ભરૂચ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મકકમતાથી સામનો કરવા માટે તંત્ર સુસજજ બન્યો છે. જિલ્લા વહિવટી તંત્ર ધ્વારા જિલ્લાના નાગરિકોને રક્ષણ પુરૂ પાડવાના પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે.એવા સમયે જિલ્લા વહીવટીતંત્રએ કોરોના સંક્રમણને અટકાવવા યોજનાબધ્ધ ત્વરિત અને અસરકારક પગલાં લીધા છે.
કોરોનાગ્રસ્તોને અસરકારક આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના અસરકારક માર્ગદર્શન હેઠળ પ્રભારી સચિવ શ્રીમતિ શાહમીના હુસેન, જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાવાસીઓના આરોગ્યની જાળવણી માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોવીડ-૧૯ ત્રીજા વેવની તૈયારી અન્વયે જિલ્લાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવીડ દર્દીઓને ઓક્સીજનની અછત ઊભી ન થાય તે માટે ૧૭ PSA plant કાર્યરત કરવામાં આવ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સીજન બેડ માટે ૨૨૯ ઓક્સીજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા છે .
ભરૂચ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને કુલ ૨૨૯૭ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જેમાં ૧૩૭૮ બેડ ઓક્સીજન ફેસીલીટી તથા ૧૦ બેડ વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ધરાવે છે. તેમજ બાળકોની સારવાર માટે ૯૦ જેટલા બેડ જેમાં ૮૦ ઓકસિજન બેડ અને ૧૦ જેટલા આઇ.સી.યુ.બેડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે.
જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગનેટેડ હોસ્પિટલો તરીકે જાહેર કરી કોરોનાના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઉચિત વ્યવસ્થા કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાની કોવીડ હોસ્પીટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, ફિજીશ્યન, મેડીકલ ઓફીસર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશયન વગેરે સરકારી હોસ્પીટલ અને ખાનગી હોસ્પીટલ ખાતે ઉપલબ્ધ છે.
ભરૂચ જિલ્લામાં કોવીડ-૧૯ ત્રીજા વેવની તૈયારી અન્વયે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા અને જેઓને ઘરે હોમ આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં દર્દીઓને વિના મૂલ્યે દવા, ચા, નાસ્તો તેમજ ભોજનની સુવિધા પૂરી પાડવાનું આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના સામે લડવા ટેસ્ટીગ, ટ્રેસીગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૧ ધન્વંતરી રથોના માધ્યમથી ઘર સારવાર લેતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ દ્વારા આર્યુવેદિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના ટેસ્ટીગ માટે જિલ્લામાં ૭૮ જેટલા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે, તેની સાથે કોવિડ કેસોમાં વધારો થાય તો નાગરિકોને ઝડપથી સઘન સારવાર ઉપલબ્ધ બનાવી શકાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પુરતી તૈયારી પણ કરવામાં આવી છે. કોવીડ-૧૯ ત્રીજા વેવની તૈયારીનાં ભાગરૂપે આરોગ્ય કર્મીઓની ટીમ ધ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહયો છે.
કોરોના વાઇરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેકસીનની રસી જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. ત્યારે જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે તે જરૂરી છે. ભરૂચ જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રીમ હરોળના કોરોના વોરિયર, ૪૫ + તેમજ ૬૦ વર્ષથી વય ધરાવતા નાગરિકોનું રસીકરણ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લાના તમામ તાલુકાઓમાં રસીકરણની મેગાડ્રાઇવ અભિયાનને સુંદર પ્રતિસાદ મળયો છે.જેમાં ભરૂચ જિલ્લામાં ૧૮ થી ૪૪ વર્ષ અને ૪૫ થી વધુ ઉંમરના લોકોની રસીકરણની કામગીરી પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકાની પૂર્ણ કરી છે. જેમાં પ્રથમ ડોઝમાં ૧૩૮૫૧૪૩ લોકોએ અને બીજા ડોઝમાં ૧૨૩૧૨૮૧ લોકોએ રસી લીધી છે. મહાઅભિયાનને સફળ બનાવવા આરોગ્ય વિભાગના અધિકારીગણ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીગણ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે.
કોરોના મુકત ગુજરાતના સંકલ્પ સાથે રાજય સરકારે મહત્તમ વેકિસનેશનનું લક્ષ સેવ્યું છે. તા.૩જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૭ વર્ષના કિશોરો માટે કોરોના પ્રતિરોધક વેકિસનેશન ડ્રાઇવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં અંદાજીત ૯૧૨૪૬ ના લક્ષ્યાંક સામે તા.૧૭/૦૧/૨૦૨૨ સુધીમાં ૪૮૯૦૪ કિશોર-કિશોરીઓ વેકિસન લીધી હતી. વિધાર્થીઓમાં રસી મુકાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળયો હતો. બાકી યુવાઓના વેક્સીનેશનની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં જ પૂર્ણ કરાશે.
તેજ રીતે ભરૂચ જિલ્લામાં હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને અન્ય બિમારીઓ ધરાવતા ૬૦ કે તેથી વધુ ઉંમરના ૨૫૦૦૦ લોકોને કોરોના રસીનો પ્રિકોશન ડોઝ મેળવવા પાત્ર છે. જેની સામે તા.૧૭/૦૧/૨૦૨૨ સુધીમાં ૧૩૯૮૦ લોકોએ પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો. આમ રસી લેવાની બાબતમાં વડીલો વધુ ઉત્સાહી જણાયા હતા. તા.૧૭/૦૧/૨૦૨૨ સુધીમાં જિલ્લામાં પહેલો અથવા બંને ડોઝ તેમજ પ્રિકોશન ડોઝની રસી લેનારાઓની કુલ સંખ્યા ૨૬૩૬૫૧૦ થઇ છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના ત્રીજા લહેરને અનુલક્ષીને સાવચેતીના ભાગરૂપે તાજેતરમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઇ ઓક્સિજન પ્લાન્ટ, કોવિડ વોર્ડ સહિતની આરોગ્યલક્ષી સેવાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી સીવીલ હોસ્પિટલના અધિકારીઓને સ્થળ ઉપર જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.
જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ અને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે. તેમણે લોકોને કોરોનાના લક્ષણો જણાય તો તત્કાલ ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા પણ જણાવ્યું છે.