•સુરતનો સાડીનો વેપારી બિલાલ મેમણ બાનવી આપતો મુસ્લિમ આધારકાર્ડ સહિતના દસ્તાવેજો

•મુસ્લિમ ધર્મનો અંગીકાર અને ત્યારબાદ ધર્મનું શિક્ષણ આપવા આમોદ , જંબુસર , પાલેજ , નડિયાદની મસ્જિદોના મૌલવી કે મુફ્તીઓ વારંવાર કાંકરીયા ગામે આવતા

•આમોદના કાંકરિયા ગામે ધર્માંતરણમાં આરોપીઓની સિન્ડિકેટે બનાવી દીધું રૂ. 14 લાખનું ઈબાદતગાહ અને રૂ. 4.5 લાખમાં કબ્રસ્તાન

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 થી વધુ આદિવાસીઓના ધર્માંતરણમાં 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ દરમિયાન રોજે રોજ આ ષડયંત્રમાં નવા રહસ્યો ઉજાગર થઈ રહ્યાં છે.

ધર્માંતરણ મુદ્દે તપાસ ચલાવી રહેલા DYSP એમ.પી. ભોજાણીએ રવિવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તપાસ અને આરોપીઓના રિમાન્ડમાં આવેલી ચોંકાવનારી હકીકતો જાહેર કરાઈ હતી. કાંકરિયા ગામે મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારના બાળકો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સામરોદ ગામની મદ્રસ-એ-ઇસ્લામીયામાં ધાર્મિક શિક્ષણ મેળવવા દાખલ કરાયેલા છે, તેવા 5 બાળકો મળી આવ્યા છે. અને હજુ વધુ બાળકો મળવાની શક્યતા છે.

મુસ્લિમ ધર્મનો અંગીકાર કરતી વખતે અને ત્યારબાદ ધર્મનું શિક્ષણ આપવા આમોદ, જંબુસર, પાલેજ, નડિયાદ વિગેરે સ્થળોએથી મસ્જિદોના મૌલવી કે મુફ્તીઓ વારંવાર કાંકરીયા ગામે અને આમોદ મુકામે આવ્યા હતા. ધર્માંતરણના 9 આરોપીઓ પૈકી અબ્દુલ મજીદ નામના આરોપીએ મુસ્લિમ ધર્મનો અંગીકાર કરનારાઓને અવાર નવાર જંબુસરની મસ્જિદમાં નમાઝ પડવાનું શીખડાવવા સારુ લઈ જતો હતો.

મુસ્લિમ ધર્મના અંગીકાર બાદ જે તે નાગરિકના મુસ્લિમ નામ વાળા આધાર કાર્ડ સોગંદનામા તથા ગેઝેટની પ્રસિદ્ધિનું કામ સુરતનો સાડીનો વેપારી બિલાલ ઇકબાલ મેમણ નામની વ્યક્તિ કરી આપતો હતો. જેણે આજ દિન સુધીમાં કુલ અંદાજિત 25 લોકોના આધાર કાર્ડ સોગંદનામાં અને ગેજેટ પ્રસિદ્ધનું કામ કરી આપ્યા છે.

આરોપીઓએ સાથે મળી ભંડોળ એકત્ર કરી કાંકરીયા ગામે એક કબ્રસ્તાન અને ઈબાદતગાહનું નિર્માણ કર્યું છે. જેમાં ઈબાદત બનાવવા માટે આરોપી અજીજ ના રૂપિયા 12 થી 14 લાખ આપેલા છે. કબ્રસ્તાન માટે જમીન આછોદના હસન ટીસલી દ્વારા રૂપિયા સાડા ચાર લાખનો ખર્ચ કરી બનાવી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here