• ૪૦ પરિક્રમાવાસીઓ ભરેલી ઓલપાડના ડભારી દરિયા કિનારે બોટ આવતા તમામનું સુરક્ષિત રેસ્ક્યુ કરતા પરિક્રમાવાસીઓમાં જીવમાં જીવ આવ્યો.
શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ છે તે માં નર્મદાની પરિક્રમાનું ધાર્મિક મહત્વ વધુ હોવાથી ગુજરાત, ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં પરિક્રમા માટે આવતા હોય છે.જેઓ હાસોટના દરિયા કિનારે આવેલા ગામથી બોટમાં બેસી ભરૂચના અંભેટા ગામ નજીક નર્મદા સંગમ સુધી પહોંચી નર્મદા પરિક્રમાની શરૂઆત કરતા હોય છે.
ત્યારે હાંસોટના કિનારેથી ૪૦ જેટલા પરિક્રમાવાસીઓ ભરી બોટ દહેજ નજીક આવેલ અંભેટા ગામ જવા નીકળી હતી. પરંતુ બોટ ચાલક દરિયામાં રસ્તો ભૂલી દિશા ભટકી જતા બોટમાં સવાર ૪૦ પરિક્રમાવાસીઓના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે દરિયામાં પરિક્રમાવાસીઓ ભરેલી બોટ દરિયામાં રૂટ ભૂલી હોવાના સમાચાર મળતા અંકલેશ્વર SDM અને હાંસોટ મામલતદાર એલર્ટ થયા હતા.
સદનસીબે દરિયામાં ભૂલી પડેલી બોટ ઓલપાડના દરિયા કિનારે આવેલા ડભારી ગામે નીકળતા ગામના સરપંચ અને ઓલપાડ પોલીસ તાબડતોડ દરિયા કિનારે પહોંચી હતી અને તમામ પરિક્રમાવાસીઓનું રેસ્ક્યુ કરી સુરક્ષિત હાંસોટ ખાતે પરત મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જયારે દરિયામાં ભૂલી પડેલી બોટ ઓલપાડના ડભારી દરિયા કિનારે આવી હતી. ત્યારે ૪૦ જેટલા પરિક્રમાવાસીઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરાતા પરિક્રમાવાસીઓમાં જીવમાં જીવ આવ્યો હતો. ઘટનાને પગલે હાંસોટ મામલતદાર ફાન્સિસ વસાવા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઓલપાડ પોલીસ અને સ્થાનિક સરપંચ દ્વારા તમામ લોકોને સુરક્ષિત હાંસોટ ખસેડવામાં આવ્યા હતા.