પોતાની વ્હાલસોઈ દીકરી માટે NRI પતિ શોધતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો અંકલેશ્વરમાંથી બહાર આવ્યો છે. જેમાં એક યુવકનું પરિવાર 13 દિવસ અંકલેશ્વર રોકાઈ કોર્ટ મેરેજ કરી કેનેડા જતું રહ્યા બાદ યુવતીને સાથે તેડી જવાની ના પાડી દેતા હવે સમગ્ર મામલો પોલીસ મથકે પોહચ્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા જાની પરિવારે NRI મુરતિયાની પસંદગીમાં છેતરાવાનો વારો આવ્યો છે. કેનેડાથી લગ્ન કરવા આવેલા યુવકે લગ્ન બાદ પત્નીને નહિ બોલાવતા પોલીસ ફરિયાદ નોંધવાઈ છે. અંકલેશ્વરની શાંતિ તીર્થ સોસાયટીમાં રહેતા જાની પરિવારે સમાજના જ કેનેડા રહેતા જાગૃતિબેન ભટ્ટ દ્વારા દીકરી માટે મૂળ વડોદરા અને હાલ કેનેડા રહેતા નિસર્ગ ભટ્ટની પસંદગી કરી હતી. ગત 14 ફેબ્રુઆરી 2020 માં કેનેડાથી નિસર્ગ ભટ્ટ તેના માતા-પિતા નૈનેશભાઈ અને રક્ષાબેન સાથે અંકલેશ્વર આવતા કોર્ટમાં 18 મી એ જાની પરિવારે દીકરી વિશ્વાના લગ્ન કરાવ્યા હતા. NRI પતિ અંકલેશ્વરમાં 13 દિવસ રોકાઈ પરિવાર સાથે ફરી કેનેડા ઉપડી ગયો હતો. જોકે પત્નીને કેનેડા નહિ બોલાવી બહાને બાજી શરૂ કરવા સાથે પતિ અને સાસરિયાએ ફોન ઉપર માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આખરે કેનેડા નહિ લઈ જવાનું અને પત્નીનો દરજ્જો આપવાની ચોખ્ખી ના પાડી દેતા NRI પતિ અને સાસરિયા સામે પત્નીએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.