અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ખ્વાજા ચોકડી સ્થિત એમ.એસ.ઇન્ડરસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગતા 12થી વધુ ફાયર ફાઇટરોની ટીમ સ્થળ પર દોડી આવી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.
શનિવારે સાંજે 6 કલાકે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ખ્વાજા ચોકડી સ્થિત એમ.એસ.ઇન્ડરસ્ટ્રીઝ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આગની જ્વાળા દૂર દૂર સુધી જોવા મળી હતી. કંપની સત્તાધીશોએ તાત્કાલિક અંકલેશ્વર ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરી હતી આગની ગંભીરતાને પગલે પાનોલી, ઝઘડિયા અને ભરૂચ સહિત 12થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગને બુજાવવા કામે લાગ્યા હતા.
આગ વિકરાળ હોવાથી ફાયર ફાયટરો સતત પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી.