સદનસીબે કોઇ જાનહાની ન થતા હાશકારો
જૂના ભરૂચના લાલભાઇની પાટ વિસ્તારમાં એક મકાનના રસોડાનો ભાગ અચાનક ધડાકાભેર તુટી પડવાની ધટના બનવા પામી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાન હાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
લલ્લુભાઇ ચકલા નજીક આવેલ લાલભાઇ પાટ વિસ્તારમાં સહજાનંદ ડેરીની સામે આવેલ સાંકડી ગલીમાં સી-૬૪૯માં પરિવાર સાથે ૮૦ વર્ષ જૂની મિલ્કતમાં રહેતા નિતેષભાઇ શાંતિલાલ રાણાના મકાનમાં સાંજે ૭.૩૦ની આસપાસ અચાનક રસોડાનો મોભ ફાટી છત ધરાશાયી થતા નાસભાગ મચવા પામી હતી.આ ઘટનામાં રસોડામાં કામ કરતી બે મહીલાઓને હેમેખેમ બહાર કાઢી લેવાઇ હતી. પરંતુ રસોડાના સામાનને નુકશાન થવા પામ્યું હતું. જો કે કોઇ જાનહાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા સાથે ફાયર વિભાગને કરાતા ફાયર લાશ્કરો પણ દોડી આવ્યા હતા.