•ભરૂચ બી-ડિવિઝન બે લગામ પોલીસકર્મીનો પિત્તો જતા રીક્ષા ચાલક પર પોલીસ સ્ટેશનમાં ઢસડી જઈ કર્યો હુમલો
•કૂતરાની અડફેટે ઓટોરીક્ષા આવી જતાં પલ્ટી મારી
ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના દરવાજા પાસે રવિવારના સવારે ૯.૦૦ વાગ્યાની આસપાસ રોંગ સાઈડ પર એક સ્વિફ્ટ કાર નં. જીજે-૧૬-સીએચ-૧૫૧૧ ઉભેલ હતી. તે સમયે ઓટોરીક્ષા નં. જીજે-૧૬-વાય-૩૧૭૯ ચાલક 52 વર્ષિય મુકેશ છગનભાઈ મિસ્ત્રી રહે. પારસીવાડ, વેજલપુર પેસેન્જર સાથે પોતાની ઓટોરીક્ષા લઈ વેજલપુર તરફ પસાર થઇ રહ્યા હતા. દરમિયાન બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર રોંગ સાઈડ ઉભેલ સ્વીફ્ટ કાર પાછળથી અચાનક શ્વાન રોડ પર દોડતાં રોડ ઉપર ધસી આવ્યા હતા.
જોકે અચાનક રોડ પર ધસી આવેલ ઓટોરીક્ષાની અડફેટે શ્વાન આવી જતા ઓટોરીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ઓટોરીક્ષા પલ્ટી મારી ગઈ હતી. પરિણામે પલ્ટી મારેલ રીક્ષા ધસડાઈને રોંગ સાઈડમાં ઉભેલ સ્વીફ્ટ કાર સાથે ભટકાઈ હતી. સ્થાનિકોએ દોડી આવી ઓટોરીક્ષા ચાલક અને પેસેન્જરને ઓટોરીક્ષામાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા.
આ ઘટનામાં રોંગ સાઇટ પાર્ક કરાયેલ સ્વીફ્ટ કારનો મલિક અને પોલીસકર્મી ધર્મેન્દ્ર(ધમો) પરમારનો પિત્તો જતાં ઘાયલ ઓટોરીક્ષા ચાલકને સારવાર માટે દવાખાને પહોંચાડવાની જગ્યાએ પોતાની ગાડીને નુકશાન થયાની રિષ રાખી ચાલક મુકેશ મિસ્ત્રીને માર મારવા લાગ્યો હતો. સાથે ગાડીને થયેલ નુકશાનની માંગ સાથે બેફામ બનેલ પોલીસકર્મી પોલીસ ચોકી બહાર માર માર્યા બાદ ઓછું પડ્યું હોય તેમ બી-ડિવિઝન પોલીસ ચોકીમાં ઢસડીને લઇ જઈ ઓટોરીક્ષા ચાલકને ઢીકાપાટુનો માર માર્યો હોવાનું પણ ઘાયલ ચાલકે જણાવ્યું હતું.
એક તરફસાહેબ મારો શુ વાંક તેમ કહી માફી માંગતો ઓટોરીક્ષા ચાલક અને પોતે પોલીસ હોવાના પાવરમાં મદમસ્ત બનેલ પોલીસકર્મી માર મારતો રહ્યો. ગુપ્તાંગ અને પેટના ભાગે માર મારેલ ઓટોરીક્ષા ચાલકને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પલ્ટી મારેલ ઓટોરીક્ષામાં ઘાયલ પેસેન્જરને ઇજાઓ થતાં ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, બેફામ બનેલ પોલીસકર્મીએ ભૂતકાળમાં જંબુસર બાયપાસ પાસે ફ્રુટ, શાકભાજી લારી ચાલકોને લાકડીના સપાટા માર્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જોકે આ ઘટનાઅંગેના સીસીટીવી ફૂટેજ બી-ડિવિઝન પોલીસ પ્રજા સમક્ષ જાહેર કરી બેજવાબદાર માર મારનાર તેમજ તમાશો જોનાર પોલીસકર્મીઓ ઉપર ઉદાહરણરૂપી કાર્યવાહી કરશે કે ઢાંકપિછોડો કરશે તે તો આવનાર સમયે જ ખબર પડશે.