The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 196

ભરૂચ : હવે રોટરી કલબ દ્વારા કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર અને કોન્સટ્રેટર ઓક્સિજન મશીનની સેવા થશે ઉપલબ્ધ

  • વિના મુલ્યે સેવા અપાશે
  • દંડક દુષ્યંત પટેલના હસ્તે રીબીન કટિંગ કરી ઉદ્ધઘાટન કરાયું

 

ભરૂચ શહેર અને જિલ્લામાં લોકસેવા માટે હમેશા તત્પર રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા કોરોના મહામારીમાં શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી છે. અગાઉ વિના મૂલ્યે રસીકરણ, માસ્ક, દવા અને કીટ સહિતની સેવા પૂરી પાડવામાં આવી હતી. જે બાદ હાલ કોરોનાની ત્રીજી લહેરમાં રોટરી કલબ ઓફ ભરૂચ એકવાર ફરી આગળ આવ્યું છે.

આજરોજ રોટરી ક્લબના હોલ ખાતે વિનામૂલ્યે કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર અને કોન્સટ્રેટર ઓક્સિજન મશીન આપવામાં આવ્યું હતું. આ સેવાનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રીબીન કટિંગ કરી ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી કલબના પ્રમુખ ડો.વિક્રમસિંગ પ્રેમકુમાર,અનિશ પરિક અને સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ : લાલ બજાર ખાડી વિસ્તારમાં ગંદકીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ

ભરૂચના લાલ બજાર ખાડી વિસ્તારમાં સાફ-સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયુ છે. આ વિસ્તારના નાળામાં એકત્રિત થયેલા દૂષિત પાણી અને કચરાના ઢગલાને પગલે સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.

ભરૂચ શહેરના લાલ બજાર ખાડી વિસ્તારના સ્થાનિકો મુખ્ય માર્ગની બાજુમાં આવેલા નાળામાં એકત્રિત થયેલા દૂષિત પાણી અને કચરાના ઢગલા તેમજ ગંદકીના સામ્રાજ્યને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

જોકે, ૪ વાર રજૂઆત કરાયા તેમ છતાં હજુ આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી. આ રજૂઆતને પગલે તંત્ર દ્વારા માત્ર એકવાર સાફ-સફાઈ કરવામાં આવી છે. નાળામાં જ્યાં દૂષિત પાણી ભરાયું છે ત્યા પશુઓ અને રાહદારીઓ પડી જતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. સાથે સાથે આ માર્ગ ઉપરથી શાળાના બાળકોની અવર જવર હોવાથી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા રહેલી હોવાથી તંત્ર દ્વારા વહેલી તકે સાફ-સફાઈ કરાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રાષ્ટ્રિય દિકરી દિવસની કરાઇ ઉજવણી

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મધ્યસ્થ ખંડમાં આઝાદીકાં અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રિય દિકરી દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ અને આ સંસ્થાનના બોર્ડ મેમ્બર ભરૂચ જિલ્લા મહિલા મોરચાનાં ઉપપ્રમુખ ઇન્દિરાબેન રાજના અધ્યક્ષ પદે કરવામાં આવી.

કાર્યક્રમની શુભ શરૂઆત જે.એસ.એસની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન આપતા નિયામક ઝયનુલ સૈયદે સૌને જણાવ્યું કે, આ સંસ્થાન ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વ્યવસાયિક તાલીમ સાથે અનેક પ્રકારનાં જાગૃતિનાં કાર્યક્રમો યોજે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઘણાં કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં સંસ્થાએ ૨૬ કાર્યક્રમો પૂર્ણ કરી આજનો કાર્યક્રમ પણ તે થકી જ ઉજવીએ છીએ. દિકરીઓને માન-સન્માન મળે પ્રોત્સાહન મળે તેમનાં પ્રશ્નોનાં નિરાકરણમાં સરળતા રહે તે થકી આપણે જાગૃતિનાં કાર્યક્રમો અવારનવાર યોજીએ છીએ. આ કાર્યક્રમમાં ચિત્ર હરિફાઇ યોજાઇ. પ્રથમ દ્વિતીય, તૃતીય ને પ્રમાણપત્ર ટ્રોફીથી સન્માનિત કરાયા.

પ્રાસંગીક પ્રવચન આપતા સખી વન સ્ટોપ સેન્ટરનાં જર્હાન્વીબેન દર્શને જણાવ્યું કે, આપણે દિકરી દિવસ કેમ ઉજવવો પડે છે. દિકરીઓ તો શશકત છે જે આપણે આજે તેને ગુલાબ આપીએ છીએ તો હું એમ કહું છું કે, દિકરીઓએ ગુલાબ સાથે કાંટો પણ બનાવવાનું છે. તેમણે વિવિધ પ્રકારની થતી હિંસા હેરાનગતિ સામે અવાજ ઉઠાવવો પડશે. આજે પણ દિકરીઓ વિવિધ પ્રકારની હિંસાઓથી ઘેરાયેલી છે. આ માટે સખી વન સ્ટોપ સેન્ટર થકી લાભ લેવાનું સુચવ્યું. જેની સ્થાપના

૨૦૧૫માં દિકરી નિર્ભયાકાંડ પછી થઇ છે. જે ૨૪ કલાક કાર્યરત છે મહિલાઓને આશ્રય આપે છે. સહાય આપે છે. તેમણે વિવિધ દાખલા ટાંકી દિકરીઓને જાગૃત થવા સાસુ સસરાની સેવા કરવા ઘરને ઘર બનાવવાનું છે. આજે શશકિતકરણની જરૂર પુરૂષોને છે મહિલાઓને નથી. પતિ-પત્નીએ સુમેળભર્યા વાતાવરણથી એકબીજાની ફરજ જાણી ઘર સંસાર ચલાવવાનો છે જેથી કરીને સખી સેન્ટરોની જરૂર ન પડે તેમણે કહયુ કે દિકરીઓના દિવસ નહિં જમાના હોય છે. પૂર્વ શિક્ષણનિરીક્ષક અને કવિ તથા બોર્ડ સભ્ય કે.કે.રોહિતે કવિની અદામાં પોતાની ચાર દિકરીઓનાં ગુણગાન થકી સાચા-ખોટાનો ભેદ વર્ણવ્યો હતો. તેમણે દિકરા સાથે દિકરીઓને આહવાન કર્યું કે કોઇપણ વાતે અડગ રહેવું તેમણે જણાવ્યું કે કદમ સ્થીર હોય તો રસ્તો નથી નડતો.

દિકરીનો વહાલ મા બાપનાં હૈયે હોય છે. દિકરી સાડી પહેરી સાસરે જાય ત્યારે ફ્રોક દિવાલે ટીંગાળી જાય છે જેથી તેનાં વગર મા-બાપને ઘરવાળાને શૂન્ય અવકાશ જેવું ન લાગે. આજે જ દિકરીઓને ભણાવતા નથી તેમને તે ગમતાં નથી. આજે દિકરીઓ સમશાનમાં પિતાને અગ્નિદાહ આપી દિકરીઓની વાતનું ખંડન કરતી થઇ છે. દિકરી પણ દિકરા સમાન છે. દરેક દિકરીમાં કેળવણી, જાગૃતિ સાહસ અને સચ્ચાઇ હોવી જરૂરી છે.

લીડબેન્કનાં મેનેજર જે.એસ.પરમારે આવા દિવસો ઉજવવા પાછળ સરકારનો જન સમુદાયમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. તેમણે બુર્ઝખલીફા દુબઇની ભવ્ય ઇમારત એક મજબૂત પાયા ઉપર ઉભેલી છે તો દિકરી પણ ઘરનો એક પાયો જ છે. તેના થકી મજબૂત સંસાર રચી શકે છે. તેમણે ગુજરાતની સુનિતા વિલયમ્સનો દાખલો પ્રસ્તૃત કર્યો હતો. જયારે મુન્શી સકૂલનાં આચાર્યા જેનબબેન પટેલે દરેક દિકરીને પોતાનાં વિચારો મંતવ્ય, તેમનુ થતુ શોષણ જેવી બાબતો અંગે પોતાના પિતા-વાલી સાથે શેર કરતા રહેવાની હાકલ કરી હતી.

આ પ્રસંગે ભરૂચ મહાત્મા ગાંધી નેશનલ ફેલોશીપનાં સભ્ય નિરવ સાંચણીયાએ  જણાવ્યું કે, દિકરીનો જણાવ્યું કે ૧થી ૧૦ ધોરણમાં પ્રથમ નંબરે પાસ, સિવિલ એન્જીન્યરીંગ અભ્યાસ, ફેશન ડિઝાઇનીંગ જેવી તાલીમ લઇ સેલ્ફ એમ્પલોઇડ થઇ તેનો ઉલ્લેખ કર્યો આજે એવા પણ દિકરા છે કે પોતાના મા-બાપને વૃધાશ્રમમાં મોકલી તેની ખબરઅંતર પણ લેવા જતા નથી દિકરી ઘડપણ તારે છે અને સાસરૂ પણ તારે છે. કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ મલેક અજમીના, અંજલીબેન સોલંકી અને અલીસા મસાલાવાલાને ટ્રોફી તથા પ્રમાણપત્ર મહાનુભાવોને હસ્તે અર્પણ કરાયા હતા અંતે રિસોર્સ પર્સન ક્રિષ્ણાબેન કથોલીયા દ્વારા આભાર દર્શન કરી સમુહમાં રાષ્ટ્રગાન ગાઇને કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન અને નહેરૂ યુવા કેંદ્ર ભરૂચ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અને સ્વામિ વિવેકાનંદ યુવા સપ્તાહ હેઠળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને યુવાવસ્થામાં પોતાના યોગદાનને ઉજાગર કરવા “ભારતના નવ નિર્માણમાં યુવાનોનું યોગદાન” વિષય અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનાં વિચારો રજુ કર્યા હતા.

વિવેકાનંદ યુવા સપ્તાહની પૂર્ણાહૂતી પ્રસંગે આયોજીત સ્પર્ધામાં વિજેતા તરીકે પ્રથમ ક્રમે સૈયદ ઝુલ્ફીયાબેગમ ફઝલુદીન, દ્વિતીય ક્રમે સોલંકી અંજલી નિમેષભાઈ અને તુતીય ક્રમે આવનાર બારદાનવાલા ફાતીમા અબ્દુલ અઝીઝને જન શિક્ષણ સંસ્થાનનાં નિયામક ઝયનુલ સૈયદ તથા નેહરૂ યુવા કેંન્દ્ર ભરૂચના ડોલીબેનનાં વરદ હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હત્તા.

આ પ્રસંગે સંસ્થાનનાં રિસોર્સ પર્સન ગીતાબેન સોલંકી, ક્રિષ્ણાબેન ક્થોલીયા, અર્પિતાબેન રાણા વગેરે ઉપસ્થિત રહયા હતા અને પ્રાસંગીક પ્રવચનમાં સ્વામિ વિવેકાનંદનાં જીવન ચરીત્ર ઉપર પ્રકાશ પાડયો હતો. સંસ્થા તરફથી સૌ તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનુ સફળ સંચાલન તથા આભારવિધી લાઈવલી હૂડ કો.ઓર્ડિનેટર શિતલબેન ભરૂચા દ્વારા કરવામાં આવ્યા હતા.

ભરૂચ: સરદારબ્રિજથી ટોલટેક્ષ સુધી ચાલતી કામગીરીના પગલે હવે રાતે જ નહીં દિવસે પણ ચક્કાજામની સ્થીતી

ભરૂચ હાઇવે કાયમ માટે હાજરો વાહનોચાલકો માટે શિરદર્દ સમાન રહ્યો છે. કેબલબ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ પણ હાઇવે ઉપર લાગતી કતારોનો કાયમી અંત આવી શક્યો નથી.હાલ સરદારબ્રિજથી મુલદ ટોલટેક્સ સુધી એક કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગના રસ્તાનું નવીનીકરણ અને 8 માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે આ કામગીરી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી રાતે વાહનોની કતારો જામી રહી હતી. હવે દિવસે પણ ટોલટેક્સથી લઈ નર્મદા ચોકડી સુધી વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેવું પડે છે. ભરૂચ સરદારબ્રિજથી ટોલટેક્સ સુધી એક કિલોમીટર લાંબા માર્ગનું નવીનીકરણ અને 8 લેન કરવાની કામગીરીને લઈ હાલ ચક્કાજામ સર્જાઈ રહ્યો છે.

નોંધનીય છે કે ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટ્રાફિકજામની સર્જાતી સમસ્યાનું નિવારણ લાવવા તાજેતરમાં જ રાજ્યના માર્ગ પરિવહન મંત્રી પુર્ણેશ મોદીએ મુલાકાત લીધી હતી. જેમાં સરદારબ્રિજથી મુલદ ટોલટેક્સ સુધીના એક કિલોમીટરના માર્ગને આરસીસીનો બનાવવા અને 8 લેન ઉભી કરવાની કવાયત હાથ ધરાઈ હતી. જેની હાલ ચાલી રહેલી કામગીરીને લઈ વડોદરાથી સુરત જતી લેનમાં ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે. ટોલટેક્સથી લઈ વાહનોની કતારો રોજ રાતે નર્મદા ફ્લાયઓવર સુધી ખડકાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ભરૂચ જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે તંત્ર સજ્જ

ભરૂચ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મકકમતાથી સામનો કરવા માટે તંત્ર સુસજજ બન્યો છે. જિલ્લા વહિવટી તંત્ર ધ્વારા જિલ્લાના નાગરિકોને રક્ષણ પુરૂ પાડવાના પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે.એવા સમયે જિલ્લા વહીવટીતંત્રએ કોરોના સંક્રમણને અટકાવવા યોજનાબધ્ધ ત્વરિત અને અસરકારક પગલાં લીધા છે.

કોરોનાગ્રસ્તોને અસરકારક આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના અસરકારક માર્ગદર્શન હેઠળ પ્રભારી સચિવ શ્રીમતિ શાહમીના હુસેન, જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાવાસીઓના આરોગ્યની જાળવણી માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોવીડ-૧૯ ત્રીજા વેવની તૈયારી અન્વયે જિલ્લાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવીડ દર્દીઓને ઓક્સીજનની અછત ઊભી ન થાય તે માટે ૧૭ PSA plant કાર્યરત કરવામાં આવ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સીજન બેડ માટે ૨૨૯ ઓક્સીજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા છે .

ભરૂચ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને કુલ ૨૨૯૭ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જેમાં ૧૩૭૮ બેડ ઓક્સીજન ફેસીલીટી તથા ૧૦ બેડ વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ધરાવે છે. તેમજ બાળકોની સારવાર માટે ૯૦ જેટલા બેડ જેમાં ૮૦ ઓકસિજન બેડ અને ૧૦ જેટલા આઇ.સી.યુ.બેડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે.

જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગનેટેડ હોસ્પિટલો તરીકે જાહેર કરી કોરોનાના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઉચિત વ્યવસ્થા કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાની કોવીડ હોસ્પીટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, ફિજીશ્યન, મેડીકલ ઓફીસર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશયન વગેરે સરકારી હોસ્પીટલ અને ખાનગી હોસ્પીટલ ખાતે ઉપલબ્ધ છે.

ભરૂચ જિલ્લામાં કોવીડ-૧૯ ત્રીજા વેવની તૈયારી અન્વયે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા અને જેઓને ઘરે હોમ આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં દર્દીઓને વિના મૂલ્યે દવા, ચા, નાસ્તો તેમજ ભોજનની સુવિધા પૂરી પાડવાનું આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં કોરોના સામે લડવા ટેસ્ટીગ, ટ્રેસીગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૧ ધન્વંતરી રથોના માધ્યમથી ઘર સારવાર લેતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ દ્વારા આર્યુવેદિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના ટેસ્ટીગ માટે જિલ્લામાં ૭૮ જેટલા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે, તેની સાથે કોવિડ કેસોમાં વધારો થાય તો નાગરિકોને ઝડપથી સઘન સારવાર ઉપલબ્ધ બનાવી શકાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પુરતી તૈયારી પણ કરવામાં આવી છે. કોવીડ-૧૯ ત્રીજા વેવની તૈયારીનાં ભાગરૂપે આરોગ્ય કર્મીઓની ટીમ ધ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહયો છે.

કોરોના વાઇરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેકસીનની રસી જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. ત્યારે જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે તે જરૂરી છે. ભરૂચ જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રીમ હરોળના કોરોના વોરિયર, ૪૫ + તેમજ ૬૦ વર્ષથી વય ધરાવતા નાગરિકોનું રસીકરણ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવ્યું છે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં રસીકરણની મેગાડ્રાઇવ અભિયાનને સુંદર પ્રતિસાદ મળયો છે.જેમાં ભરૂચ જિલ્લામાં ૧૮ થી ૪૪ વર્ષ અને ૪૫ થી વધુ ઉંમરના લોકોની રસીકરણની કામગીરી પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકાની પૂર્ણ કરી છે. જેમાં પ્રથમ ડોઝમાં ૧૩૮૫૧૪૩ લોકોએ અને બીજા ડોઝમાં ૧૨૩૧૨૮૧ લોકોએ રસી લીધી છે. મહાઅભિયાનને સફળ બનાવવા આરોગ્ય વિભાગના અધિકારીગણ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીગણ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે.

કોરોના મુકત ગુજરાતના સંકલ્પ સાથે રાજય સરકારે મહત્તમ વેકિસનેશનનું લક્ષ સેવ્યું છે. તા.૩જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૭ વર્ષના કિશોરો માટે કોરોના પ્રતિરોધક વેકિસનેશન ડ્રાઇવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં અંદાજીત ૯૧૨૪૬ ના લક્ષ્યાંક સામે તા.૧૭/૦૧/૨૦૨૨ સુધીમાં ૪૮૯૦૪ કિશોર-કિશોરીઓ વેકિસન લીધી હતી. વિધાર્થીઓમાં રસી મુકાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળયો હતો. બાકી યુવાઓના વેક્સીનેશનની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં જ પૂર્ણ કરાશે.
તેજ રીતે ભરૂચ જિલ્લામાં હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને અન્ય બિમારીઓ ધરાવતા ૬૦ કે તેથી વધુ ઉંમરના ૨૫૦૦૦ લોકોને કોરોના રસીનો પ્રિકોશન ડોઝ મેળવવા પાત્ર છે. જેની સામે તા.૧૭/૦૧/૨૦૨૨ સુધીમાં ૧૩૯૮૦ લોકોએ પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો. આમ રસી લેવાની બાબતમાં વડીલો વધુ ઉત્સાહી જણાયા હતા. તા.૧૭/૦૧/૨૦૨૨ સુધીમાં જિલ્લામાં પહેલો અથવા બંને ડોઝ તેમજ પ્રિકોશન ડોઝની રસી લેનારાઓની કુલ સંખ્યા ૨૬૩૬૫૧૦ થઇ છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના ત્રીજા લહેરને અનુલક્ષીને સાવચેતીના ભાગરૂપે તાજેતરમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઇ ઓક્સિજન પ્લાન્ટ, કોવિડ વોર્ડ સહિતની આરોગ્યલક્ષી સેવાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી સીવીલ હોસ્પિટલના અધિકારીઓને સ્થળ ઉપર જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.

જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ અને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે. તેમણે લોકોને કોરોનાના લક્ષણો જણાય તો તત્કાલ ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા પણ જણાવ્યું છે.

ભરૂચઃ દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમિક કાર્ડનું કરાયું વિતરણ

આજના દોડઘામભર્યા-આધુનિક ઝડપી જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખુબ જ અગત્યનું છે,વ્યકિત પોતે જાગૃત બને, પરિવાર જાગૃત બને તો આરોગ્યલક્ષી અનેક ફાયદાઓ મેળવી શકાય છે, નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજય સરકારના સરાહનીય પ્રયાસો છે.

ત્યારે ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનાસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ બંટી વણકરના સહયોગથી વોર્ડ નંબરઃ ૩,૫, અને ૭ના તમામ નગરસેવકોના પ્રયાસો વડે તૈયાર થયેલા ૧૨૦૧ જેટલા આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમિક કાર્ડનું વિતરણ ઉકત વોર્ડના નગરસેવકોને કરવામાં આવ્યું હતું. નગરસેવકો ધ્વારા જે તે લાભાર્થી સુધી પહોંચી કાર્ડનું વિતરણ કરશે.

આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે ગુજરાત રાજય સરકાર ધ્વારા જનજનના સ્વાસ્થયની ચિંતા કરીને તેઓની સુખાકારી માટે અનેક યોજનાઓ બનાવી છે.આયુષ્યમાન કાર્ડ અનેક ઘરનો દિકરો સાબિત થયો છે.રાજય સરકાર નાગરિકોના આરોગ્ય અને જનસુખાકારી માટે સતત કાર્યરત છે.તેમણે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપી જેનો મહત્તમ લાભ લેવાની હિમાયત કરી હતી. આ વેળાએ ઉકત વોર્ડના નગરસેવકો ઉપસ્થિત રહયા હતા.

ભરૂચઃએમિટી હાઈસ્કૂલ ભરૂચનો વિધાર્થી રાષ્ટ્રીયકક્ષાની તબલા વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે

દેશના બાળકોમાં રહેલી કલા વિષયક સુસુપ્ત શકિતઓને જાગૃત કરવા તથા બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર વર્ષે એન.સી.ઈ.આર.ટી. દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. કલા ઉત્સવએ ભારત સરકારની એવી પહેલ છે કે જેના ઉદ્દેશ માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓમાં રહેલી કલાની પ્રતિભાને ઓળખી તેને પ્રોત્સાહિત કરી શિક્ષણમાં કલાનું મહત્વ વધારવાનો છે. જેમાં એમિટી શાળાના વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રીયકક્ષા સુધી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું.

સમગ્ર ગુજરાત તથા ભરૂચ જિલ્લા માટે ગૌરવ અપાવે તેવી ઘટના તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ બની. જેમાં ઍમિટી શાળાના ધોરણ-૧૦ (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થી વશિષ્ઠ દેવેશભાઈ દવેએ કલા મહોત્સવમાં ‘વાધસંગીત – કલાસીક્લ’ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

વશિષ્ઠ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધી બદલ ભરૂચ જિલ્લાનું કલા જગત અને જિલ્લા શિક્ષણાધિકારી એન. એમ. મહેતાએ વશિષ્ઠને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

ભરૂચ : નંદેલાવની મલ્હાર ગ્રીન સોસાયટીમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર નહિ થતાં RTIએક્ટિવિસ્ટ લાલાઘુમ

•બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ થયેલ મિલકત ખરીદનાર વિમાસણમાં મુકાયા

ભરૂચ તાલુકાના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં સર્વે નં. ૧૨૭/૧ માં બનેલ મલ્હાર ગ્રીન સીટી સોસાયટીમાં ૫૫ યુનિટ બાંધકામની બોડા( ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી) દ્વારા પરવાનગી આપવામાં આવી છે. ત્યારે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ રાજેશ પંડિત દ્વારા યોજાયેલ પ્રેસ કોંફરન્સ દરમિયાન માહિતી આપી હતી કે મલ્હાર ગ્રીન સીટીમાં બોડા દ્વારા મંજુર કરવામાં આવેલ નકશા મુજબ બાંધકામ થયું છે કે નહીં તે માટે અઢી વર્ષ પૂર્વે માહિતી માંગી હતી જેમાં ખુલાસા થયો હતો કે સર્વે નં. ૧૨૭/૧ માં કોમનપ્લોટની જગ્યામાં બિલ્ડર દ્વારા બોડા દ્વારા મળેલ પરવાનગીની ઉપરવટ જઈ ૧૫ થી વધુ યુનિટોનું બાંધકામ થયેલ છે. જેથી અરજદારની અરજી અને પુરાવાને ધ્યાને લઇ બોડા અધિકારી બિપિન ગામીતે બિલ્ડરને તા.૨૭.૧૦.૨૦૨૧ ના રોજ નોટિસ પાઠવી બનેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કરવા જણાવ્યું હતું.

પણ બિલ્ડર દ્વારા આજદિન સુધી બાંધકામ દૂર નહિ કરતાં તેમજ બોડા કચેરી દ્વારા સમય પસાર કરી બિલ્ડરને રાહત આપતા હોય તેમ દેખાઈ આવે છે. જેથી આવા ગેરકાયદેસર બાંધકામ બોડા કચેરીના અધિકારી જાતે જ ગેરકાયદેસર બાંધકામ તત્કાલિક ધોરણે દૂર કરી અરજદારને ન્યાય આપવામાં આવે તેમ જણાવ્યું હતું. તેમજ બોડા અધિકારીને ખુલ્લી ચેલેન્જ આપી જણાવ્યું હતું કે ભરૂચમાં ગેરકાયદેસર બાંધકામ અસંખ્ય છે જેના રોડ રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ થવા માટે જવાબદાર છે. જેથી અધિકારી પોતાની જવાબદારી સ્વીકારી ગેરકાયદેસર બાંધકામને અટકાવે અને થયેલ દબાણોને દૂર કરી ભરૂચની જનતાને ન્યાય આપેની માંગ પણ કરાઇ હતી.

ભરૂચ : પોલીસકર્મીએ રીક્ષાચાલકને મારમારતા થઇ પોલીસ ફરીયાદ

•ભરૂચ બી-ડિવિઝન બે લગામ પોલીસકર્મીનો પિત્તો જતા રીક્ષા ચાલક પર પોલીસ સ્ટેશનમાં ઢસડી જઈ કર્યો હુમલો

•કૂતરાની અડફેટે ઓટોરીક્ષા આવી જતાં પલ્ટી મારી

ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના દરવાજા પાસે રવિવારના સવારે ૯.૦૦ વાગ્યાની આસપાસ રોંગ સાઈડ પર એક સ્વિફ્ટ કાર નં. જીજે-૧૬-સીએચ-૧૫૧૧ ઉભેલ હતી. તે સમયે ઓટોરીક્ષા નં. જીજે-૧૬-વાય-૩૧૭૯ ચાલક 52 વર્ષિય મુકેશ છગનભાઈ મિસ્ત્રી રહે. પારસીવાડ, વેજલપુર પેસેન્જર સાથે પોતાની ઓટોરીક્ષા લઈ વેજલપુર તરફ પસાર થઇ રહ્યા હતા. દરમિયાન બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર રોંગ સાઈડ ઉભેલ સ્વીફ્ટ કાર પાછળથી અચાનક શ્વાન રોડ પર દોડતાં રોડ ઉપર ધસી આવ્યા હતા.

જોકે અચાનક રોડ પર ધસી આવેલ ઓટોરીક્ષાની અડફેટે શ્વાન આવી જતા ઓટોરીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ઓટોરીક્ષા પલ્ટી મારી ગઈ હતી. પરિણામે પલ્ટી મારેલ રીક્ષા ધસડાઈને રોંગ સાઈડમાં ઉભેલ સ્વીફ્ટ કાર સાથે ભટકાઈ હતી. સ્થાનિકોએ દોડી આવી ઓટોરીક્ષા ચાલક અને પેસેન્જરને ઓટોરીક્ષામાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા.

આ ઘટનામાં રોંગ સાઇટ પાર્ક કરાયેલ સ્વીફ્ટ કારનો મલિક અને પોલીસકર્મી ધર્મેન્દ્ર(ધમો) પરમારનો પિત્તો જતાં ઘાયલ ઓટોરીક્ષા ચાલકને સારવાર માટે દવાખાને પહોંચાડવાની જગ્યાએ પોતાની ગાડીને નુકશાન થયાની રિષ રાખી ચાલક મુકેશ મિસ્ત્રીને માર મારવા લાગ્યો હતો. સાથે ગાડીને થયેલ નુકશાનની માંગ સાથે બેફામ બનેલ પોલીસકર્મી પોલીસ ચોકી બહાર માર માર્યા બાદ ઓછું પડ્યું હોય તેમ બી-ડિવિઝન પોલીસ ચોકીમાં ઢસડીને લઇ જઈ ઓટોરીક્ષા ચાલકને ઢીકાપાટુનો માર માર્યો હોવાનું પણ ઘાયલ ચાલકે જણાવ્યું હતું.

એક તરફસાહેબ મારો શુ વાંક તેમ કહી માફી માંગતો ઓટોરીક્ષા ચાલક અને પોતે પોલીસ હોવાના પાવરમાં મદમસ્ત બનેલ પોલીસકર્મી માર મારતો રહ્યો. ગુપ્તાંગ અને પેટના ભાગે માર મારેલ ઓટોરીક્ષા ચાલકને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પલ્ટી મારેલ ઓટોરીક્ષામાં ઘાયલ પેસેન્જરને ઇજાઓ થતાં ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, બેફામ બનેલ પોલીસકર્મીએ ભૂતકાળમાં જંબુસર બાયપાસ પાસે ફ્રુટ, શાકભાજી લારી ચાલકોને લાકડીના સપાટા માર્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જોકે આ ઘટનાઅંગેના સીસીટીવી ફૂટેજ બી-ડિવિઝન પોલીસ પ્રજા સમક્ષ જાહેર કરી બેજવાબદાર માર મારનાર તેમજ તમાશો જોનાર પોલીસકર્મીઓ ઉપર ઉદાહરણરૂપી કાર્યવાહી કરશે કે ઢાંકપિછોડો કરશે તે તો આવનાર સમયે જ ખબર પડશે.

error: Content is protected !!