તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ શિક્ષકોને સંબોધિત કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ એક સવાલ શિક્ષકોને પૂછ્યો કે, તમારે નોકરી માટે કે બદલી માટે રૂપિયા આપવા પડે છે ? અને શિક્ષકો સામુહિક જવાબ આપે છે , હા…..
આ સંવાદ કે ઘટના ભલે ક્ષણ ભરના હોય પરંતુ તેમાં વર્તમાન ભારતની છબી સ્પષ્ટ થાય છે. શિક્ષણ એ એવું ક્ષેત્ર છે જ્યાં માનવીનું ઘડતર થાય છે. પુસ્તકના બે પૂંઠા વચ્ચેના સિલેબસ ઉપરાંત અહીં જન્મ અને મૃત્યુ વચ્ચેનું જીવન જીવવા માટે ધાર્મિક વિભાવનાઓ, માનવતાના મૂલ્યો, સત્ય, પ્રામાણિકતા અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણો પણ વ્યક્તિમાં જન્મે તે પ્રકારે ઘડતર કરવામાં આવે છે. શિક્ષકો થકી જ રાષ્ટ્રને સારા વિજ્ઞાનીઓ, સારા તબીબો, સારા એન્જીનિયરો, સારા અધિકારીઓ, સારા ઉદ્યોગપતિઓ, સારા વેપારીઓ, સારા નેતાઓ અને સારા નાગરિકો મળે છે. એક ભ્રષ્ટ શિક્ષક આખા સમાજને ભ્રષ્ટ બનાવી શકે છે.
રાજસ્થાનના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તો બધા જ શિક્ષકો ભ્રષ્ટાચારના માર્ગથી જ શિક્ષણ જગતમાં આવ્યા છે ત્યારે આ શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને ક્યાં પાઠ ભણાવશે ? કદાચ આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ઉભી થવાથી જ દેશમાં શિક્ષણ અવદશાના માર્ગે છે. આ સ્થિતિ માત્ર રાજસ્થાનની છે તેમ નથી. ગુજરાત પણ આ સ્થિતિથી બાકાત નથી. ગુજરાતના શિક્ષણ માટે અનેક સ્વાનુભવ અને ઘટનાઓ લખી શકાય તેમ છે. આપણે સિસ્ટમ સુધારવાની અને દેશભક્તિની વાતો કરતા કરતા સિસ્ટમ બગાડવાની અને ભ્રષ્ટાચાર ને પોષણ આપી દેશ વિરોધી કૃત્ય કરતા રહીએ છીએ. અને છતાં વારંવાર ભારત માતા કી જય તથા વંદે માતરમના નારા લગાવીએ છીએ.
શુ આ રીતે ભારત માતાની આરાધના થઈ શકે ? શુ આ માર્ગે ભારત પરમ વૈભવના શિખરે બિરાજશે ? શુ આપણો દેશપ્રેમ ભ્રષ્ટાચારથી રંગાયેલો રહેશે ? આવનારી પેઢીને આપણે કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ તે ચોક્કસ વિચારવું રહ્યું…
•જગદીશ પરમાર, મો: 94271 16916