•ફૂટપાથ પર નાની મોટી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હતા તે પોલીસ બળ વાપરી બંધ કરાવ્યું: સ્થાનિક આદિવાસીઓ
•નરેન્દ્ર મોદી આદિવાસીઓને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની વાત કરે છે, પણ અધિકારીઓ અમને ધંધો કરવા દેતા નથી: સ્થાનિક આદિવાસીઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લીમડી બાર ફળિયા ગ્રામજનોની પોતાની બાપદાદાની જમીન આવેલી છે.એ જમીન પર તેઓ નાનો મોટો ધંધો કરીને સાથે સાથે પોતાની જમીન પર પાર્કિંગ બનાવી થોડી ઘણી તેઓને આવક મેળવી રહ્યા છે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના અધિકારીઓ દ્વારા એ પાર્કિંગ બંધ કરાવી દીધું હોવાના આક્ષેપ સાથે આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ફૂટપાથ નજીક નાનો મોટો ધંધો કરનારાઓ નો સર સામાન જપ્ત કરવામાં આવતા ગ્રામજનો રોડ પર બેસી ગયા હતા.ધંધા રોજગરનો એ સામાન અડચણ રૂપ છે તેમ કહી તંત્ર દ્વારા સામાન જપ્ત કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.ગ્રામજનોએ જણાવ્યું હતું કે અહીંયા એક ખાનગી આઈસ્ક્રીમ પાર્લર છે એને કેમ હટાવવામાં નથી આવતું.અમારો ધંધાનો સામાન પરત કરો.અમારી જમીન પર પાર્કિગનો વ્યવસાય કરી અમને રોજગારી મેળવવા દો.બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મંજૂરી વગર પ્રવાસીઓના વાહનોનું પાર્કિગ કરવામાં ન અને ફૂટપાથ પર કોઈ નાનો મોટો ધંધો કોઈ કરવા ન બેસે તેવી સુચના મળતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
બાર ફળીયાના સ્થાનિક આગેવાન દક્ષાબેન તડવીએ જણાવ્યું હતું કે અમારી આ બાપદાદાની જમીનો પર રોજગારી મેળવી રહ્યાં છીએ એ સત્તા મંડળના અધિકારીઓને ગમતું નથી, તેઓએ અમારી રોજગારી બંધ કરાવી છે અને પાર્કિંગનો વ્યવસાય બંધ કરાવી દેવામાં આવ્યો છે.તેમજ ફૂટપાથ પર નાની મોટી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હતા તે પોલીસ બળ વાપરી બંધ કરાવ્યું છે.અન્ય ગ્રામજનોએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી નવા પ્રવાસન સ્થળનું લોકાર્પણ કરે છે ત્યારે તેઓ અહીંયા આદિવાસીઓને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની વાત કરે છે.તો અહિયાના અધિકારીઓ સ્થાનિક આદિવાસીઓને ધંધો કરવા દેતા નથી.
•વિશાલ મિસ્ત્રી,ન્યુઝલાઇન,રાજપીપળા