ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા હોળી પર્વે પત્રકારો સાથે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયું હતું. જેમાં ધૂળેટીની આગોતરી ઉજવણી કરી રંગોમાં ભાજપના મહાનુભવો અને પત્રકારો ભીંજાયા હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા મોકલાયેલ હોળી પૂજન માટેની સામગ્રીનું વિતરણ પત્રકારોને કરાયું હતું.
ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી-ધુળેટી પર્વે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત કરાયો હતો. જેમા બાંધકમ સમિતિ અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, દિપકભાઈ મિસ્ત્રી, ઋષભ પટેલ, ભરત ચુડાસમા સહિત ઉપસ્થિત રહ્યાં હતાં. સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા દર વર્ષની જેમ હોળી પર્વે પૂજન સામગ્રીનું વિતરણ કરાયું હતું. અને સૌકોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવી પ્રતિકાત્મક હોળી રમવામાં આવી હતી.
હોળી-ધુળેટી પર્વે પત્રકારોને શુભેચ્છા સંદેશ વિડીયો કોલિંગના માધ્યમથી સાંસદ મનસુખભાઈ વસાવા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પાઠવ્યો હતો. તેઓ બન્ને મિટિંગ અને અન્ય કામગીરીને લઈ પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા.