ભરૂચ જીલ્લાની ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં આવેલ નાઇટ્રેકસ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.જેમાં કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન અચાનક પ્રેસર વધતા વેસલ્સમાં બ્લાસ્ટ થયો હતો. અચાનક જ ધડાકાભેર બ્લાસ્ટ થતા કંપનીના કામદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી. આ બ્લાસ્ટમાં કંપનીના ૫ કામદારો ધાયલ થયા હતા. જેમને સારવાર અર્થે ભરૂચ શહેરની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.
આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ કંપનીમાં કેમિકલ્સ પ્રોસેસ દરમિયાન પ્રેસર વધતા વેસલ્સમાં ભારે ધડાકા ભેર બ્લાસ્ટ થયો હતો.કંપનીમાં બ્લાસ્ટ થયાની માહિતી ઝઘડીયા પોલીસ તેમજ ફાયર ટેન્ડરોને મળતા જ ફાયર ટેન્ડરો તેમજ ઝઘડિયા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કંપનીના સત્તાધીશો સાથે મળી બચાવ કામગીરી હાથધરી હતી.
સુત્રો પાસે મળતી જાણકારી આનુસાર કંપનીમાં મેન્ટેનન્સ દરમિયાન બ્લાસ્ટ થવાના પગલે બ્લાસ્ટના કારણે પ્લાન્ટમાં કામ કરતા પાંચ કામદારો પ્રવીણ ધીરજભાઈ વસાવા, સુમન વસાવા, રાહુલ રાજેન્દ્રભાઇ વસાવા, પ્રદીપ વસાવા, ચિરાગ ભીખુભાઈ પટેલ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હેડ ઈંજરીના કારણે સુમન વસાવાની હાલત ગંભીર હોવાની વિગતો બહાર આવી છે. આ ઘટના સંદર્ભમાં ઝઘડીયા પોલીસ સહીતના તંત્રએ વધુ તપાસ હાથ ધરી છે.