ભરૂચ જિલ્લામાં તા.૧૯/૧૨/૨૦૨૧ને રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા આશયથી જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી- ભરૂચ ધ્વારા મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન હાથ ધરતાં શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહયું છે.
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જંબુસર તાલુકાની રૂનાડની શ્રી રામકબીર ઉ.બુ.વિધાલય ખાતે વકતૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા તથા ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ભરૂચના બી.એડના તાલીમાર્થીઓ ધ્વારા પણ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.વાલીયા તાલુકાના સીલુડી ખાતે પણ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા રજીસ્ટ્રાર ધ્વારા દુધ ઉત્પાદક સહકાર મંડળી લિ.માં દૂર ભરવા આવતા લોકોને આપવામાં આવતી પાવતી પર મતદાન અવશ્ય કરોનો સંદેશ છપાવી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહયો છે.
ભરૂચની ઓકઝીલીયમ શાળા ખાતે શિક્ષણાધિકારી કચેરીના દિવ્યેશભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. પોતાના વિસ્તારમાં આવેલી પાવનપુરી સોસાયટીના લોકોને ધેર-ધેર જઇને મતદાન અવશ્ય કરવા આપવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
પ્રાર્થના વિધાલય,ભોલાવ- ભરૂચ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાના વિધાર્થીઓ ધ્વારા ગુજરાતનો નકશો તૈયાર કરવામાં આવ્યો તેમજ આસપાસની સોસાયટીમાં રેલી સ્વરૂપે પહોંચી મતદાન જાગૃતિનો અનોખો સંદેશ ફેલાવ્યો હતો. તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ ગ્રામ્યકક્ષાની ચૂંટણીમાં મતદાતાઓ વિશેષ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ રેલી ધ્વારા મતદાતાઓમાં જાગૃતિ ફેલાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહયો છે.