- પુરસા ગામના 4 અને ભરૂચના મૌલવી સહિત 5 વિરુદ્ધ ગુનો નોંધાયો
આમોદ તાલુકાના કાંકરિયા ગામે હિન્દુ પરિવારોને ધાકધમકી અને લાલચો આપી ધર્મ પરિવર્તન કરવાનો કિસ્સા બાદ ત્યારે આમોદના જ પુરસા ગામે રહેતાં એક હિન્દુ વ્યક્તિને તારો ધર્મ બદલ નહીં તો ગામ છોડી દે તેવી ધમકીઓ આપી તેની પાસે બળજબરીપુર્વક મુસ્લિમ ધર્મ અંગિકાર કરાવ્યો હોવાની ઘટના બહાર આવી છે.
આ પહેલા આમોદ તાલુકામાં આવેલાં કાંકરિયા ગામે રહેતાં આદિવાસી પરિવારોને તેમની અજ્ઞાનતાનો લાભ ઉઠાવી, રોકડ તેમજ અન્ય સહાયની લાલચો આપી મુસ્લીમ ધર્મમાં ધર્મપરિવર્તન કરાવવાના મામલામાં ડિસેમ્બર મહિનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે મામલો હજી લોકોમાં તાજો છે.ત્યારે ફરી પુરસા ગામના એક શખ્સને ધાકધમકીથી ધર્મપરિવર્તન કરાવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમોદના પુરસા ગામે રહેતાં છગન રયજી પરમાર નામના ઇસમને 12થી 15 વર્ષ પહેલાં ગામમાં જ રહેતાં અનવરખા ઇબ્રાહિમખાં પઠાણ, ગેમલસંગ ભારતસંગ સિંધા, ઇમરાન નુરભા મલેક તેમજ જહાંગીર ગુલામ સરદાર મલેક નામના શખ્સોએ ધમકીઓ આપી હતી કે, ઇસ્લામ ધર્મ અંગિકાર કરો નહીં તો ગામ છોડી દો. જે બાદ ભરૂચના ભોલાવ ગામના મોલવીની મદદથી તેનું ધર્મપરિવર્તન કરાવી તેનું નામ અબ્દુલ રહેમાન પરમાર રાખ્યું હતું.
આ દરમિયાનમાં તે પુરસા ગામની મરીયમ મસ્જીદમાં કામ કરતો હતો. લાંબા સમયથી તે તેને બળજબરીપુર્વક ધર્મઅંગિકાર કરાવવાના મામલાથી ત્રસ્ત હતો. અરસામાં તેણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પાંચેય આરોપીઓ વિરૂદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.