ભરૂચ સબજેલમાં અમદાવાદ ઝડતી સ્કવોર્ડની ટીમે શનિવારે બપોરે હાથ ધરેલા ચેકીંગમાં એક કાચા કામના કેદીના મોઢા, અંડરવેર અને ગટરની કુંડીમાંથી 2 સીમકાર્ડ અને 2 મોબાઈલ મળી આવ્યા હતા.
અમદાવાદ ઝડતી સ્કવોર્ડ જેલર ગ્રુપ 2 ના દેવશી કરંગીયા તેમના 6 જવાનોની ટીમ સાથે શનિવારે બપોરે ભરૂચ સબજેલમાં જડતી માટે આવી પોહચ્યા હતા. જેલ ઇન્ચાર્જ અધિક્ષક, ડ્યુટી જેલર અને સ્ટાફને સાથે રાખી ભરૂચ જેલમાં 3 કલાકથી વધુ સમય સુધી ચેકીંગ હાથ ધરાયુ હતું.
જેમાં સર્કલ એક બેરેક નંબર 6 માં કાચા કામના કેદી નંદકિશોર રામસુમેર શર્માની ઝડતીમાં તેને મોઢામાં સંતાડેલા 2 સીમકાર્ડ અને પહેરેલી અંડરવેરના પાછળના ગુપ્ત ભાગેથી એક મોબાઈલ મળી આવ્યો હતો.
જ્યારે બેરેક નંબર 7 ની પાછળ આવેલી ગટરની કુંડીમાંથી પણ એક મોબાઈલ મળી આવ્યો હતો. ઝડતી સ્કવોર્ડએ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી આ 2 મોબાઈલ અને 2 સીમકાર્ડ જેલમાં કેવી રીતે કોની મદદથી આવ્યા અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં કેદીઓએ કર્યો છે તે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.