The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 152

જૂના ભરૂચ લાલભાઇ પાટ વિસ્તારમાં એક મકાનની છત ધરાશાયી

સદનસીબે કોઇ જાનહાની ન થતા હાશકારો

જૂના ભરૂચના લાલભાઇની પાટ વિસ્તારમાં એક મકાનના રસોડાનો ભાગ અચાનક ધડાકાભેર તુટી પડવાની ધટના બનવા પામી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાન હાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

લલ્લુભાઇ ચકલા નજીક આવેલ લાલભાઇ પાટ વિસ્તારમાં સહજાનંદ ડેરીની સામે આવેલ સાંકડી ગલીમાં સી-૬૪૯માં પરિવાર સાથે ૮૦ વર્ષ જૂની મિલ્કતમાં રહેતા નિતેષભાઇ શાંતિલાલ રાણાના મકાનમાં સાંજે ૭.૩૦ની આસપાસ અચાનક રસોડાનો મોભ ફાટી છત ધરાશાયી થતા નાસભાગ મચવા પામી હતી.આ ઘટનામાં રસોડામાં કામ કરતી બે મહીલાઓને હેમેખેમ બહાર કાઢી લેવાઇ હતી. પરંતુ રસોડાના સામાનને નુકશાન થવા પામ્યું હતું. જો કે કોઇ જાનહાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

ઘટનાની જાણ થતાં  જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા સાથે ફાયર વિભાગને કરાતા ફાયર લાશ્કરો પણ દોડી આવ્યા હતા.

ખોખરાઉંમરની હોળીના તહેવારની ઘેરૈયાઓ સહિત ગ્રામજનોની અનોખી પહેલ

આદિવાસી સમાજના વડીલોની માન્યતા મુજબ હોળીની આસ્થા દેવમોગરા માતાજીના મેળા સમાપ્તિ સાથે જોડાયેલી છે. શિવરાત્રીના ત્રીજા દિવસ એટલે કે ગીંબદેવના દિવસે થી મોટાભાગના ઘેરૈયાઓ પોત પોતાના કપડા જાતે ધોવે છે, જે દિવસથી ઘેરૈયા પૂર્વ તૈયારી કરે છે ત્યારથી મોટે ભાગે પોતાના ઘરે જતા નથી, એટલે કે બ્રહ્મચારી જીવન વિતાવે છે, ઘેરૈયા બનવાની નિશાની તરીકે વાંસની સોટી રાખે છે, માથે મોટો રૂમાલ બાંધે છે, સતત પંદર દિવસનું બ્રહ્મચારી જીવન દરમિયાન ચણાની કોઈ પણ પ્રકારની વાનગી ખાતા નથી.

હોળી માતાને ચઢાવાતો પૂજાપો જેવો કે કંકુ, દાળિયા, ખજૂર, કોપરા અને અન્ય વસ્તુઓ ખાવાનું તો ઠીક અડકતા પણ નથી, સાચા ઘેરૈયા તરીકે પગમાં ચંપલ કે બુટ પહેરતા નથી, હાથમાં એક પ્રકારનું વાદ્ય (રીહટીયું) રાખે છે, જેના દ્વારા હોળીના ગીતો વગાડે છે.હોળીના દિવસે બધા ઘેરૈયા ઉપવાસ રાખે છે, પોતાનો સામાન્ય એટલે કે ઘૂઘરા, મોરના પીછાની ચમરી, કોપરામાં રાખેલ હારડો, અરીસો અને અન્ય શણગાર તૈયાર રાખીને સાંજની હોળીની તૈયારીમાં લાગી જાય છે. રાત્રે હોળી માતાની પૂજા થાય છે. બધા ઘેરૈયા હોળી માતાની પૂજા કરે છે, પોતપોતાના શણગાર સજી ધજી ને લાલ કલરનું ધોતિયું, બંડી પહેરીને હોળીમાં જાય છે. ખરેખર નું બ્રહ્મચર્યની સાબિતી રૂપે હોળીની આગમાં કૂદકો મારે છે, પ્રદક્ષિણા કરે છે હોળી માતાના આશીર્વાદરૂપે એમને પગમાં કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી. આ વિધિ પતી ગયા બાદ બધા ઘેરૈયા સાથે ઉપવાસ છોડે છે. સતત પાંચમ સુધી આજુબાજુના ગામડાઓમાં ફરીને ગેર ઉઘરાવે છે અને પાંચમના દિવસે હોળીમાતાની પૂર્ણાહૂતી કરે છે.

એક માન્યતા પ્રમાણે કુદરતી આખા વર્ષ દરમિયાન જે સાચવ્યા છે જે અનાજ આપ્યું છે, તેના બદલામાં કુદરતનો આભાર માનવા માટે આદિવાસીઓ આ પ્રકારની હોળીની ઉજવણી કરે છે. આદિવાસીઓની કુદરત સાથે આસ્થા જોડાયેલી છે કુદરત માંથી મેળવવું અને એમાંથી કુદરતને આપવું એટલે આદિવાસીઓના તહેવારો.વતનથી હજારો માઈલ દૂર રોજીરોટી માટે જતા આદિવાસીઓ હોળીના પર્વ ટાણે તમામ કામોને પડતા મૂકી વતનની વાટ પકડતા હોય છે. જ્યાં તેઓ કુદરતના ખોળે હોળીના ફાગ ગાઇ અને દેશી વાજિંત્રોના તાલે રાતભર નાચગાન કરીને પર્વની અનેરી ઉજવણીનો લાભ ઉઠાવતા હોય છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે વધુ એક ડાયાલીસીસ મશીનની કરાઇ ફાળવણી

ગુજરાત સરકાર કિડની રિસર્ચ સેન્ટર અમદાવાદના સહયોગથી રાજપીપલાના જનરલ હોસ્પિટલ ખાતે વધુ એક ડાયાલીસીસ મશીનની ફાળવણી કરવામાં આવી છે. હવે કુલ-૪ ડાયાલીસીસ મશીન ઉપલબ્ધ હોવાના લીધે કિડનીના વધુ દરદીઓને ડાયાલીસીસની સારવાર મળી રહેશે.

સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં એકમાત્ર જનરલ હોસ્પિટલ રાજપીપલામાં આવેલ છે. અહિંયા દુર-દુરના તમામ આદિવાસી વિસ્તારના ગરીબ દરદીઓ લાભ લેવા આવે છે. જનરલ હોસ્પિટલમાં વર્ષ-૨૦૧૪ થી હિમો ડાયાલીસીસ યુનિટ ચાલુ છે. જેનું ગુજરાત સરકાર અને કિડની રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા સંચાલન કરવામાં આવે છે. પહેલાં આ  હિમો ડાયાલીસીસ સેન્ટરમાં ફક્ત-૩ મશીન કાર્યરત હતાં. ધીમે-ધીમે દરદીઓનો વધારો થતા અમારે મશીનની ડિમાન્ડ વધતા અમે સરકારમાં વધુ ડાયાલીસીસના મશીન ફાળવવાની રજૂઆત કરી હતી. જે સંદર્ભે તાત્કાલિક અમને મશીનની ફાળવણી કરાતાં અમે આજરોજ જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ સેન્ટરમાં મશીન ઇન્સ્ટોલ કરી શરૂ કરવામાં આવ્યું છે. અને એના પર આજે એક દરદી ડાયાલીસીસની સારવાર પણ લઇ રહ્યો છે. તાત્કાલિક મશીન ફાળવ્યાં બદલ ડૉ. ગુપ્તાએ સરકાર અને કિડની રિસર્ચ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ સેન્ટરમાં સારવાર લઇ રહેલાં શ્રી અશ્વિનકુમાર ભાનુભાઇ તડવીએ કહ્યું હતું કે, હાઇબીપી થવાને કારણે મારી બન્ને કિડની ફેલ થઇ ગઇ હતી. જેથી હું રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા પાંચ વર્ષથી ડાયાલીસીસની સારવાર કરાવું છું. સરકારશ્રી તથા ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત મને નિ:શૂલ્ક ડાયાલીસીસની સારવાર મળી રહી છે. તેનાથી મારો મોટો એવો ખર્ચ બચી જાય છે. મારી પાસે મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડ હોવાથી આ યોજના હેઠળ આવવા-જવાનું ભાડા પેટે મને રૂા.૩૦૦ ની સહાય પણ મળે છે. તે બદલ સરકારનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.

વાલીયા તાલુકાના સોડગામ ખાતે ઉત્કર્ષ પહેલ કાર્યક્રમ યોજાયો

વિધવા, વૃધ્ધો અને આયુષ્યમાન કાર્ડનો ૧૫૦ લાભાર્થીએ લાભ લીધો

વાલિયા તાલુકાના સોડગામ પ્રાથમિક શાળામાં ગઈકાલે ઉત્કર્ષ પહેલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે વાલિયા મામલતદાર નેહા સવાણી, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુભાઈ વસાવા, સોડગામના સરપંચ સર્જનબેન વસાવા, ડેપ્યુટી સરપંચ સુરેન્દ્રસિંહ વરાછીયા, ડીઓપી એસપી આર.બી.ઠાકોર, એસપીઓ ભરૂચ યોગેન્દ્ર રાઠોડ, સોડગામ પ્રાથમિક શાળાના આચાર્ય દિગ્વિજયસિંહ રણા, વાલિયા મામલતદાર કચેરીના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કોઈપણ ગરીબ માનવી યોજનાથી વંચિત ન રહે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરાહનીય કામગીરી થઇ રહી છે. વાલિયા મામલતદાર નેહા સવાણીએ જણાવ્યું હતું કે સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે એ માટે ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરીએ છીએ. લાભાર્થીઓને પોતાના ગામમાં પૂર્તતાના કાગળો આપવા માટે તંત્ર પ્રયત્નશીલ છીએ.

કાર્યક્રમ પ્રસંગે ગરીબ સોમીબેન વસાવાને વૃદ્ધ પેન્શન બદલીને વિધવા પેન્શનનું નિમણુંક પત્ર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અપાયો હતો. જેમાં આધારકાર્ડ લીંકઅપ-૧૬, IPPBIPPB A/c-૨૪, આધાર કાર્ડ અપડેટ્સ-૨૬, નવું આધારકાર્ડ-૦૨, આરડી એકાઉન્ટ-૦૫, એસબી-૦૪, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ-૦૨, રૂ.૨ લાખનો રૂરલ પોસ્ટલ વીમો-૦૧, રૂ.૧ લાખનો પોસ્ટલ વીમો-૦૨, ઈ-શ્રમ-૦૩, વિધવા અને વૃદ્ધાવસ્થા સહાય- ૩૬ તેમજ રૂ.૫ લાખ મેડીક્લેમ માટે આયુષ્યમાન કાર્ડ-૨૯ લાભાર્થીઓને લાભ મળ્યો છે. સવારે ૧૧થી સાંજે ૫ વાગ્યા સુધી મામલતદાર અને પોસ્ટનો સ્ટાફ તમામ લાભાર્થી માટે ઉપસ્થિત રહ્યા હતા.

આમોદના કાંકરિયા બાદ પુરસા ગામે ધર્મપરિવર્તનની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ

  • પુરસા ગામના 4 અને ભરૂચના મૌલવી સહિત 5 વિરુદ્ધ ગુનો નોંધાયો

આમોદ તાલુકાના કાંકરિયા ગામે હિન્દુ પરિવારોને ધાકધમકી અને લાલચો આપી ધર્મ પરિવર્તન કરવાનો કિસ્સા બાદ ત્યારે આમોદના જ પુરસા ગામે રહેતાં એક હિન્દુ વ્યક્તિને તારો ધર્મ બદલ નહીં તો ગામ છોડી દે તેવી ધમકીઓ આપી તેની પાસે બળજબરીપુર્વક મુસ્લિમ ધર્મ અંગિકાર કરાવ્યો હોવાની ઘટના બહાર આવી છે.

આ પહેલા આમોદ તાલુકામાં આવેલાં કાંકરિયા ગામે રહેતાં આદિવાસી પરિવારોને તેમની અજ્ઞાનતાનો લાભ ઉઠાવી, રોકડ તેમજ અન્ય સહાયની લાલચો આપી મુસ્લીમ ધર્મમાં ધર્મપરિવર્તન કરાવવાના મામલામાં ડિસેમ્બર મહિનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે મામલો હજી લોકોમાં તાજો છે.ત્યારે ફરી પુરસા ગામના એક શખ્સને ધાકધમકીથી ધર્મપરિવર્તન કરાવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમોદના પુરસા ગામે રહેતાં છગન રયજી પરમાર નામના ઇસમને 12થી 15 વર્ષ પહેલાં ગામમાં જ રહેતાં અનવરખા ઇબ્રાહિમખાં પઠાણ, ગેમલસંગ ભારતસંગ સિંધા, ઇમરાન નુરભા મલેક તેમજ જહાંગીર ગુલામ સરદાર મલેક નામના શખ્સોએ ધમકીઓ આપી હતી કે, ઇસ્લામ ધર્મ અંગિકાર કરો નહીં તો ગામ છોડી દો. જે બાદ ભરૂચના ભોલાવ ગામના મોલવીની મદદથી તેનું ધર્મપરિવર્તન કરાવી તેનું નામ અબ્દુલ રહેમાન પરમાર રાખ્યું હતું.

આ દરમિયાનમાં તે પુરસા ગામની મરીયમ મસ્જીદમાં કામ કરતો હતો. લાંબા સમયથી તે તેને બળજબરીપુર્વક ધર્મઅંગિકાર કરાવવાના મામલાથી ત્રસ્ત હતો. અરસામાં તેણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પાંચેય આરોપીઓ વિરૂદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

તહેવાર ટાંણે ભરૂચ 108 ઈમરજન્સી સેવાના 80 કર્મચારીઓ કાર્યસ્થળ પર જ રહીને ફરજ નિભાવશે

ભરૂચ 108 ઈમરજન્સી સેવા કોઈ પણ તહેવાર હોય કે પછી કોરના જેવી મોટી મહામારીનો સમય હોય ભરૂચ 108 ઈમરજન્સી સેવા હરહંમેશ લોકોના જીવ બચાવવા માટે તત્પર રહી છે. ખાસ કરીને હોળી અને ધૂળેટીના તહેવારની વાત કરીએ તો જ્યારે ભરૂચની જનતા હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવવા માટે મગ્ન હશે ત્યારે ભરૂચ 108 ઈમરજન્સી સેવાની 19 એમ્બ્યુલન્સ તેના 80 કર્મચારીઓ સાથે 24 કલાક દિવસ અને રાત લોકોની સેવા માટે ખડે પગે ઊભી રહેશે.

હોળી હોય કે દિવાળી તહેવારોમાં પણ 108 ઈમરજન્સી સેવામાં કાર્યકર્તા કર્મચારી મિત્રોએ રજા લીધા વિના પોતાના કાર્યસ્થળ પર જ હોળીનો તહેવાર ઉજવી વધુમાં વધુ લોકોનો જીવ બચાવવા માટે સંકલ્પ કર્યો છે. આવનારા બે દિવસમાં ભરૂચ જિલ્લામાં ઈમરજન્સીમાં 20થી 25 ટકાનો વધારો થવાની શકે તેમ છે. તેવી તમામ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ 108 ઈમરજન્સી સેવા હરહંમેશ ખડે પગે ઉભી રહી છે. ઉલ્લેખનીય છે કે આ અંગેની જાણકારી ભરૂચ 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે આપી હતી.

ભરૂચ જિલ્લા ભાજપે પત્રકારો સંગ હોળી પર્વની કરી ઉજવણી

ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા હોળી પર્વે પત્રકારો સાથે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયું હતું. જેમાં ધૂળેટીની આગોતરી ઉજવણી કરી રંગોમાં ભાજપના મહાનુભવો અને પત્રકારો ભીંજાયા હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા મોકલાયેલ હોળી પૂજન માટેની સામગ્રીનું વિતરણ પત્રકારોને કરાયું હતું.

ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી-ધુળેટી પર્વે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત કરાયો હતો. જેમા બાંધકમ સમિતિ અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, દિપકભાઈ મિસ્ત્રી, ઋષભ પટેલ, ભરત ચુડાસમા સહિત ઉપસ્થિત રહ્યાં હતાં. સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા દર વર્ષની જેમ હોળી પર્વે પૂજન સામગ્રીનું વિતરણ કરાયું હતું. અને સૌકોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવી પ્રતિકાત્મક હોળી રમવામાં આવી હતી.

હોળી-ધુળેટી પર્વે પત્રકારોને શુભેચ્છા સંદેશ વિડીયો કોલિંગના માધ્યમથી સાંસદ મનસુખભાઈ વસાવા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પાઠવ્યો હતો. તેઓ બન્ને મિટિંગ અને અન્ય કામગીરીને લઈ પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા.

ભરૂચ જિલ્લામાં શેરી નાટકોના માધ્યમથી ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અંગેની માહિતી અપાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-ભરૂચ ધ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં શેરી નાટકોના માધ્યમથી સ્વચ્છતા અંગેની માહિતી અપાઈ રહી છે. આ તબક્કે ગ્રામવાસીઓ ધ્વારા સ્વચ્છતા અંગે સામૂહિક શપથ પણ લેવામાં આવી રહ્યા છે.

એસ.બી.એમ. ગ્રામીણના જિલ્લા કો-ઓર્ડીનેટર દિપક જે. પટેલ તથા સ્વચ્છ ભારત મિશનના આઈ.સી.કન્સલટન્ટ જયેશ આર. પટેલ તથા તેમની ટીમ ધ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અંતર્ગત તમામ ગામોમાં ખુલ્લામાં શૌચક્રિયા મુક્તના દરજ્જાને કાયમી ધોરણે ટકાવી રાખવી અને લોકોના માનસિક વર્તણુંકો પર ધ્યાન કેન્દ્રિત કરવા તથા ઘનને પ્રવાહી કચરા વ્યવસ્થાપન, વ્યક્તિગત અને સામૂહિક શોકપીટ, પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ તથા સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ સુનિશ્ચિત કરવા શેરી નાટકોનું આયોજન કરી ગ્રામીણ લોકોમાં જાગૃત્તિ લાવવાનો સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા છિદ્રા ખાતે આંખ અને દાંતનો મફત કેમ્પ યોજાયો

સરકારના અન્ય વિભાગોને શીખ આપતો કાર્યક્રમ ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા  અનુપમ મિશન મોગરી ના સહયોગથી  નાયબ વનસંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિના પ્રયત્નોથી  મદદનીશ વનસંરક્ષક એ એલ પટેલની રાહબરી હેઠળ જંબુસર તાલુકાના છિદ્રા ગામે ગામ લોકોની સુખાકારી માટે દાંત તપાસ અને આંખોના નંબરનો નિશુલ્ક સારવાર  અને ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં આજુબાજુના ગ્રામજનોએ લાભ લીધો જેમાં  ૩૪૦ દ્રષ્ટિની તકલીફ વાળા વ્યક્તિઓને નિદાન કરી નિ શુલ્ક ચશ્માં વિતરણ કરાયું  જ્યારે દાંત વિભાગમાં ૮૬ દર્દીઓને તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી કેમ્પમાં હિસાબનીશ મહિપતસિંહ યાદવ જંબુસર રેન્જ સ્ટાફ સાથે અનુપમ મિશન મોગરી તબીબો સ્વયંસેવકોએ સેવાઓ આપી હતી

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

રાજ્ય કક્ષાએ પ્રાથમિક શાળા બાકરોલ કરશે ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ

તારીખ ૨૪.૦૨.૨૦૨૨, ગુરુવારના રોજ જિલ્લા કક્ષાની અંડર ૧૪ ગીત સ્પર્ધાનું આયોજન બી.આર.સી.ભવન ભરૂચ ખાતે કરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકામાંથી પ્રથમ ક્રમે આવેલા વિજેતા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો.

આ સ્પર્ધકોમાં અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા બાકરોલમાં અભ્યાસ કરતી સૌથી નાની વયની રાઠવા સ્મિતા સુંદરભાઈએ ખુબજ સુંદર દેશભક્તિ ગીત ગયું અને પ્રથમ ક્રમે આવી પ્રાથમિક શાળા બાકરોલ તથા અંકલેશ્વર તાલુકાનું નામ રોશન કર્યું હતું.  નિર્ણયક  તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચ દ્વારા બાળકીને તથા તેમના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા તથા રાજ્ય કક્ષા માટે શુભેચ્છાઓ પણ પાઠવવામા આવી. આ પરથી એવું સાબિત પણ થાય છે કે સંગીત ને ઉમર નો કોઈ બાધ નથી. હવે પછી રાજ્ય કક્ષાએ અંડર ૧૪ ની ગીત  સ્પર્ધામાં રાઠવા સ્મિતા સુંદરભાઈ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

error: Content is protected !!