ભરૂચ હાઇવે કાયમ માટે હાજરો વાહનોચાલકો માટે શિરદર્દ સમાન રહ્યો છે. કેબલબ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ પણ હાઇવે ઉપર લાગતી કતારોનો કાયમી અંત આવી શક્યો નથી.હાલ સરદારબ્રિજથી મુલદ ટોલટેક્સ સુધી એક કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગના રસ્તાનું નવીનીકરણ અને 8 માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે આ કામગીરી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી રાતે વાહનોની કતારો જામી રહી હતી. હવે દિવસે પણ ટોલટેક્સથી લઈ નર્મદા ચોકડી સુધી વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેવું પડે છે. ભરૂચ સરદારબ્રિજથી ટોલટેક્સ સુધી એક કિલોમીટર લાંબા માર્ગનું નવીનીકરણ અને 8 લેન કરવાની કામગીરીને લઈ હાલ ચક્કાજામ સર્જાઈ રહ્યો છે.
નોંધનીય છે કે ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટ્રાફિકજામની સર્જાતી સમસ્યાનું નિવારણ લાવવા તાજેતરમાં જ રાજ્યના માર્ગ પરિવહન મંત્રી પુર્ણેશ મોદીએ મુલાકાત લીધી હતી. જેમાં સરદારબ્રિજથી મુલદ ટોલટેક્સ સુધીના એક કિલોમીટરના માર્ગને આરસીસીનો બનાવવા અને 8 લેન ઉભી કરવાની કવાયત હાથ ધરાઈ હતી. જેની હાલ ચાલી રહેલી કામગીરીને લઈ વડોદરાથી સુરત જતી લેનમાં ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે. ટોલટેક્સથી લઈ વાહનોની કતારો રોજ રાતે નર્મદા ફ્લાયઓવર સુધી ખડકાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.