ભરૂચનું કતોપોર બજારની ગણના NRI માર્કેટ તરીકે થાય છે અને ખાસ કરી શિયાળા વેકેશનમાં વિદેશમાં રહેતા NRI પરત આવતા હોય લગ્નસરાની મોસમમાં પુરબહારમાં ખરીદારી ખીલી ઉઠે છે. એક વર્ષથી કોરોનાના કારણે વિદેશથી શિયાળાની લગ્નસરાની મોસમમાં NRI નું આગમન બંધ હતું. હવે NRI વતન આવી કતોપોર બજારમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે, ત્યારે ખરાબ રસ્તા ઉપર ઉભરાતી ગટરોના કારણે પગ મુકવાની જગ્યા જ ન હોય ગ્રાહકો સાથે વેપારીઓ બજારમાં આવતા પાછીપાની કરી રહ્યાં છે.
ભરૂચના સૌથી ધમધમતા કતોપોર બજારના વેપારીઓ સ્થાનિક સમસ્યાઓથી પરેશાન થઇ ઉઠ્યા છે. નગરપાલિકા તંત્ર દ્વારા તેઓની સમસ્યાનું નિરાકરણ ન લવાતા અંતે તેઓએ ૩ દિવસનું અલ્ટીમેટમ આપવાની ફરજ પડી છે. કતોપોર બજારમાં રોડ રસ્તા તેમજ ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિક વેપારીઓ પરેશાન થઇ ઉઠ્યા છે. અવારનવારની રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. હાલ સુધીમાં આ વેપારીઓ દ્વારા 61 જેટલા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. છતાં પરિણામ આવ્યું નથી.
થોડા દિવસ પૂર્વે જ વેપારીઓ દ્વારા નગરપાલિકા બહાર દેખાવો કરાતા મુખ્ય અધિકારીએ 22 તારીખ સુધીમાં સમસ્યાનો નિકાલ લાવવા બાંહેધરી આપી હતી. પરંતુ તેના બે દિવસ વીતી ગયા છતાં હાલ સુધી કોઈ નિરાકરણ ન આવતા આજે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને 3 દિવસનું અલ્ટીમેટમ આપવાની ફરજ પડી છે. જો 3 દિવસમાં ઉકેલ નહિ આવે તો 1200 વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ કરી મુખ્ય અધિકારી અને પ્રમુખની ઓફીસ બહાર ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.