The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 124

ભરૂચમાં રિક્ષા ચાલક સહીત બે મહિલાઓ વૃદ્ધાના 1.68 લાખના ઘરેણા લઇ ફરાર

ભરૂચ શહેરના લીંક ઉપર રિક્ષા ચાલક સહીત બે મહિલાઓએ વૃદ્ધ મહિલા મુસાફરને બાઈક પર આવેલા વ્યક્તિ લુટારુ હોવાનું કહી રૂપિયા 1.68 લાખના ઘરેણા થેલીમાં મુકાવી નજર ચૂકવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ભરૂચની નવી કોર્ટ સામે આવેલ મોઢેશ્વરી નગરમાં રહેતા 76 વર્ષીય વાસંતીબેન ભગવાનદાસ મહેતા ગતરોજ શાંતીબાગ પાસે રહેતા તેઓના સંબંધીના ઘરે ગયા હતા. જેઓ સાંજે સેવાશ્રમ રોડ ઉપર આવેલ નર્મદા ડેરી પાસેથી એક રિક્ષા આવતા તેને હાથ કર્યો હતો.

રિક્ષામાં અગાઉથી બે મહિલાઓ હતી જેથી તેઓ રિક્ષામાં બેસી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે વેળા શંભુડેરી નજીક રિક્ષા સાથે બાઈક ભટકાઇ હતી. જે બાઈક ચાલક લુંટારૂ હોવાનું રિક્ષા ચાલકે વૃદ્ધને તમે પહેરેલ ઘરેણા થેલીમાં મુકવાનું કહ્યું હતું. જેથી વૃદ્ધએ ઘરેણા થેલીમાં મૂકી દીધા હતા.

ત્યારબાદ રિક્ષા લીંક કોમ્પ્લેક્ષ પાસે તેઓને ઉતારી રૂપિયા છુટા લઈને આવી તમને તમારા ઘરે મૂકી આવીશ. તેમ કહી શ્રવણ ચોકડી તરફ જતા રહ્યા હતા. ત્યારબાદ વાસંતીબેન મહેતાએ પોતાના ઘરે આવી થેલી તપાસ કરતા તેમાં રહેલ ઘરેણા મળી કુલ 1.68 લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું તેઓને માલુમ પડ્યું હતું. ચોરી અંગે મહિલાએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અંકલેશ્વર ખ્વાજા ચોકડી નજીક આવેલ MS ઇન્ડ્રસ્ટીઝમાં ભીષણ આગ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ખ્વાજા ચોકડી સ્થિત એમ.એસ.ઇન્ડરસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગતા 12થી વધુ ફાયર ફાઇટરોની ટીમ સ્થળ પર દોડી આવી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

શનિવારે સાંજે 6 કલાકે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ખ્વાજા ચોકડી સ્થિત એમ.એસ.ઇન્ડરસ્ટ્રીઝ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આગની જ્વાળા દૂર દૂર સુધી જોવા મળી હતી. કંપની સત્તાધીશોએ તાત્કાલિક અંકલેશ્વર ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરી હતી આગની ગંભીરતાને પગલે પાનોલી, ઝઘડિયા અને ભરૂચ સહિત 12થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગને બુજાવવા કામે લાગ્યા હતા.

આગ વિકરાળ હોવાથી ફાયર ફાયટરો સતત પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી.

ભરૂચ જનરલ હોસ્પીટલના CDMO/RMO એસ.આર.પટેલનો વિદાયસમારંભ યોજાયો

જનરલ હોસ્પીટલ ભરૂચના ઇન્ચાર્જ સી.ડી.એમ.ઓ. અને આર.એમ.ઓ. એસ.આર. પટેલની માદરે વતન જનરલ હોસ્પીટલ વ્યારા ખાતે બદલી થતા તેમનો ભરૂચ જનરલ હોસ્પીટલ ખાતે વિદાયસમારંભ યોજાયો હતો.

જેમાં કે.એમ.સી.આર.આઇના ડીન ડૉ પરમાર,સી.ડી.એચ.ઓ. ડો દુલેરા, ડી.એલ.ઓ. ડૉ. આર.આર.ઝા,જનરલ હોસ્પીટલ ભરૂચના ભૂતપૂર્વ આર.એમ.ઓ. ડૉ. આર.સી.મહેતા સાથે તમામ મેડીકલ ઓફીસર તબીબો,વહીવટી અધિકારી અને અન્ય બદલી થયેલ વર્ગ-૧ના અધિકારીઓ સપરિવાર ઉપસ્થીત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થીત તબીબોએ ડૉ.એસ.આર. પટેલ સાથેની કામગીરીના સંસ્મરણો વાગોળતી વેળા દરેક્ની આંખો ભીની થઈ સૌ ભાવવિભોર બન્યા હતા.આ વિદાયમાન સમારંભનું આયોજન હાલના જનરલ હોસ્પીટલના આર.એમ.ઓ. ડૉ.અભિનવ શર્મા તથા ડૉ.ઉપાધ્યાયે કર્યું હતું. સમારંભમાં સૌએ બદલીના કારણે વિદાય લેતા ડૉ.એસ.આર.પટેલના દિર્ઘાયુ અને સુખી જીવન માટે શુભેચ્છાઓ આપી હતી. તો વિદાય વેળાએ ડો.એસ.આર.પટેલે પણ ઉપસ્થીત તમામનો અને સ્ટાફ સહિતનાઓનો આભાર માન્યો હતો.

પ્રદેશ ભાજપા યુવા પ્રમુખની યાત્રાનું ઝઘડીયા તાલુકામાં ભવ્ય સ્વાગત

  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલ યાત્રાનો ૧૭ માં દિવસે ભરૂચ જીલ્લામાં પ્રવેશ થતા ઠેર ઠેર સ્વાગત કરાયું.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની બાઈક યાત્રા આજે તા.૨૨ મીએ ૧૭ માં દિવસે ભરૂચ જીલ્લામાં પ્રવેશી હતી.જે કેવડીયા રાજપીપળા થઈને ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં યાત્રાએ પ્રવેશ કરતા તવડી,ઉમલ્લા,રાજપારડી અને ઝઘડીયા સહિત તાલુકામાં ઠેર – ઠેર પ્રદેશ યુવા પ્રમુખની આગેવાની હેઠળ નીકળેલ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તાલુકાના વિવિધ અગ્રણીઓ,હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા પ્રદેશ યુવા પ્રમુખને આવકાર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આઝાદીના ૭૫ વર્ષ પુરા થયાની ઉજવણી અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૬ ઠ્ઠી એપ્રિલના રોજ કર્ણાવતીથી નીકળેલ આ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ લોકો સુધી પહોંચાડશે.વિવિધ જીલ્લાઓ માંથી પસાર થઈને પ્રદેશ ભાજપા યુવા પ્રમુખની આ યાત્રાનું તા.૨૫ મી એપ્રિલના રોજ સુરત મહાનગર ખાતે સમાપન થશે.આઝાદી મેળવવા ભવ્ય બલિદાનો આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરના આંગણાંની માટી લઈને નીકળેલ આ યાત્રા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને દેશને આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના ભવ્ય બલિદાનોનો સંદેશ જનતા સુધી પહોંચાડશે. આજરોજ ઝઘડીયા તાલુકામાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભરૂચના નંદેલાવમાં વેચાણ રાખેલ ફ્લેટ ખાલી ન કરતા મહિલાએ કરી લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ

  • મહિલા એચ.આર. મેનેજરે અન્ય મહિલા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી

ભરૂચના નંદેલાવમાં મહિલા એચ.આર. મેનેજરે અન્ય મહિલા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ શહેરના નંદેલાવ ખાતે મનોરથમ બંગોલઝમાં રહેતા મેઘલબેન ધર્મેન્દ્રકુમાર પટેલ એચ.આર. મેનેજર તરીકે ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. તેમણે ગત 16 માર્ચ, 2019માં નંદેલાવમાં આવેલી અલનુર રેસિડેન્સીમાં ફ્લેટ ખરીદ્યો હતો.

ફરીયાદી મેઘલબેને ફ્લેટ રઇશાબેન મુનીરભાઈ ખત્રી પાસેથી વેચાણ દસ્તાવેજ કરી રૂપિયા 8 લાખ 25 હજારમાં લીધો હતો. જો કે રઇશાબેને તેમને અન્ય ઘર ન મળે ત્યાં સુધી બે મહિના રહેવા અરજ કરી હતી. જેથી માનવતાની દ્રષ્ટિએ મેઘલબેને તેમને રહેવા દીધા હતા. મહિનાઓ, વર્ષ વીતવા છતાં રઇશાબેને ફ્લેટ ખાલી નહિ કરતા આખરે મેઘલબેને કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી આપી હતી. જેમાં ગુનો બનતો હોવાથી એ ડિવિઝન પોલીસ મથકે મેઘલબેને રઈશા ખત્રી સામે ફ્લેટ પચાવી પાડવાની ફરિયાદ નોંધાવી છે.

પાનોલી GIDC માં R.S.P.L. કંપની પાછળ ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા બે ઝડપાયા

આજરોજ ભરૂચ એલ.સી.બી.ની ટીમ અંકલેશ્વર ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમીદાથી બાતમી મળેલ કે ” પાનોલી GIDC માં RS.P.L કંપની પાછળ આવેલ નહેરના કિનારા પાસે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો પોતાના આર્થિક ફાયદા સારૂ આંક ફરકનો હારજીતનો જુગાર રમી રમાડે છે.

જે હકીકત આધારે ભરૂચ એલ.સી.બી.ની ટીમ દ્વારા આક ફરકના જુગારની સફળ રેઈડ કરી બે આરોપીઓ શંકરભાઈ કેશવલાલ પડ્યા રહેવાસી , ગામ સંજાલી હોળી ચકલા તા.અકલેશ્વર જી.ભરૂચ અને ભાદરીયાભાઈ ઈશ્રીયાભાઈ વસાવા રહેવાસી, ગામ પાનોલી કેનાલ ખાતાનું ક્વાટર R.5.P.L. કંપની પાછળ તા.અંકલેશ્વર જી.ભરૂચને રોકડા રૂપિયા તથા જુગાર રમવાના સાધનો સહીત કુલ મુદ્દામાલ કિંમત રૂ .૧૬,૦૦૦ / સાથે ઝડપી પાડયા હતા. જ્યારે આ ગુનામાં મીરાબેન WDIC મનુભાઈ વસાવા રહેવાસી જીન ફળીયું , અંકલેશ્વર જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે ઝડપાયેલા બે આરોપી ઉપર જુગાર ધારાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે સોંપ્યા હતા.

ભરૂચ પાલિકાની બેદરકારીના પગલે ખુલ્લી ગટરમાં ગટર માં મારૂતિ વાન ખાબકી

ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નં. ૧૦ના છીપવાડ વિસ્તારમાં પાલિકાની બેદરકારી અને ગોકળગતીએ ચાલતા કામના પગલે એક મારૂતિવાન ચાલક સાથે ખુલ્લી ગટરમાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચના છીપવાડ ચોકમાં ખુલ્લી ગટરોના પગલે અવાર નવાર અકસ્માત સહિત વાહનો ખાબકવાની ઘટનાઓ બનતી રહે છે. પાલીકા દ્વારા રસ્તા સહિતની કામગીરી કાચબા ગતીએ ચાલતા પ્રજા માટે આ ગટરો વધુ એક વાર જોખમી સાબિત થઈ છે. જેમાં આજે એક મારૂતિવાન સાથે ચાલક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. પ્રયત્નો કરવા છતાં મારૂતિ વાન ગટરમાંથી ન નિકળતા એકત્રીત ટોળા અને ટ્રેકટર વડે મહામહેનતે મારૂતિવાનને બહાર કાઢવામાં આવી હતી. પાલિકાના બેદરકારીના પગલે પ્રજાજનો અકસ્માતનો ભોગ બનતા હોય સ્થાનિકોમાં પાલિકા સત્તાધીશો અને ગોકળગાયની ગતીએ કામ કરતા કોન્ટ્રાકટરો પ્રત્યે રોષ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા પાલિકા દ્વારા ચાલતી કમગીરી ઝડપી બનાવાય તેવી માંગ કરવામાં આવી છે.

આમોદ તાલુકામાં પશુપાલન વિભાગ દ્વારા 10 ગામ દિઠ ફરતુ પશુ દવાખાનું શરૂ કરાયું

પશુ પાલન વિભાગ ગુજરાત રાજ્યની અનોખી પહેલ એટલે દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું -1692 જે GVK EMRI દ્વારા PPP મોડેલથી ગુજરાત માં કાર્યરત છે. આ દવાખાના દ્વારા પશુઓને પદ્ધત્તિસરની સારવાર માટે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા ઘટના સ્થળ પર જઈને ની:શુલ્ક સારવાર આપવામાં આવે છે.

આમોદ તાલુકાના હાલ 20 ગામ માં આ સેવા કાર્યરત છે. જેમાં આમોદ તાલુકામાં બે એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં એક દોરા લોકેશન અને સમની લોકેશન બેજ લોકેશન છે જેમાં દોરા MVD માં ચકલાદ ગામ ઉમેરવામાં આવ્યો છે અને સમની MVD માં સીમરથા ગામ ઉમેરવામાં આવે છે 18/04/2022 થી સીમરથા ગામના સાંકળી લીધું છે.

આ સેવા ના શરૂ થવાના આજ રોજ ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડૉ. રવી રીંકે અને કો ઓર્ડીનેટર યોગેશ દોશીના નિર્દેશન નીચે દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડો. કશ્યપ અને ડ્રાઇવર કમ ડ્રેસર જગદીશ થકી સીમરથા ગામમાં પ્રચાર કરવામાં આવ્યો હતો.

નેત્રંગના મોરિયાણા ગામે નવી વસાહતના 70 પરિવારોને પાણીની પળોજણ

નેત્રંગ તાલુકા પંચાયતની ટીડિઓ કચેરીમાં મોરીયાણા ગામના નવી વસાહતના લોકોએ વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનામાં પાણીની ટાંકી , પાઈપલાઈન ,આરસીસી સ્ટેન્ડ પોસ્ટ અને નળ ઘરે ઘર મૂક્યા છે પરંતુ તેમાં છેલ્લા ત્રણ મહિનાથી લોકોને પીવા માટેનું ટીપુ પાણી પણ મળ્યું નથી તેવી લેખિત રજૂઆત કરી છે.

મોરીયાણા નવી વસાહતમાં આશરે 70 જેટલા પરિવારો વસવાટ કરે છે જેમાં 350 જેટલા લોકોની વસ્તી છે. જેમને પીવાના પાણી માટે વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત ટાંકી પાઇપલાઇન આરસીસીના સ્ટેન્ડ પોસ્ટ મૂકી તેમાં નળ મૂકી આપવામાં આવ્યા છે પરંતુ આ દરેક મટીરિયલમાં ભ્રષ્ટાચાર કરી તકલાદી હલકીકક્ષાનું મટીરીયલ વાપરી યોજના સફળ બનાવવાના નિરર્થક પ્રયાસ કરવામાં આવ્યા છે.યોજના તૈયાર થઈ ગયાને ત્રણ મહિના ઉપર સમય વીતી ગયો છે તેમ છતાં હજુ ચાલુ કરવામાં આવી નથી આ યોજના પાછળ 15 થી 20 લાખ રૂપિયા નાખવામાં આવ્યા છે 5 કોલમવાળી મીની સ્ટેન્ડ ટાંકી પણ ઉભી કરવામાં આવી છે છતાં પણ લોકોને ટીપુ પાણી મળ્યું નથી આ સમસ્યા બાબતે અવારનવાર સરપંચને રજુઆત કરી છે પરંતુ કઈ થયું નથી એવી સ્થાનિકોની રાવ કરી છે.

નવી વસાહતમાં લોકોને પીવાના પાણીની વાસ્મો દ્વારા નલ સે જલ યોજના બનાવવામાં આવી છે. જે પાઈપલાઈન કરી છે તે પણ નાની અને હલકી કક્ષાની કરી છે. ત્રણ મહિનાથી હજુ પાણી નહિ મળતા મહિલાઓએ બેડા લઈ દૂર પાણી ભરવા જવું પડે છે. ઉનાળો આવ્યો તો પણ પાણી મળતું નથી.આ અંગે મોરીયાણા ગ્રામ પંચાયત સરપંચ રાજુ વસાવાએ જણાવ્યું કે મોરીયાણા ચીકલોટા ગ્રામ પંચાયતના નવી વસાહતમાં વાસ્મો યોજના ચાલુ જ છે જેમાં પાણીની કોઇ સમસ્યા નથી. લોકોને પાણી મળે જ છે. ટેકરા પર પાણી ચડતું નથી લાઇન લીકેજ છે એ રીપેરીંગ કરી દેવામાં આવશે.

ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર કલરની દુકાનના ગોડાઉનમાં આગથી મચી નાસભાગ

ભરૂચ શહેરના સતત લોકો અને વાહનોથી ધમધમતા વિસ્તાર એવા સેવાશ્રમ રોડ ઉપરથી લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં ફોડેલ ફટાકડાના તણખાથી નૂતન સેલ્સ કોર્પોરેશનના કલરના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા સૂર્યા કોમ્પલેક્સમાં રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જો કે આ ઘટનામાં કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર આવેલ સુર્યા શોપિંગ સેન્ટર પાસેથી એક લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો. દરમિયાન લગ્નના વરઘોડામાં આતશબાજી અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા જેમાં ફટાકડા નો એક તણખો કોમ્પ્લેકસના ત્રીજા માળે નૂતન સેલ્સના કલરના ગોડાઉન માં પડતાં આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કોમ્પ્લેક્સમાં રહેલા લોકોએ કલર ના ગોડાઉનમાં નીકળતા ધુમાડા જોઈ સાવચેતીના ભાગરૂપે શોપિંગની બહાર નીકળી ગયા હતા અને તાબડતોબ ભરૂચ નગરપાલિકાના ફાયરને આગની જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર પણ દોડી આવ્યું હતું.

પરંતુ જે માળ ઉપર આગ લાગી હતી તેમાં જવાનો કોઈ રસ્તો ન હોવાના કારણે જીવના જોખમે પણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરો જેયાં આગ લાગી હતી ત્યાં પ્રવેશવા દરવાજા તોડવાની પણ ફરજ પડી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનની બારીના કાચ પણ તોડવા પડયા હતા.આ કલરના ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થ થીનર (ટર્પેન્ટાઈન) અને એશિયન પેન્ટ કલર જેવા જ્વલનશીલ પદાર્થ હોવા છતાં અને નગરપાલિકાના ફાયર ફાયટરો પાસે પૂરતા પ્રમાણમાં ફાયરનાં સાધનો ન હોવા છતાં પણ પોતાના જીવના જોખમે આગ લાગેલા માળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરી આગ ઓલવતા સૌને હાશકારો થયો હતો.

error: Content is protected !!