જંબુસરના ગજેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરને એક મહિલાએ SBI બેંકમાંથી બોલું છું કહી, ક્રેડિટ કાર્ડ અપડેટના નામે વિગતો તેમજ OTP મેળવી 3 વખત નાણાં ઉપાડી કરાયેલી ઓનલાઈન છેતરપિંડી અંગે તબીબે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા તરસાલી ખાતે રહેતા ડો.કમલેશસિંગ ભુનીલાલસિંગ રાજપુત જંબુસરના ગજેરા PHC ખાતે મેડીકલ ઓફીસર તરીકે 17 વર્ષથી ફરજ બજાવે છે. હાલ ગજેરા મેડીકલ ઓફીસર ક્વાટર્સ ખાતે રહેતા તબીબ SBIનું ક્રેડીટ કાર્ડ ધરાવતા હોય એક અજાણી મહીલાનો ફોન આવ્યો હતો. મહિલાએ હું SBI ક્રેડીટ કાર્ડ કંપનીમાંથી બોલુ છુ. તમારુ ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાનું છે, કહી ક્રેડીટ કાર્ડનો નંબર, એક્સ્પાયર્ડ ડેટ અને CVVની વિગતો મેળવી લીધી હતી.
આ તબીબના મોબાઈલ ઉપર આવેલા 3 OTP પણ મેળવી લઈ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાંથી 3 ટ્રાન્ઝેક્શનમાં ઓનલાઈન રૂપિયા 55 હજાર 152 સેરવી લઈ ફોન કટ કરી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. ડોક્ટરને પોતાની સાથે ઓનલાઈન ચિટિંગ થઈ હોવાની જાણ થતાં તેમણે જંબુસરના વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે તબીબની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.