દક્ષિણ ગુજરાત એટલે ગાઢ જંગલોનો પ્રદેશ. અહીં અનેક જાતની ઔષધિય મૂલ્યો ધરાવતી વનસ્પતિઓ, નાના છોડ અને વેલ સ્વરૂપે જોવા મળે છે. તાપી જિલ્લાના પ્રખ્યાત પદમડુંગરી ઈકો ટુરિઝમ વિસ્તારમાં ઉનાઈથી ૧૮ કિ.મી.દુર ચુનાવાડી ગામે અંદાજિત ૫૦૦ વર્ષ જૂનું બહેડાનું તોતિંગ વૃક્ષ આજે પણ અડીખમ ઉભું છે. આ વૃક્ષ જોવા મોટી સંખ્યામાં પદમડુંગરી આવતાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વનવિભાગ દ્વારા તેની યોગ્ય દેખરેખ અને જાળવણી કરવામાં આવે છે.
ઔષધિય ગુણો ધરાવતા બહેડાનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica અંગ્રેજીમાં Bedda nuts, ગુજરાતીમાં બહેડો, હિન્દીમાં હલ્લા બહેડા, સંસ્કૃતમાં વિભીદક છે. મહુડાના વૃક્ષ જેવા પાન ધરાવતા બહેડાના વૃક્ષના ફુલ તેમજ ફળ, છાલનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. બહેડાના વૃક્ષો સમગ્ર ભારતમાં જોવા મળે છે. ડાંગ, વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા વિગેરે જિલ્લાઓના જંગલોમાં મહત્તમ જોવા મળે છે. પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી વનસ્પતિઓના પાન, ફુલ, છાલ, મૂળ વિગેરે જડીબુટ્ટી તરીકે વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે. જેની માત્રા ૩ થી ૫ ગ્રામ લેવાની હોય છે.
ઉનાઈ રેન્જ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઋચિ દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની ઉનાઈ રેન્જ સ્થિત પદમડુંગરી ઈકોટુરિઝમ નજીક ચુનાવાડી ગામની સરહદે અંબિકા નદીને કાંઠે અંદાજીત ૫૦૦ વર્ષ જૂનું ગુજરાતનું એકમાત્ર બહેડાનું ખૂબ જ પ્રાચીન વૃક્ષ આવેલું છે. આ મહાકાય વૃક્ષની વન વિભાગ દ્વારા જાળવણી કરવામાં આવી છે. સાત વ્યક્તિઓ એકસાથે હાથ ફેલાવી બાથ ભરે ત્યારે બહેડાના આ કદાવર વૃક્ષના થડને માપી શકાય છે. આદિવાસી લોકો રવિવાર, મંગળવારે બહેડાના વૃક્ષનું પૂજન કરી પૂર્વ, ઉત્તર દિશામાં મુખ રાખી વૃક્ષના પાન, મૂળની માંગણી કરે છે. ત્યારબાદ પાન, મૂળને લાલ કપડાંમાં વિંટાળીને તિજોરી અથવા ઘરના મંદિરમાં રાખે છે, શ્રદ્ધાપૂર્વક પોતાના આરાધ્ય દેવનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે એવી આદિવાસી સમાજની આસ્થા પણ જોડાયેલી છે.