સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જોષીના વરદ્દહસ્તે સુરત જિલ્લાના મગોબમાં ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ‘નરેન્દ્ર પંચાસરા સ્મૃતિ પરિસર’નું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, શહેરી ગૃહ નિર્માણ શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે, આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, ત્યારે સરકાર પ્રજાને ઉત્તમ સુવિધાઓ આપી શકે, પરંતુ સમાજ સુધારણા અને સર્વાંગી પરિવર્તનની જવાબદારી આપણી સહિયારી છે. દેશના વિકાસ અને સેવાકાર્યોમાં તમામ લોકોના સાથસહકારની અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
ટેકનોલોજી દ્વારા વિશ્વ સાથે જોડતા દેશના વૈજ્ઞાનિકોના આપણે અભારી છીએ એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, સરકારની અનેકવિધ કલ્યાણ યોજનાઓથી ગરીબ-વંચિત અને પીડિત લોકોને લાભો મળી રહે છે, ત્યારે સારા વિચારો અને પરિવર્તનથી દેશને શિખરે પહોંચાડવા જવાબદારી નિભાવીએ.
પ્રસંગે મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સામાજિક અગ્રણી લવજીભાઇ બાદશાહ, પદ્મશ્રી મથુરભાઇ સવાણી, પૂર્વ મેયર ડો.જગદીશભાઇ પટેલ સહિત મહાનુભાવો અને RSS કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.