ભરૂચ 108 ઈમરજન્સી સેવા કોઈ પણ તહેવાર હોય કે પછી કોરના જેવી મોટી મહામારીનો સમય હોય ભરૂચ 108 ઈમરજન્સી સેવા હરહંમેશ લોકોના જીવ બચાવવા માટે તત્પર રહી છે. ખાસ કરીને હોળી અને ધૂળેટીના તહેવારની વાત કરીએ તો જ્યારે ભરૂચની જનતા હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવવા માટે મગ્ન હશે ત્યારે ભરૂચ 108 ઈમરજન્સી સેવાની 19 એમ્બ્યુલન્સ તેના 80 કર્મચારીઓ સાથે 24 કલાક દિવસ અને રાત લોકોની સેવા માટે ખડે પગે ઊભી રહેશે.
હોળી હોય કે દિવાળી તહેવારોમાં પણ 108 ઈમરજન્સી સેવામાં કાર્યકર્તા કર્મચારી મિત્રોએ રજા લીધા વિના પોતાના કાર્યસ્થળ પર જ હોળીનો તહેવાર ઉજવી વધુમાં વધુ લોકોનો જીવ બચાવવા માટે સંકલ્પ કર્યો છે. આવનારા બે દિવસમાં ભરૂચ જિલ્લામાં ઈમરજન્સીમાં 20થી 25 ટકાનો વધારો થવાની શકે તેમ છે. તેવી તમામ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ 108 ઈમરજન્સી સેવા હરહંમેશ ખડે પગે ઉભી રહી છે. ઉલ્લેખનીય છે કે આ અંગેની જાણકારી ભરૂચ 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે આપી હતી.