રાજયમાં રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીની મત ગણતરી મંગળવારના રોજ હાથ ધરવામાં આવી હતી. પરિણામો જાહેર થતાંની સાથે કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.
રાજયની 8 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં રવિવારના રોજ સરપંચ તેમજ વોર્ડ સભ્યો માટે ચુંટણી યોજવામાં આવી હતી. આજે મંગળવારે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં અનેક ગ્રામ પંચાયતોના પરિણામો આવી ચુકયાં છે. ગ્રામ પંચાયતની ચુંટણીમાં બેલેટ પેપરથી મતદાન થયું હોવાથી પરિણામો આવવામાં સમય લાગી રહયો છે. ગ્રામ પંચાયતની ચુંટણી બેલેટ પેપરથી યોજવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ તાલુકામાં 12 ગ્રામપંચાયતો સમરસ થતાં 66 ગ્રામપંચાયતોની મતગણતરી કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે અને અંકલેશ્વરમાં 34 ગ્રામપંચાયતોની મત ગણતરી જીનવાલા હાઇસ્કુલ ખાતે હાથ ધરાય હતી. મત ગણતરીના સ્થળોએ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
તો બીજી તરફ સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોનો પણ જમાવડો થઇ ગયો હતો. મતદારોની સંખ્યા પ્રમાણે ગ્રામ પંચાયતોને ક્રમમાં ગોઠવી મત ગણતરી હાથ ધરાઇ હતી. વિજેતા બનેલાં ઉમેદવારોને સમર્થકોએ ઢોલ નગારાના નાદ સાથે વધાવી લીધાં હતાં. ભરૂચ અને અંકલેશ્વરમાં મોટી ગણાતી ગ્રામ પંચાયતોમાં ભારે રસાકસી જામી હતી.
ઉલ્લેખનીય છે કે મોડી સાંજ સુધી કુલ ગ્રામ પંચાયતોમાંથી 50 ટકા જેટલી જ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા હતા. જ્યારે અન્ય ગ્રામ પંચાયતોની મત ગણતરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.