• રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારના ૧૯ ગ્રામ પંચાયતોના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા
આગામી ૧૯ મી તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે,અને ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ બની ચુક્યુ છે ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ રીતે ચુંટણી યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ૧૯ ગ્રામ પંચાયતોની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.
નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ તેમજ રાજપારડી પીએસઆઇ જયદિપસિંહ જાદવની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતી ૧૯ ગ્રામ પંચાયતોના ઉમેદવારો હાજર રહ્યા હતા. પીએસઆઇ જયદિપસિંહ જાદવે ચુંટણી શાંતિમય માહોલ વચ્ચે તટસ્થ રીતે યોજાય તેનું ખાસ ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો.
નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇએ જણાવ્યુંકે ચુંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ નિર્ભયતાથી કરી શકે તેવો માહોલ ઉભો કરવા માટે ઉમેદવારોએ ખાસ કાળજી રાખવી પડશે. ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતી ૨૨ ગ્રામ પંચાયતો પૈકી ૨ ગ્રામ પંચાયતોમાં હાલ ચુંટણી નથી યોજાવાની, જ્યારે એક પંચાયત બિનહરિફ જાહેર થતાં હવે ૧૯ ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાશે. પીએસઆઇ જયદિપસિંહ જાદવના જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કુલ ૪૨ મતદાન મથકો છે, જે પૈકી ૯ મતદાન મથકો સંવેદનશીલ તેમજ ૧૭ મતદાન મથકો અતિસંવેદનશીલ છે જયારે ૧૬ મતદાન મથકોનો સામાન્ય મથકોમાં સમાવેશ થાય છે.
ચુંટણી એ લોકશાહીનું મહાપર્વ ગણાય છે ત્યારે ચુંટણી કોઇપણ જાતના વૈમનશ્ય વિના તટસ્થ રીતે શાંતિમય માહોલ વચ્ચે સંપન્ન થાય તેની તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અત્રે ઉપસ્થિત તમામ ઉમેદવારો અને અગ્રણીઓએ આ સુચનને વધાવી લઇને ચુંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પુરો સહયોગ આપવા ખાતરી આપી હતી.
•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી