આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ઢોલ-નગારા-તાંસા અને ડી.જેના સથવારે “જય જગન્નાથ”ના નારા સાથે ભરૂચ શહેરમાં બે સ્થળોએથી દબદબાભેર કાઢવામાં આવી હતી.
ભગવાન જગન્નાથજી તેઓના જયેષ્ઠ ભ્રાતા બલરામ તથા બહેન સુભદ્રા આજે રથ ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા હતા.ગુજરાતમાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે તેમ દબદબાભેર ભરૂચ શહેરમાં અપનાઘર સોસાયટી નજીકની આશ્રય સોસાયટી સ્થીત જગન્નાથ મંદિરેથી ભરૂચમાં વસતા ઉડિયા સમાજ દ્વારા તો ફૂરજારોડ પર આવેલ પૌરાણિક જગન્નાથ મંદિરેથી ભોઇ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. જે ભરૂચ શહેરના વિવિધ માર્ગો પર ‘જય જગન્નાથ’ના નારા સાથે ફરી હતી. નગરચર્યાએ નીકળેલ ભગવાન જગન્નાથજીના શ્રધ્ધાળુઓ દ્વારા ઠેરઠેર વધામણા સાથે ફૂલોથી સ્વાગત કરાયું હતું.ભગવાન જગન્નાથજીને વધાવવા તેમજ તેમનો રથ ખેંચવા ભક્તોમાં ભારે હોડ જામી હતી.
ભરૂચ અપનાઘર સ્થીત જગન્નાથજી મંદિરેથી ભવ્ય રથમાં ત્રણેવ પ્રતિમાઓને વાજતેગાજતે આરૂઢ કરાયા બાદ ભગવાનના શણગાર પછી મહાનુભવો દ્વારા ભગવાનની આરતી બાદ રથયાત્રા બપોરે શરૂ કરાઇ હતી.તો ભરૂચના ફૂરજા વિસ્તારના પૌરાણિક જગનાથજી મંદિરે સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દબદબાભેર ૩ રથમાં કાઢવામાં આવી હતી.ભગવાન જયારે શહેરના વિવિધ માર્ગો પર નગરચર્યાએ નીકળ્યા ત્યારે વાતાવરણ અલ્હાદક બન્યું હતું. સમગ્ર ભરૂચ શહેરના માર્ગો ભક્તોથી ઉભરાયા હતા. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જિલ્લા પ્રશાસન તરફથી ગોઠવાયો હતો. ભાવિક ભક્તોએ આસ્થાભેર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભરૂચ જિલ્લાવાસીઓ આજે જગન્નાથ મય બની ‘જય જગન્નાથ’ના નારા સાથે ઝુમી ઉઠી ભગવાનના વધામણા લીધા હતા.
ભરૂચમાં ૧૭મી સદીમાં નર્મદાના પવિત્ર કિનારે ફુરજા બંદર પાસે ભગવાન જગન્નાથજીનાં મંદિરનું નિર્માણ કરાયું હતું. મંદિરની સ્થાપના અંગે ભોઈ જ્ઞાતીના અતિ વયોવૃધ્ધો પાસેથી મળતી માહિતી મુજબ, ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજુરી તથા અન્ય કામ કરતા હતા. અહી વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો.
અમદાવાદની યાત્રા માટે ભરૂચનાં ખલાસીઓએ રથ બનાવ્યા હતા.દેશ–વિદેશ ના મોટા મોટા વાહનો અહી લાંગરતા હતા. ફુરજા બંદરે ભોઈ લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જયાં જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા. ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી મજુરો તથા વેપારીઓ ભરૂચ આવતા હતા. તેઓના સંપર્ક માં ભોઈ સમાજનાં લોકો પણ આવ્યા. શ્રધ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે, આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું જેથી સવારે અહીં દર્શન કર્યા બાદ લોકો પોતાના કામે લાગી જાય.
ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના લોકોએ અહી મંદિર બનાવવાનું નક્કી કર્યું. તે સમયે આ ફુરજા વિસ્તારનો કાદવ ( માટી) ઉચા પ્રકારનો હતો. અહી નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડા (રેસા) ના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી. ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા તૈયાર થઇ અને પછી ત્યાં મંદિર બનાવવા માં આવ્યું ત્યારથી ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે.