-
ભાજપ ની આંતરીક રાજકીય લડાઈના પાપે ભરૂચને ઉકરડો બનાવવાનું બંધ કરો
ભરૂચમાં સર્જાયેલા કચરા સંકટ મુદ્દે ભાજપની આંતરીક રાજકીય લડાઇને બાજુ પર મુકી પ્રજાનું હિત જોવા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે ભાજપા પાંખને અપીલ કરી હતી
તેમના જણાવ્યાનુસાર છેલ્લા 15 દિવસની અંદર ફરીવાર ભરૂચ શહેરમાં કચરાનું સંકટ સર્જાયુ છે. શનિવારથી બીજી વાર ડોર ટુ ડોર સેવા બંધ થઈ ગઈ છે. ઠેર ઠેર ગંદકીના ઢગ્લા થઈ ગયા છે. આ તમામ સ્થિતિ સર્જાવા પાછળ ભરૂચ નગર પાલિકાના અધિકારી અને પદાધિકારીઓની અણઆવડત તો જવાબદાર છે જ પરંતુ એનાથી પણ મોટુ કારણ ભાજપની આંતરીક લડાઈ છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાયખા જી.આઈ.ડી.સીમાં ભરૂચ નગર પાલિકાને ડમ્પીંગ સાઈટ માટે જગ્યાની ફાળવણી કરાઈ હતી. નગરપાલીકાએ આ માટે 0000 કર્યા હતાં, આ ડમ્પીંગ સાઈટ શરૂ કરાવવા માટે પાલિકાએ પહેલેથી જ ઘણો વિલંબ કર્યો હતો. અને એમાંય સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા ન હોવાથી સાઈટ કરવાની સાથે જ બંધ કરવી પડી છે. સ્થાનિક લોકો સાયખામાં ડમ્પીંગ સાઈટનો વિરોધ કરી રહ્યા છે. સાયખા વિસ્તારમાં આવેલી આ ડમ્પીંગ સાઈટ પરનો વિરોધ રાજકારણથી પ્રેરીત છે. ભાજપની આંતરીક લડાઈના કારણે ભરૂચ શહેરમાં ઠેર ઠેર ઉકરડા બની ગયા છે.
આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાના બદલે પાલિકા હંગામી ઉકેલ શોધવાના હવાતીયા કરી રહ્યુ છે.જ્યારે મૂળ ડમ્પીંગ સાઈટ પર કચરો ઠાલવવાના વાંધા છે ત્યારે પાલિકાએ મોદી ગાર્ડન પાસે નગરપાલિકા ના ગેરેજ માં તેમજ થામ ગામમાં પ્રાયમરી ડમ્પીંગ સાઈટ શરૂ કરી, આ રીતે પ્રાયમરી ડમ્પીંગ સાઈટ જ મૂળ ડમ્પીંગ સાઈટ બની ગઈ. અને ત્યાં પણ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. આજે પાલિકાએ અમરતપૂરા ગામમાં પણ ખાડામાં કચરો ઠાલલવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ લોકોએ વિરોધ દર્શાવ્યો છે. આમ પાલિકાએ જ્યાં મનફાવે ત્યાં હંગામી અને કામપૂરતી ડમ્પીંગ સાઈટ ઉભી કરી દેવાના બદલે કાયમી ઉકેલ તરફ ધ્યાન આપવું જોઈએ. ભાજપ પક્ષને પણ અમે અપીલ કરીએ છે કે તમારી આંતરીક લડાઈને અત્યારે બાજુમાં મુકી ભરૂચની જનતાનું અને ભરૂચનું હિત વિચારો.