બાળકોને જાતિય શોષણથી રક્ષણ આપતા કાયદા અને ભારતીય દંડ સંહિતા હેઠળ બળાત્કાર અને હત્યાની કોશિષ કરવાના ગુના સબબ તકસીરવાર ઠેરવી ૧૦ વર્ષ ની સખત કેદ ની સજા ભરૂચ પોકસો કોર્ટે ફરમાવી છે.
ગત તારીખ ૧૦/૦૪/૨૦૧૮ ના રોજ મોજે ગામ મહુવડ, તા. ઝગડિયા, જી. ભરૂચ ખાતે ફરિયાદી (ભોગબનનાર) સવારના દસેક વાગ્યે તેણીની મોટી બહેન સાથે શેરડીના તથા મકાઈનાં ખેતરોમાં ચારો કાપવા માટે ગયેલા હતા અને આશરે અર્ધો કલાક બાદ ફરિયાદી (ભોગબનનાર) ની મોટી બહેન ઘરે પાણી ભરવા ગયેલ હોય ભોગબનનાર ખેતરમાં એકલી હતી.
તેવામાં આરોપી નિરવ કિરણભાઈ વસાવા ભોગબનનારની એકલતાનો લાભ લઈને તેણીની પાસે આવેલ અને ભોગબનનાર સાથે શારીરિક સબંધ બાંધવા છે તેમ માંગણી કરતાં ભોગબનનારે આરોપીને ના પાડતાં આરોપી ભોગ બનનારને ખેતરોમાં અંદરના ભાગે ખેંચીને લઈ ગયેલો અને ભોગબનનારને જમીન ઉપર પાડી આરોપી નિરવ ભોગબનનાર સાથે જબરજસ્તીથી બળાત્કાર કરતો હતો તે વખતે ભોગબનનાર આરોપીને તેવું ન કરવા આજીજી કરતાં હતા ત્યારે આરોપીએ ભોગબનનારનું મોઢું દબાવી દીધેલું અને તેના પેન્ટના ખિસ્સા માથી બ્લેડ કાઢી આરોપીએ ભોગબનનારને ગળાના ભાગે આઠ થી નવ ઘા મારી ભોગબનનારને જીવલેણ ઇજાઓ પહોચાડી હત્યાનો પ્રયાસ કરેલ.
તે વખતે ભોગબનનારે જોરથી બૂમાબૂમ કરતાં ભોગબનનારની બહેન ત્યાં આવી જતાં આરોપી બનાવવાળી જગ્યાએથી ભાગી ગયેલા. ત્યાર બાદ લોકો ભેગા થઈ જતાં ફરિયાદી(ભોગ બનનાર)ને ગંભીર ઇજાઓ હોય પ્રથમ રાજપીપળા સરકારી દવાખાને સારવાર અર્થે લઈ ગયેલ જ્યાં તેણીની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવા જણાવાતાં તેણીને વાઘોડિયા ખાતે આવેલ ધીરજ હોસ્પિટલ માં લઈ જવામાં આવેલ.
જ્યાં તેણીની સારવાર બાદ તેણી હોશમાં આવ્યા બાદ ઉમલ્લા પોલીસે હોસ્પિટલ ખાતે તેણીની પૂછપરછ કરી ફરિયાદ લીધેલી. સમગ્ર કેસની તપાસ પૂર્ણ થયેથી નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થતાં ફરિયાદી પક્ષ તરફે આ કેસ ચલાવવા અર્થે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અને વધારાના પબ્લિક પ્રોસિક્યુટર રૂગેશ. જે. દેસાઇ ને ફાળવવામાં આવતાં તેઓએ આ કેસ ચલાવેલ અને કેસના અંતે મૌખિક જુબાનીઓ તથા તેઓએ રજૂ કરેલ તબીબી અને વૈજ્ઞાનિક પુરાવાઓ તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓ આધારે પોતાની દલીલો રજૂ કરેલ.
જે પુરાવાઓ અને દલીલોને લક્ષ્યમાં લઈ મહેરબાન ભરૂચના સ્પે. પોકસો કોર્ટના ન્યાયાધીશ શ્રીમતિ માલતીબેન સોનીએ તારીખ ૨૦/૧૧/૨૦૨૧ નારોજ આરોપી નિરવ કિરણભાઈ વસાવાને તકસીરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદ, તેજ કાયદાની કલમ ૩૦૭ હેઠળ ૭ વર્ષની સખત કેદ અને રૂ. ૮,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૫ માસની સાદી કેદ તેમજ બાળકોને જાતિય શોષણથી રક્ષણ આપતા કાયદા (પોકસો એક્ટ)ની કલમ ૫ સાથે કલમ ૬ ને લક્ષ્યમાં લઈ ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદ ની સજા અને તમામ સજા સાથે ભોગવવા અર્થેનો હુકમ ફરમાવ્યો છે.