ભરૂચ શહેરના લીંક ઉપર રિક્ષા ચાલક સહીત બે મહિલાઓએ વૃદ્ધ મહિલા મુસાફરને બાઈક પર આવેલા વ્યક્તિ લુટારુ હોવાનું કહી રૂપિયા 1.68 લાખના ઘરેણા થેલીમાં મુકાવી નજર ચૂકવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચની નવી કોર્ટ સામે આવેલ મોઢેશ્વરી નગરમાં રહેતા 76 વર્ષીય વાસંતીબેન ભગવાનદાસ મહેતા ગતરોજ શાંતીબાગ પાસે રહેતા તેઓના સંબંધીના ઘરે ગયા હતા. જેઓ સાંજે સેવાશ્રમ રોડ ઉપર આવેલ નર્મદા ડેરી પાસેથી એક રિક્ષા આવતા તેને હાથ કર્યો હતો.
રિક્ષામાં અગાઉથી બે મહિલાઓ હતી જેથી તેઓ રિક્ષામાં બેસી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે વેળા શંભુડેરી નજીક રિક્ષા સાથે બાઈક ભટકાઇ હતી. જે બાઈક ચાલક લુંટારૂ હોવાનું રિક્ષા ચાલકે વૃદ્ધને તમે પહેરેલ ઘરેણા થેલીમાં મુકવાનું કહ્યું હતું. જેથી વૃદ્ધએ ઘરેણા થેલીમાં મૂકી દીધા હતા.
ત્યારબાદ રિક્ષા લીંક કોમ્પ્લેક્ષ પાસે તેઓને ઉતારી રૂપિયા છુટા લઈને આવી તમને તમારા ઘરે મૂકી આવીશ. તેમ કહી શ્રવણ ચોકડી તરફ જતા રહ્યા હતા. ત્યારબાદ વાસંતીબેન મહેતાએ પોતાના ઘરે આવી થેલી તપાસ કરતા તેમાં રહેલ ઘરેણા મળી કુલ 1.68 લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું તેઓને માલુમ પડ્યું હતું. ચોરી અંગે મહિલાએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.