મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસને રૂ. 5 કરોડની માનહાનીની નોટિસ મોકલી છે. સમીર ખાને દાવો કર્યો છે કે આક્ષેપો પાયાવિહોણા છે અને તેણે લેખિતમાં માફી માંગવી જોઈએ. આ મુદ્દે મહારાષ્ટ્રના ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ આ માનહાનીની નોટિસનો કાયદાદીય જવાબ આપશે.
મલિકની દીકરી નિલોફર મલિક ખાને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, જૂઠા આરોપોથી જીવન બરબાદ થાય છે. કોઈએ કોઈપણ સામે આક્ષેપો કરતા પૂર્વે તપાસ કરવી જોઈએ કે તેઓ શું બોલી રહ્યા છે. ફડવિસે મારા પરિવાર સામે કરેલા જુઠા આક્ષેપો અને દાવાઓ બદલ આ માનહાનીની નોટિસ મોકલવામાં આવી છે. અમે પીછેહઠ નહીં કરીએ.
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને નવાબ મલિક તેમજ દેવેન્દ્ર ફડણવિસ બન્ને આમને-સામને આવી ગયા છે અને રોજ નવા આક્ષેપો કરી રહ્યા છે. અગાઉ ફડણવિસે એનસીપી નેતા સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેઓના અંડરવર્લ્ડ સાથે સંબંધ છે અને તેમણે મુંબઈ બ્લાસ્ટના આરોપીઓ પાસેથી કેટલીક જમીન મેળવી હતી.
જ્યારે મલિકે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, ફડણવિસની મહેરબાનીથી નોટબંધી બાદ મહારાષ્ટ્રમાં બોગસ ચલણી નોટોનો કેસ દબાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફડણવિસે સરકારી વિભાગોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓની નિયુક્ત કરી રાજકારણનું અપરાધીકરણ કર્યું હતું.