- આમોદ તાલુકાના સુડીના ગ્રામજ્નોએ આપ્યું વેદના સભર આવેદન
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સુડી ગામે વધતા જતા દારૂના દુષણ સામે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઇ પરિણામ ના આવતા આખરે ગ્રામજનોએ આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદન આપી સત્વરે દારૂનો વેપલો કરનારાઓ સામે કાર્યવાહી કરી યુવા ઘનને બરબાદ થતું અટકાવવા માંગ કરી હતી.
આવેદનમાં પોતાની વેદના વ્યક્ત કરી જણાવાયું કે સુડી ગામમાં છેલ્લા ઘણાં વર્ષોથી દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કેટલાક ઇસમો દ્વારા કરવામાં આવતું હોય અને જેના લીધે અમારા ગામ રહીશો દારૂની લતને લીધે દારૂ પીને અમારા ગામમાં જાહેરમાં તથા ઘરે લડાઇ ઝગડો કરે છે તથા તેઓના કારણે અમારા ગામની શાંતિ ડહોળાય છે.
આ દેશી તથા વિદેશી દારૂનો જથ્થો અમારા ગામમાંથી બહાર લોકોને પણ પહોંચાડવામાં આવે છે અને બહારના ગામના લોકો પણ સુડીમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાથી ખરીદી કરવા માટે આવે છે . જેના કારણે ગામની શાંતિ અને સૃમધ્ધિ બંન્નેની અધોગત થઇ રહેલી છે. વળી આ દારૂની ઝડપી અને તાત્કાલીક બનાવટમાં સ્પીરીટ વિગેરે કેમિકલનો ઉપયોગ અને તેના કારણે દારૂનું સેવન કરનારાઓના મરણના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહેલો છે.
આ દેશી તથા વિદેશી દારૂના જથ્થાના મોટા પાયે વેચાણના લીધે અમારા ગામનું યુવાધન પણ નષ્ટ થઇ રહેલું છે અને દારૂ તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરનારાઓ સ્મશાન ભુમિ તથા મંદિર ધાર્મિક સ્થળો પર પણ આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિઓ ચલાવી રહેલા છે.જેથી કરીને અમારા વિસ્તારના લોકોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચે છે . આ અંગે સુડી ગ્રામપંચાયતમાં ઠરાવો પણ કરવામાં આવેલા છે અને ઠરાવ સહિત લાગતા વળગતા તમામ અધિકારીઓને ફરીયાદો કરવામાં આવેલી હોવા છતાં અમારા ગામના બૂટલેગરો વિરૂધ્ધ કોઇ કાર્યવાહી થઇ રહેલી નથી. જો સત્વરે આ દુષણને નહીં બંધ કરાવાય તો ગ્રમજનો જનતા રેડ કરશે અને તેની તમામ જવાબદારી તંત્રની રહેશેની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.