સમગ્ર રાજ્યમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા આશયથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનુ આયોજન કરાયુ. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો જિલ્લા કક્ષાનો સમાપન સમારોહ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતા તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગરભાઇ ભટૃની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વેળાએ તાલુકા વિકાસ અધિકારી એમ.એમ.પટેલ, શુકલતીર્થ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય ભાવનાબેન આર.વસાવા, સરપંચ શ્રીમતિ મંજૂલાબેન ઉપસ્થિત રહયા હતા. શુકલતીર્થ ગામે આત્મનિર્ભર રથ આવી પહોંચતા ગામ આગેવાનો- ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા એમ.આર.એલ.એફ યોજના હેઠળ નવ બહેનોને પ્રમાણપત્ર,કુપોષણ બાળકોને સુખડીનું વિતરણ કરાયું હતું. સીઆરસી નિકોરા દ્વારા પ્રાથમિક શાળા- શુકલતીર્થને પુસ્તકદાન અર્પણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રના વિકાસમાં ગ્રામીણ વિસ્તારોનું પણ યોગદાન વધે, ગ્રામ વિસ્તારોના લોકો ધરઆંગણે સરકારી અનેક સેવાઓનો લાભ મળી રહે અને ખરા અર્થમાં ગ્રામીણ વિસ્તારો આત્મનિર્ભર બને તે માટે રાજય સરકાર દ્વારા ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનું રાજયવ્યાપી આયોજન કર્યું હતું. ત્રિદિવસીય દરમ્યાન રથ ના માધ્યમથી સરકારની ૧૧ જેટલી મહત્વપૂર્ણ યોજનાઓની માહિતી આપીને આત્મનિર્ભર ગ્રામ બનાવવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન અપાયું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી જીગરભાઇ ભટે પ્રાસંગિક પ્રવચનમાં ખેતીવાડી ખાતાની યોજનાઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા.અન્ય મહાનુભાવોએ પણ પ્રાસંગિક ઉદબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કેન્દ્ર-રાજ્ય સરકાર લોકસેવા અને વિકાસના નવા આયામો સર કરી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોને પ્રગતિના પંથે અગ્રેસર કરવા માટે નાગરિકોએ સરકારી યોજનાઓનો લાભ અચૂક મેળવવો જોઈએ તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ત્રિ-દિવસીય યાત્રાને ત્રણ રૂટમાં ભરૂચ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોના આવરી લઇ વિવિધ ગામોએ રથની ફેરણી થઇ હતી. દરેક ગામોમાં સમાવિષ્ટ ગામોમાં રથની ફેરણી વખતે સ્વચ્છતા રેલી, સ્વચ્છતા શપથ, અને પ્રસાર પ્રસાર અર્થે ભવાઇના કાર્યક્રમ યોજી વિવિધ યોજનાકીય બાબતોની જાણકારી પણ આપવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આઇઇસી કન્સલટન્ટ એસબીએમ (ગ્રામીણ) જયેશ આર.પટેલે આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમ્યાન પેમ્પલેટ તથા વિવિધ યોજનાકીય સાહિત્યનું વિતરણ કરી લોકોને જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્ય રણજીતસિંહ પરમાર,માજી સરપંચ નિલેશભાઇ વસાવા, આગેવાન પદાધિકારી યતિનભાઇ પટેલ, કમલેશભાઇ જોષી, જયરાજસિંહ પરમાર સહિત આગેવાન પદાધિકારીઓ, આત્મા પ્રોજેકટ સ્ટાફ, ખેતીવાડી ખાતા અધિકારી- કર્મચારીઓ, ગામ આગેવાનો,આંગણવાડીની બહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.