•કમરના મણકાની સર્જરી માટે આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ કઢાવી આપી ઓપરેશન માટે કરી વ્યવસ્થા
ભરૂચમાં મજૂરી કરી પેટયું રળતા દેવીપૂજક પરિવારની ૬ વર્ષીય દીકરી ૩ મહિના પહેલા પડી જતા કમરના ભાગે ઇજા થતાં મણકામાં ગંભીર નુકશાન થયું હતું. જેના કારણે અસહ્ય વેદના સાથે બાળકીનું હલનચલન અને રોજિંદી જીવનક્રિયા કરવામાં પણ અસમર્થતા આવી ગઈ હતી.
ત્રણ સંતાનના ગરીબ પિતાએ પોતાની મોટી દીકરીની સારવાર માટે ભરૂચથી લઈ અમદાવાદ સિવિલ સુધી ધક્કાખાવા છતાં નિદાન અને સારવાર થઈ શકી ન હતી. અંતે વિધાન સભાના ઉપદંડક અને ભરૂચના ધારાસભ્યના ધ્યાને આવતા તેઓએ જરૂરી તમામ કાર્યવાહી કરાવી આપી સ્પાઇન સર્જન પાસે આયુષ્યમાન કાર્ડ હેઠળ દીકરીના ઓપરેશનની વ્યવસ્થા તાત્કાલિક ઉપલબ્ધ કરાવી છે.
ભરૂચમાં ગરીબ પરિવારની ૬ વર્ષની દીકરીની વહારે આવી ધારાસભ્ય દુષ્યંત પટેલે મણકાની સર્જરીની વ્યવસ્થા કરી આપી છે. ભરૂચ શહેરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લાખા દેવીપૂજક મજૂરી કામ કરે છે. તેઓને 3 સંતાનો છે. જેમાં સૌથી મોટી દીકરી ૬ વર્ષની પ્રિયંકા 3 મહિના પહેલા પડી જતા કમરના મણકામાં ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે તે પોતાની રોજિંદી ક્રિયા કરવા કે હલનચલનમાં અસ્વસ્થ બની હતી.
ભરૂચથી અમદાવાદ સિવિલ સુધી અને અન્ય હોસ્પિટલોમાં નિદાન કરાવવા છતાં પુત્રીની પીડા દૂર થઈ ન હતી. આર્થિક રીતે પણ દોડી દોડીને પડી ભાંગેલા પરિવારે અંતે ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો.
ધારાસભ્ય દુષ્યંત પટેલને સમગ્ર સ્થિતિથી વાકેફ કરાતા તેઓએ તાત્કાલિક દીકરીનું નામ રેશન કાર્ડમાં ઉમેરાવી, આવકનો દાખલો અને આયુષ્યમાન કઢાવી આપ્યું હતું. બાળકીના રિપોર્ટ વડોદરાના નિષ્ણાંત સ્પાઇન સર્જનને બતાવી હવે આ ગરીબ બાળકીને અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવવા સર્જરીની તજવીજ હાથ ધરવામાં આવનાર છે. ઓપરેશન બાદ મણકામાં ઇજાના કારણે સર્જાયેલી ખામી દૂર કરાતા પ્રિયંકા પેહલાની જેમ હરી ફરી શકવા સાથે પોતાની રોજિંદી કામગીરી કરી શકશે.