આદિવાસી સમાજના વડીલોની માન્યતા મુજબ હોળીની આસ્થા દેવમોગરા માતાજીના મેળા સમાપ્તિ સાથે જોડાયેલી છે. શિવરાત્રીના ત્રીજા દિવસ એટલે કે ગીંબદેવના દિવસે થી મોટાભાગના ઘેરૈયાઓ પોત પોતાના કપડા જાતે ધોવે છે, જે દિવસથી ઘેરૈયા પૂર્વ તૈયારી કરે છે ત્યારથી મોટે ભાગે પોતાના ઘરે જતા નથી, એટલે કે બ્રહ્મચારી જીવન વિતાવે છે, ઘેરૈયા બનવાની નિશાની તરીકે વાંસની સોટી રાખે છે, માથે મોટો રૂમાલ બાંધે છે, સતત પંદર દિવસનું બ્રહ્મચારી જીવન દરમિયાન ચણાની કોઈ પણ પ્રકારની વાનગી ખાતા નથી.
હોળી માતાને ચઢાવાતો પૂજાપો જેવો કે કંકુ, દાળિયા, ખજૂર, કોપરા અને અન્ય વસ્તુઓ ખાવાનું તો ઠીક અડકતા પણ નથી, સાચા ઘેરૈયા તરીકે પગમાં ચંપલ કે બુટ પહેરતા નથી, હાથમાં એક પ્રકારનું વાદ્ય (રીહટીયું) રાખે છે, જેના દ્વારા હોળીના ગીતો વગાડે છે.હોળીના દિવસે બધા ઘેરૈયા ઉપવાસ રાખે છે, પોતાનો સામાન્ય એટલે કે ઘૂઘરા, મોરના પીછાની ચમરી, કોપરામાં રાખેલ હારડો, અરીસો અને અન્ય શણગાર તૈયાર રાખીને સાંજની હોળીની તૈયારીમાં લાગી જાય છે. રાત્રે હોળી માતાની પૂજા થાય છે. બધા ઘેરૈયા હોળી માતાની પૂજા કરે છે, પોતપોતાના શણગાર સજી ધજી ને લાલ કલરનું ધોતિયું, બંડી પહેરીને હોળીમાં જાય છે. ખરેખર નું બ્રહ્મચર્યની સાબિતી રૂપે હોળીની આગમાં કૂદકો મારે છે, પ્રદક્ષિણા કરે છે હોળી માતાના આશીર્વાદરૂપે એમને પગમાં કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી. આ વિધિ પતી ગયા બાદ બધા ઘેરૈયા સાથે ઉપવાસ છોડે છે. સતત પાંચમ સુધી આજુબાજુના ગામડાઓમાં ફરીને ગેર ઉઘરાવે છે અને પાંચમના દિવસે હોળીમાતાની પૂર્ણાહૂતી કરે છે.
એક માન્યતા પ્રમાણે કુદરતી આખા વર્ષ દરમિયાન જે સાચવ્યા છે જે અનાજ આપ્યું છે, તેના બદલામાં કુદરતનો આભાર માનવા માટે આદિવાસીઓ આ પ્રકારની હોળીની ઉજવણી કરે છે. આદિવાસીઓની કુદરત સાથે આસ્થા જોડાયેલી છે કુદરત માંથી મેળવવું અને એમાંથી કુદરતને આપવું એટલે આદિવાસીઓના તહેવારો.વતનથી હજારો માઈલ દૂર રોજીરોટી માટે જતા આદિવાસીઓ હોળીના પર્વ ટાણે તમામ કામોને પડતા મૂકી વતનની વાટ પકડતા હોય છે. જ્યાં તેઓ કુદરતના ખોળે હોળીના ફાગ ગાઇ અને દેશી વાજિંત્રોના તાલે રાતભર નાચગાન કરીને પર્વની અનેરી ઉજવણીનો લાભ ઉઠાવતા હોય છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા