જૂની પદ્ધતિએ જાતિના દાખલા આપવાના નિર્ણયની તરફદારી કરનાર ગુજરાતના BJP ના 2 મંત્રીઓ અને 1 નેતા ઉપર ભરૂચ અને નર્મદાના ભાજપ સાંસદ મનસુખ વસાવા કોપાયમાન થવા સાથે નારાજગી વ્યક્ત કરતો વધુ એક લેટર બૉમ્બ ફોડ્યો છે.

ખાસ કરીને આદિવાસીઓને અપાતા ખોટા પ્રમાણપત્ર બાબતે MP મનસુખભાઈ લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. આ પ્રશ્ને તેમણે રાજીનામુ આપવા સુધીની ચીમકી પણ આપી હતી. રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગના મંત્રી નિમિષાબેનના જાતિ અંગેના ખોટા દાખલા અંગે સૌથી પહેલા મનસુખભાઇએ અવાજ ઉઠાવ્યો હતો.

હવે આજે વધુ એક ટિપ્પણી કરી મનસુખભાઈએ ધડાકો કર્યો છે. અને સોસીયલ મીડિયામા વાયરલ થયેલો આ લેટર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સાંસદ મનસુખ વસાવાએ જાતિ અંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણયની તરફેણ કરનારા 3 નેતા, મંત્રીઓ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવા, આદિજાતિ કલ્યાણ વિભાગના મંત્રી નરેશ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગનામંત્રી નિમિષાબેનને આડે હાથે લઈ ઝાટકણી કાઢી છે.

સાંસદે જણાવ્યું છે કે, આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવા, આદિજાતિકલ્યાણ વિભાગના મંત્રી નરેશ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગનામંત્રી નિમિષાબેને જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણય આદિવાસી સમાજને ભારે અન્યાય કરતો સાબિત થશે. દાખલા મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી, તે માટે નિયમો હળવા કરવાની જરૂર હતી. દાખલાઓ આપવા માટે કચેરીઓમાં વધુ સ્ટાફની નિમણૂક કરવાની જરૂર હતી. સરકારે લોકોને દ્વારે જે કાર્યક્રમો થયા, તેમાં લોકોને જાતિ અંગેના દાખલાઓ આપવા જોઈતા હતા.

ઉપરાંત નિર્ણય લેવા માટે આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો તથા આદિવાસી સમાજના તમામ સંગઠનોની સાથે બે થી ત્રણ તબક્કામાં મીટીંગો કરવાની જરૂર હતી. આવો ઉતાવળિયો નિર્ણય લીધો તે અયોગ્ય નિર્ણય છે. આ નિર્ણયથી ખોટા આદિવાસીઓ ગેલમાં આવી ગયા છે અને સાચા આદિવાસીઓ ઊંઘમાં છે. દરેક પક્ષના આદિવાસી નેતાઓ તથા આદિવાસી સંગઠનોને આદિવાસી યુવાનોની ભાવિ પેઢીની ચિંતા નથી તેવું મને દેખાય છે, તેથી જ બધા જ નેતાઓ ભારે ઘોર નિંદ્રામાં છે. તેથી હું ખોટા નિર્ણય કરનારાઓને પૂછવા માંગુ છું કે, પાછલા વર્ષોમાં લાખો ખોટા જાતિ અંગેના દાખલાઓ રદ નથી કરી શક્યા, ત્યાં આ નવા દાખલાઓ ખોટા આદિવાસીઓ ચૂંટણીના બહાને તથા શિક્ષણના બહાને લઈ જશે, તો એક વખત જાતિ અંગેના દાખલાઓ અપાઈ ગયા પછી તમે કઈ રીતે તે રદ્દ કરી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here