વાગરા તાલુકાના કોલિયાદ ગામે સરકારી અને ગૌચર જમીનમાંથી ગેરકાયદે માદી ખોદી લાખો ટન માટીની ચોરી કરાતા વાગરા ગામના રહીશોએ આ બાબતે બે લોકો અને વાહન માલિકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ કરવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે.
આ મામલે કપિલા રાઠોડે કલેક્ટર સમક્ષ પાઠવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સુજીત શર્મા અને લલિત શર્મા તથા કેટલાંક વાહનો અને તેના માલિકોએ કાંસ ઉંડો કરવા માટે ગામ પંચાયત કોલીયાદને અરજી આપી હતી.જેને આધારે પસાર થયેલા ગામ પંચાયત કોલીયાદના તારીખ: 22/01/2020ના ઠરાવનો આધાર લઈને આ શખસોએ ભેગા મળીને ગામની કાંસ સાફ કરવાને બદલે તે કાંસની સાથે સાથે આજુબાજુની કોલીયાદ-અટાલી ગામના સીમાડાની સરકારી ગૌચરની સરકારી જમીનમાં ખોદકામ કરીને લાખો ટન માટી ચોરી કરી હતી.
આદિવાસીની ખાનગી જમીનો પર પણ તેમણે બળબજરી પૂર્વક જબરજસ્તી કરીને ખેતરમાંથી માટી ખોદીને માટી ચોરી કરી છે. આદિવાસી ઈસમોને થાય તે કરી લેવાની ધમકીઓ પણ આપી રહ્યા છે.
આ માટી ખનન મામલે મહિન્દ્રા કંપનીનું કોમર્સિયલ વાહન જી.જે.03 એફ.ડી.863ના માલિક, એમ.એમ.ડબલ્યુ હાઇવા ટ્રક જી.જે. 16 ડબલ્યુ 029ના માલિક, ભારત બેન્ઝ હાઇવા ટ્રક જી.જે. 16એ.યુ. 6490ના માલિક, ભારત બેન્ઝ હાઇવા ટ્રક જી.જે. 16એ.વી.5346ના માલિક, હાઇવા ટ્રકના માલિકો અને બે જે.સી.બી. પોકલેનના માલિકો, સુજીતકુમાર શર્મા, લલિતકુમાર એમ. શર્માનો સમાવેશ હોવાના આક્ષેપો પણ કરાઇ રહ્યા છે.