજ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી પણ રૂ.૫૦-૫૦ હજારની સહાય  મળતાં આજે આ પરિવારોને આર્થિક આધાર મળ્યો છે.

આ સહાય બદલ સાંસદ પ્રભુભાઈએ રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વહીવટીતંત્ર વાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દેવગીરીના ગ્રામજનો અને મૃતકો ૧) મગનભાઈ નગરીયાભાઈ વસાવા,૨) દેવનીબેન પુનિયાભાઈ વસાવા,૩) મીરાભાઈ ડેભાભાઈ વસાવા,૪) રાલુબેન મીરાભાઈ વસાવા,૫) પુનિયાભાઈ નગરીયાભાઈ વસાવા,૬) રાયકુબેન મગનભાઈ વસાવા,૭) ગીમલીબેન રામસિંગભાઈ વસાવાના પરિવારજનોએ પણ જાગૃત્ત જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ આતિશભાઈ ચૌધરી, અગ્રણી દિનેશભાઈ, પ્રાંત અધિકારી જનમ ઠાકોર, મામલતદાર મનિષભાઈ પટેલ અને જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને મૃતકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

error: Content is protected !!