ગુજરાત સરકાર કિડની રિસર્ચ સેન્ટર અમદાવાદના સહયોગથી રાજપીપલાના જનરલ હોસ્પિટલ ખાતે વધુ એક ડાયાલીસીસ મશીનની ફાળવણી કરવામાં આવી છે. હવે કુલ-૪ ડાયાલીસીસ મશીન ઉપલબ્ધ હોવાના લીધે કિડનીના વધુ દરદીઓને ડાયાલીસીસની સારવાર મળી રહેશે.
સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં એકમાત્ર જનરલ હોસ્પિટલ રાજપીપલામાં આવેલ છે. અહિંયા દુર-દુરના તમામ આદિવાસી વિસ્તારના ગરીબ દરદીઓ લાભ લેવા આવે છે. જનરલ હોસ્પિટલમાં વર્ષ-૨૦૧૪ થી હિમો ડાયાલીસીસ યુનિટ ચાલુ છે. જેનું ગુજરાત સરકાર અને કિડની રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા સંચાલન કરવામાં આવે છે. પહેલાં આ હિમો ડાયાલીસીસ સેન્ટરમાં ફક્ત-૩ મશીન કાર્યરત હતાં. ધીમે-ધીમે દરદીઓનો વધારો થતા અમારે મશીનની ડિમાન્ડ વધતા અમે સરકારમાં વધુ ડાયાલીસીસના મશીન ફાળવવાની રજૂઆત કરી હતી. જે સંદર્ભે તાત્કાલિક અમને મશીનની ફાળવણી કરાતાં અમે આજરોજ જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ સેન્ટરમાં મશીન ઇન્સ્ટોલ કરી શરૂ કરવામાં આવ્યું છે. અને એના પર આજે એક દરદી ડાયાલીસીસની સારવાર પણ લઇ રહ્યો છે. તાત્કાલિક મશીન ફાળવ્યાં બદલ ડૉ. ગુપ્તાએ સરકાર અને કિડની રિસર્ચ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.
જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ સેન્ટરમાં સારવાર લઇ રહેલાં શ્રી અશ્વિનકુમાર ભાનુભાઇ તડવીએ કહ્યું હતું કે, હાઇબીપી થવાને કારણે મારી બન્ને કિડની ફેલ થઇ ગઇ હતી. જેથી હું રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા પાંચ વર્ષથી ડાયાલીસીસની સારવાર કરાવું છું. સરકારશ્રી તથા ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત મને નિ:શૂલ્ક ડાયાલીસીસની સારવાર મળી રહી છે. તેનાથી મારો મોટો એવો ખર્ચ બચી જાય છે. મારી પાસે મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડ હોવાથી આ યોજના હેઠળ આવવા-જવાનું ભાડા પેટે મને રૂા.૩૦૦ ની સહાય પણ મળે છે. તે બદલ સરકારનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.