નેત્રંગ તાલુકા પંચાયતની ટીડિઓ કચેરીમાં મોરીયાણા ગામના નવી વસાહતના લોકોએ વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનામાં પાણીની ટાંકી , પાઈપલાઈન ,આરસીસી સ્ટેન્ડ પોસ્ટ અને નળ ઘરે ઘર મૂક્યા છે પરંતુ તેમાં છેલ્લા ત્રણ મહિનાથી લોકોને પીવા માટેનું ટીપુ પાણી પણ મળ્યું નથી તેવી લેખિત રજૂઆત કરી છે.
મોરીયાણા નવી વસાહતમાં આશરે 70 જેટલા પરિવારો વસવાટ કરે છે જેમાં 350 જેટલા લોકોની વસ્તી છે. જેમને પીવાના પાણી માટે વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત ટાંકી પાઇપલાઇન આરસીસીના સ્ટેન્ડ પોસ્ટ મૂકી તેમાં નળ મૂકી આપવામાં આવ્યા છે પરંતુ આ દરેક મટીરિયલમાં ભ્રષ્ટાચાર કરી તકલાદી હલકીકક્ષાનું મટીરીયલ વાપરી યોજના સફળ બનાવવાના નિરર્થક પ્રયાસ કરવામાં આવ્યા છે.યોજના તૈયાર થઈ ગયાને ત્રણ મહિના ઉપર સમય વીતી ગયો છે તેમ છતાં હજુ ચાલુ કરવામાં આવી નથી આ યોજના પાછળ 15 થી 20 લાખ રૂપિયા નાખવામાં આવ્યા છે 5 કોલમવાળી મીની સ્ટેન્ડ ટાંકી પણ ઉભી કરવામાં આવી છે છતાં પણ લોકોને ટીપુ પાણી મળ્યું નથી આ સમસ્યા બાબતે અવારનવાર સરપંચને રજુઆત કરી છે પરંતુ કઈ થયું નથી એવી સ્થાનિકોની રાવ કરી છે.
નવી વસાહતમાં લોકોને પીવાના પાણીની વાસ્મો દ્વારા નલ સે જલ યોજના બનાવવામાં આવી છે. જે પાઈપલાઈન કરી છે તે પણ નાની અને હલકી કક્ષાની કરી છે. ત્રણ મહિનાથી હજુ પાણી નહિ મળતા મહિલાઓએ બેડા લઈ દૂર પાણી ભરવા જવું પડે છે. ઉનાળો આવ્યો તો પણ પાણી મળતું નથી.આ અંગે મોરીયાણા ગ્રામ પંચાયત સરપંચ રાજુ વસાવાએ જણાવ્યું કે મોરીયાણા ચીકલોટા ગ્રામ પંચાયતના નવી વસાહતમાં વાસ્મો યોજના ચાલુ જ છે જેમાં પાણીની કોઇ સમસ્યા નથી. લોકોને પાણી મળે જ છે. ટેકરા પર પાણી ચડતું નથી લાઇન લીકેજ છે એ રીપેરીંગ કરી દેવામાં આવશે.